રાજકોટ
News of Wednesday, 23rd September 2020

કુદરતના સંકેત મુજબ સામાન્ય લોકોને ન્યાય અને લુખ્ખાઓને બોધપાઠ મળે તેવા પ્રયત્નો હું દિલથી કરીશઃ ડી.વી.બસીયા

રાજકોટની ક્રાઇમ કુંડળીથી પરિચિત ક્રાઇમ બ્રાન્ચના એસીપી 'અકિલા'ની શુભેચ્છા મુલાકાત સમયે પોતાના પોષ્ટીંગને ઇશ્વરીય સંકેત ગણાવ્યો : શહેરની ક્રાઇમ કુંડળીથી સુપરિચિત ક્રાઇમ બ્રાન્ચના એસીપી ડી.વી.બસીયા 'અકિલા'ના આંગણે

રાજકોટ શહેરનો બહોળો અનુભવ ધરાવવા સાથે શહેરના સજ્જનો અને દુર્જનો વચ્ચેનો ભેદ સારી રીતે સમજતા ક્રાઇમ બ્રાન્ચના નવનિયુકત એસીપી ડી.વી.બસીયાએ વર્ષો જુના પારિવારિક સંબંધ અંતર્ગત અકિલાના આંગણે આવી, અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે વિચારોનું આદાન-પ્રદાન કર્યુ તે પ્રસંગની તસ્વીરમાં એસીપી ડી.બી.બસીયા, અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા તથા અકિલાના સિનીયર પત્રકાર જગદીશભાઇ ગણાત્રા દ્રષ્ટિગોચર થાય છે.

રાજકોટ, તા., ર૩: કુદરતે મને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના એસીપી તરીકે મુકાવ્યો  તેને હું કુદરતી સંકેત ગણુ છું, આનો હું બીજો અર્થ એવો કરૂ છું કે સામાન્ય અને ગરીબીની રેખા નીચે જીવતા લોકોને પણ ન્યાય મળે અને લુખ્ખા તત્વોને બોધપાઠ મળે તેવી કામગીરી મારે કરવાની છે. કુદરતના સંકેત મુજબ હું સામાન્ય લોકોને ન્યાય અને લુખ્ખાઓને બોધપાઠ મળે તે રીતે ફરજ બજાવવાના પુરતા પ્રયત્નો કરીશ તેમ રાજકોટની ક્રાઇમ કુંડળીથી સુપરે પરિચિત   અને શહેરનો બહોળો અનુભવ ધરાવતા ક્રાઇમ બ્રાન્ચના નવનિયુકત એસીપી ડી.વી.બસીયાએ  'અકિલા' પરિવાર સાથે વર્ષો જુના પારિવારિક સંબોધો અંતર્ગત 'અકિલા'ની શુભેચ્છા મુલાકાત દરમિયાન 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથેની વાતચીતમાં પોતાના મનની વાત જણાવી હતી.

લુખ્ખાઓ અને સજ્જનો વચ્ચેનો ભેદ  ખુબ જ સારી રીતે સમજતા આ અધિકારીએ ભુતકાળમાં રાજકોટ શહેર એસઓજી જેવી મહત્વની બ્રાન્ચમાં તત્કાલીન પોલીસ કમિશ્નર મોહન ઝા અને અનુપમસિંહ ગેહલોતના કાર્યકાળ દરમિયાન પ્રત્યેક અરજીનો ઝડપથી નિકાલ કરી ઉપરી અધિકારીઓની પ્રશંસા મેળવી હતી. સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર સ્ટોન કીલરને ઝડપવામાં એસઓજી ટીમનું નેતૃત્વ ડી.વી.બસીયા દ્વારા થયેલું. આબાદ વેષપલ્ટો કરી સ્ટોન કીલરને ઝડપવા અથાગ જહેમત અન્ય પોલીસ ટીમો સાથે ઉઠાવી હતી. ડી.વી.બસીયાએ લીંબડીના કાર્યકાળ દરમિયાન લોકડાઉનને કારણે મુશ્કેલી મુકાયેલા સામાન્ય લોકો માટે મન મુકી ચા-નાસ્તા-ભોજન વિગેરેની વ્યવસ્થા  ડીઆઇજી સંદીપસિંહ તથા સુરેન્દ્રનગર એસપી મહેન્દ્ર બગડીયાના માર્ગદર્શન હેઠળ કરેલી જને લોકો આજે પણ યાદ કરે છે. પોરબંદરના કાર્યકાળ દરમિયાન તેઓએ સખ્તાઇથી કામ લઇ કાર્યદક્ષતાનો પરચો બતાવ્યો હતો. અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રાની શુભેચ્છા મુલાકાત પ્રસંગે તેઓએ વિશેષમાં જણાવેલ કે હાલના પોલીસ કમિશ્નર  મનોજ અગ્રવાલ પણ સામાન્ય લોકોને ઝડપી  ન્યાય મળે તેના હિમાયતી હોવા સાથોસાથ તેઓ પાસે અદભુત ટેકનીકલ નોલેજ હોવાથી આવા ટેકનોસેવી અધિકારીના હાથ નીચે કામ કરવાની મને તક મળી તેના કારણે મારૂ કાર્ય સરળ અને ઝડપી બનશે. શુભેચ્છા મુલાકાત પ્રસંગે અકિલાના સિનીયર પત્રકાર જગદીશભાઇ ગણાત્રા પણ ઉપસ્થિત રહયા હતા.

(2:51 pm IST)