રાજકોટ
News of Tuesday, 24th May 2022

જિલ્લા પંચાયતમાં ધબડકો યથાવત : સંકલનમાં માત્ર ૪ પદાધિકારીઓ હાજર

ચૂંટણીનું વર્ષ છતા ચૂંટાયેલી પાંખમાં નિરસ વાતાવરણ : ચોમાસાની કામગીરીની ચર્ચા : યાજ્ઞિક રોડ પરની દુકાનો ભાડે આપવાનું મોકૂફ : મહિલા સભ્‍યોના પતિને બેઠકમાં હાજર રહેવાની મનાઇ હોવાના મુદ્દે એક સભ્‍યના પતિનો આક્રોશ : ભવિષ્‍યમાં સમિતિની સત્તાવાર બેઠકમાં મહિલા સભ્‍યો ગેરહાજર રહેતો જરૂરી સંખ્‍યા પુરી થવા સામે પ્રશ્નાર્થ સર્જાઇ શકે છે

રાજકોટ, તા. ર૩ : જિલ્લા પંચાયતમાં દર સોમવારે વહીવટી તંત્ર અને ચૂંટાયેલા પાંખ વચ્‍ચે મળતી સંકલન સમિતિની બેઠક આજે સવારે મળેલ. જેમાં પદાધિકારીઓ સહિત માત્ર ૪ સભ્‍યો જ હાજર રહેલ. ચૂંટાયેલા પાંચખી મહંદઅંશે ગેરહાજરીના સંજોગોમાં ડી.ડી.ઓ. શ્રી દેવ ચૌધરીએ હાજર ૪ પદાધિકારીઓ તથા શાખા અધિકારીઓ સાથે ચર્ચા કરેલ ચોમાસાને અનુલક્ષીને રસ્‍તા સહિતની કામગીરી માટે ડી. ડી. ઓ. એ અધિકારીઓને સૂચના આપી હતી. પશુ દવાખાનાની જમીન  પરનું દબાણ, પંચાયત કચેરી સંકુલમાં કેન્‍ટીન, પંચાયતની માલિકીની યાજ્ઞિક રોડ પરની દુકાન, ગ્રામીણ વિકાસ કામો વગેરે બાબતે ચર્ચા થયેલ. પંચાયતની નવી ઇમારતની ડીઝાઇન બનાવવાનું બાકી હોવાથી યાજ્ઞિક રોડ પરની બાકીની ખાલી દુકાનો ભાડે આપવાનું મોકૂફ રખાયું હતું.

આજે સંકલન બેઠકમાં પ્રમુખ ભૂપત બોદર, કારોબારી અધ્‍યક્ષ સહદેવસિંહ જાડેજા, બાંધકામ અધ્‍યક્ષ પી. જી. કયાડા, અને સામાજિક ન્‍યાય સમિતિ અધ્‍યક્ષ મોહનભાઇ દાફડા હાજર રહેલ. કોંગ્રેસના ચૂંટાયેલા સભ્‍યોની સંખ્‍યા ર૪ છે. જેમાં ૭ અધ્‍યક્ષ છે. આજની બેઠકમાં માત્ર ૪ પદાધિકારીઓ જ હાજર હતાં. અન્‍ય સભ્‍યોને રસ ન હોય અથવા અન્‍ય કોઇ કારણ હોવાથી ગેરહાજર રહ્યાનું માનવામાં આવે છે. ચૂંટાયેલા મહિલા સભ્‍યોના પતિઓને બેઠકમાં હાજરી આપવાની મનાઇ છે. તેથી રાજકીય વાતાવરણ વધુ શુષ્‍ક થઇ રહ્યું છે. આજે એક મહિલા સભ્‍યના પતિએ ‘મનમાની' કરવા માટે અમને બેઠકોમાં ભાગ લેવા દેવાતો નથી તેવો આક્રોશ વ્‍યકત કરી ભવિષ્‍યમાં સમિતિઓની બેઠકોમાં મહિલાઓ ગેરહાજર રહી ‘કોરમ' પુરૂ થતા રોકે તેવી ભીતિ વ્‍યકત કરી હતી.

(3:17 pm IST)