ત્રિકોણબાગ પાસે કાજલ ટેલિકોમમાં કનૈયાલાલ પર નાનાભાઇનો હુમલો
રાજકોટ તા. ૨૫: ઢેબર રોડ વનવે એ-ડિવીઝન પોલીસ સ્ટેશન સામે અનિલ ચેમ્બરમાં ચોથા માળે રહેતાં અને ઘર નીચે જ ઓફિસ ધરાવતાં કનૈયાલાલ ગોરધનદાસ મોટવાણી (સિંધી) (ઉ.વ.૫૪) સાંજે આઠેક વાગ્યે ત્રિકોણબાગ પાસે પોતાના નાના ભાઇ અનિલભાઇની કાજલ ટેલિકોમ નામની દૂકાને હતાં ત્યારે નાનાભાઇએ ઝઘડો કરી માથામાં પાણીની બોટલ ફટકારી ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે એ-ડિવીઝનમાં જાણ કરી હતી.
કનૈયાલાલના કહેવા મુજબ સંયુકત મિલ્કત હોઇ તેમાં પાણીની લાઇનનો પાઇપ સડી ગયો હોઇ તે રિપેર કરવા માટે આવેલા કારીગરે મજુરીના વધુ પૈસા કહેતાં તે કામ કર્યા વગર જતો રહ્યો હતો. આ બાબતે નાના ભાઇ અનિલભાઇએ વાંધો ઉઠાવી મજૂરી ગમે એટલી કહે રીપેરીંગ કરાવવું જ પડશે તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો. પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.