રાજકોટ
News of Tuesday, 24th May 2022

રેસકોર્ષ મેદાનમાં આજથી નાટક ‘જાણતા રાજા'નો પ્રારંભ

તા. ૨૮ સુધી દરરોજ શો : છત્રપતિ મહારાજ શિવાજીનું જીવનચરિત્ર રજુ થશે : હાથી, ઘોડા, ઉંટના વાસ્‍તવીક દ્રશ્‍યો રોમાંચકતા વધારશે : ૨૫૦ થી વધુ કલાકારોનો કાફલો કામણ પાથરશે : પૂર્વ તૈયારી અર્થે શહેર ભાજપની મળી ગયેલ બેઠક

રાજકોટ તા. ૨૪ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની સંયુકત યાદીમાં જણાવાયુ છે કે નગરજનો માટે રેસકોર્ષ મેદાનમાં આજથી રોમાંચક નાટક ‘જાણતા રાજા'નો પ્રારંભ થઇ રહયો છે.

પરમ રાષ્‍ટ્રભકત અને કુશળ રાજા-યોધ્‍ધા છત્રપતિ શિવાજી મહારાજના જીવન આધારીત આ નાટકના શો તા.૨૮ સુધી દરરોજ સાંજે ૭.૩૦ થી ૧૦ સુધી ચાલશે.

૪૦૦×૪૦૦ ફુટના વિશાળ મંચ પર દરરોજ ૩.૧૪ કલાકનો અલૌકિક અનુભવ થશે. રોમાંચક સંગીત વચ્‍ચે સ્‍ટેજ ઉપર અસલ હાથી, ઘોડા અને ઉંટ દોડતા જોવા મળશે. ૨૫૦ થી વધારે કલાકારો આ શો માં ભાગ લઇ રહ્યા છે. શહેરી જનોએ આ રોમાંચક અનુભુતિ કરાવતુ નાટક અચુક માણવા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ અનુરોધ કરેલ છે.

કાર્યક્રમની પૂર્વ તૈયારના ભાગરૂપે ભાજપ કાર્યાલયે કમલેશ મિરાણીની અધ્‍યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં શહેર ભાજપ મહામંત્રી જીતુ કોઠારી અને નરેન્‍દ્રસિંહ ઠાકુરે જરૂરી માર્ગદર્શન પૂરૂ પાડયુ હતુ. આ બેઠકમાં શહેર ભાજપ ઉપપ્રમુખ વિરેન્‍દ્રસિંહ ઝાલા, વિક્રમ પુજારા, વિધાનસભા ૭૧ ના પ્રભારી રાજુભાઇ બોરીચા વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

આ બેઠકને સફળ બનાવવા શહેર ભાજપ કોષાધ્‍યક્ષ અનીલભાઇ પારેખ, કાર્યાલય મંત્રી હરેશ જોષી તેમજ કાર્યાલય પરિવારના રમેશભાઇ જોટાંગીયાએ જહેમત ઉઠાવી હતી.

(3:10 pm IST)