રાજકોટ
News of Tuesday, 24th May 2022

ચુનારાવાડ ચોકમાં અજાણ્‍યા વાહને બાઇકને ઉલાળતાં ધોબી વૃધ્‍ધ રામજીભાઇનું મોત

વિવેકાનંદનગરથી ચુનારાવાડમાં પોતાની લોન્‍ડ્રીએ જઇ રહ્યા હતાં ત્‍યારે બનાવ

રાજકોટ તા. ૨૩: ચુનારાવાડ ચોકમાં બાઇકને અજાણ્‍યા વાહનનો ચાલક ઉલાળીને ભાગી જતાં વિવેકાનંદનગરના ધોબી વૃધ્‍ધનું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ વિવેકાનંદનગર-૨માં રહેતાં રામજીભાઇ જુઠાભાઇ મોડાસીયા (ધોબી) (ઉ.વ.૬૫) સવારે પોતાનું બાઇક હંકારીને ઘરેથી ચુનારાવાડ રાવણ ચોકમાં આવેલી પોતાની શ્રીરામ પાવર લોન્‍ડ્રી નામની દૂકાને જઇ રહ્યા હતાં ત્‍યારે ચુનારાવાડ ચોકમાં અજાણ્‍યા વાહનનો ચાલક બાઇકને ઠોકરે લઇ ભાગી ગયો હતો. રામજીભાઇને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ દમ તોડી દેતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

રામજીભાઇ ચાર ભાઇ અને એક બહેનમાં ત્રીજા હતાં. સંતાનમાં એક પુત્રી અને એક પુત્ર છે. થોરાળા પોલીસે અકસ્‍માત સર્જી ભાગી ગયેલા વાહન ચાલક અંગે તપાસ હાથ ધરી છે.

(4:03 pm IST)