રાજકોટ
News of Friday, 23rd July 2021

નકલી આર.સી. બૂક ૭૦ હજારમાં અરૂણાચલના ડીટીઓ ૨૦૧૬થી બનાવી આપતાં હોવાની ભૂમેશ શાહની કબૂલાત શહેર એસઓજીએ કોૈભાંડમાં ભોલુગીરી, ઇર્શાદને પકડ્યા પછી સુરતના ભૂમેશને દબોચતા વિગતો બહાર આવી

ભૂમેશ ઓલ ઇન્ડિયા ટુરીસ્ટ પરમીટ માટે નાગાલેન્ડ ગયેલો, ત્યાંથી અરૂણાચલ પ્રદેશ સુધીની લાઇન મળી હતી : તમામ નકલી આર.સી. બૂકો અરૂણાચલના ડીસ્ટ્રીકટ ટ્રાન્સપોર્ટ ઓફિસરે બનાવી દીધાનું ખુલ્યું

કોૈભાંડકારો ભોલુગીરી, ઇર્શાદ અને ભૂમેશ

રાજકોટ તા. ૨૩: લકઝરી બસોનું અસ્તિત્વ ન હોવા છતાં ખોટા એન્જીન-ચેસીસ નંબર ઉભા કરી ખોટી આર.સી. બૂકો બનાવી તેના આધારે તથા વિમા પોલીસીના આધારે જુદી જુદી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી કરોડોની લોન લઇ બાદમાં ધૂંબો મારી દેવાના કોૈભાંડમાં રિમાન્ડ પર રહેલા રાજકોટના ટ્રાવેલ્સ સંચાલક ભોલુગીરી અને સુરતના ઇર્શાદ ઉર્ફ ઇસુની પુછતાછમાં ત્રીજા એક મુખ્ય ભેજાભાજ ધંધુકા પંથકના ભૂમેશનું નામ ખુલતાં તેનો પણ સુરત જેલમાંથી કબ્જો લેવાયો છે. તેની પુછતાછમાં તેણે તમામ નકલી આર.સી. બૂકો એકના રૂ. ૭૦ હજાર લેખે લઇ અરૂણાચલના ઇટાનગર નાહરલાગુન ખાતે રહેતાં ડીટીઓ (ડીસ્ટ્રીકટ ટ્રાન્સપોર્ટ ઓફિસર) રેમર ગેબએ બનાવી આપ્યાનું કબુલતાં ચકચાર જાગી છે. પોલીસ તપાસનો દોર હવે અરૂણાચલ પ્રદેશ સુધી લંબાય તેવી શકયત ાછે.

 શહેરના ઢેબર રોડ નારાયણનગર-૧૨માં રહેતાં ખોડિયાર ટ્રાવેલ્સના સંચાલક ભોલુગીરી ભાણગીરી ગોસ્વામીએ સુરતના ઇર્શાદ કાળુભાઇ પઠાણ અને હોશાંગ વાય ભગવાગર સહિતની સાથે મળી ટ્રાવેલ્સ બસોની હયાતી ન હોવા છતાં માત્ર એન્જીન-ચેસીસ નંબરો ઉભા કરી બોગસ આરસી બૂકો બનાવી તેના આધારે રાજકોટ, અમદાવાદ, વડોદરાની ખાનગી બેંકો, ફાયનાન્સ પેઢીઓમાંથી અધધધ રૂ. ૪ કરોડ ૬ લાખ ૨૦ હજારની ૨૮ લોનો લઇ બાદમાં બેંકોને ધૂંબો મારી દીધાના કોૈભાંડમાં એસઓજીએ ભોલુગીરીને ઝડપી કોર્ટમાં રજૂ કરતાં ૨૬મી સુધીના રિમાન્ડ મંજુર થયા હતાં. બીજા આરોપી  સુરતના ઇર્શાદ ઉર્ફ ઇસુ કાળુભાઇ પઠાણ (ઉ.વ.૪૧-રહે. રહેમત નગર વાલક પાટીયા, મકાન નં. ૨૧૩, હુન્ડાઇ શો રૂમ પાછળ સુરત, મુળ વતન મંગળશા પીરની વાડી પાસે જેતપુર)નો જેલમાંથી કબ્જો લઇ ધરપકડ કરવામાં આવી હતી. તેના પણ  ૨૮મી સુધીના રિમાન્ડ મંજુર થયા હતાં.

તેની પુછતાછમાં તેણે મુળ રાજકોટના હાલ સુરત અડાજણ અયોધ્યા નગરી પાસે મિલેનિયમ રેસિડેન્સી ડી-૭૦૨માં રહેતાં ભૂમેશ રસિકલાલ શાહ (ઉ.વ.૪૯) મારફત નકલી આર. સી. બૂકો મેળવી હોવાનું કબુલતાં શહેર એસઓજીએ ભૂમેશનો આજે સુરત જેલમાંથી કબ્જો મેળવ્યો છે.

ભૂમેશ શાહ અગાઉ ચાર વર્ષ રાજકોટ રહી ચુકયો છે. તે અગાઉ પાયલ ટ્રાવેલ્સમાં કામ કરતો હતો. એ પછી તે સુરત રહેવા ગયો હતો. ત્યાં પોતાનું ટ્રાવેલ્સનું કામ શરૂ કર્યુ હતું અને લકઝરી બસોની ઓલ ઇન્ડિયા પરમિટ કઢાવી દેવાનું કામ પણ તેણે ચાલુ કર્યુ હતું. આવા કામ માટે તે નાગાલેન્ડ ગયો હતો. જ્યાં તેની ઓળખાણ મુકેશ જૈન સાથે થઇ હતી. મુકેશ ઓલ ઇન્ડિયા ટુરીસ્ટ પરમીટનું કાયદેસરનું કામ કરતો હતો.

ભૂમેશે તેને પોતાના મિત્ર સુરતના ઇર્શાદને બસની નકલી આર. સી. બૂક જોઇએ છે એ બનાવી આપવા કહેતાં મુકેશે પોતે આવુ કામ નથી કરતો પણ અરૂણાચલમાં આવું કામ થઇ શકે તેમ કહેતાં ભૂમેશ અરૂણાચલ પહોંચ્યો હતો અને ત્યાંના ડીટીઓ (આપણે અહિ આરટીઓ હોય તેમ) (ડીસ્ટ્રીકટ ટ્રાન્સપોર્ટ ઓફિસર) રેમર ગેબને તે મળ્યો હતો. રેમર ગેબે આવી નકલી બૂકો બની જશે પણ એક બૂકના રૂ. ૭૦ હજાર જેવો ખર્ચ થશે તેમ કહેતાં ભૂમેશે સોૈ પહેલા ૨૦૧૬માં આવી બૂક બનાવડાવી હતી. ઇર્શાદ પાસેથી દોઢ લાખ લઇ અડધા પોતે રાખી અડધા ડીટીઓને ચુકવ્યા હતાં.

એ પછી ઇર્શાદના કહેવાથી તે સતત અરૂણાચલ પ્રદેશના ડીટીઓ સાથે સંપર્કમાં રહી અવાર-નવાર નકલી આર.સી. બૂકો મંગાવતો હતો. આ રીતે દોઢસોથી વધુ નકલી બૂકો મેળવી કરોડોનું લોન કોૈભાંડ આચરાયું હતું. ડીટીઓની સીધી સંડોવણી ખુલતાં ટીમ હવે અરૂણાચલ પ્રદેશ સુધી તપાસનો દોર લંબાવશે. 

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ આર. વાય. રાવલ, પીએસઆઇ એમ. એસ. અન્સારી, એએસઆઇ ભાનુભાઇ મિયાત્રા, સુભાષભાઇ ડાંગર, મોહિતસિંહ જાડેજા, કિશનભાઇ આહિર, રણછોડભાઇ, ધર્મેન્દ્રસિંહ સહિતની ટીમ વધુ તપાસ કરે છે. 

(3:55 pm IST)