રાજકોટ
News of Friday, 23rd July 2021

નાઇટ કર્ફયુમાં હવેથી રાતે ૧૦ પછી નીકળનારની પુછતાછ કરી નોંધ કરાશેઃ તમામ પોઇન્ટ્સ બેરીકેડથી બંધ કરાશે

પશ્ચિમ વિભાગના તમામ પોલીસ મથકો હેઠળના મુખ્ય પોઇન્ટસ પર આ કાર્યવાહી રોજ થશેઃ એસીપી પી. કે. દિયોરા

રાજકોટ : શહેરમાં કોરોનાની માર્ગદર્શિકા અંતર્ગત દરરોજ રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી કર્ફયુ અમલમાં છે. શહેર પોલીસ દરરોજ કર્ફયુના નિયમોનું કડક પાલન કરાવે છે. આમ છતાં અનેક લોકો બેદરકાર બની કારણ વગર કર્ફયુમાં પણ બહાર નીકળી પડતાં હોઇ તેના વિરૂધ્ધ કાયદેસસરની કાર્યવાહી કરવામાં આવે છે. દરમિયાન શહેરના પશ્ચિમ વિભાગના પોલીસ મથકો હેઠળના મુખ્ય માર્ગોના તમામ પોઇન્ટ્સ પર ગત રાતથી જ રાત્રીના દસ પછી નીકળતાં વાહન ચાલકોને અટકાવી તેમના નામ સરનામા પુછી રજીસ્ટરમાં નોંધ કરી શું કામ માટે નીકળ્યા છે? તેની ખરાઇ કરી પછી જ જવા દેવાનું અને જો જવાબ યોગ્ય ન હોય તો કાયદેસરની કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. આજ રાતથી ગાંધીગ્રામ, યુનિવર્સિટી, માલવીયાનગર, પ્ર.નગર પોલીસ સ્ટેશન એટલે કે પશ્ચિમ વિભાગના પોલીસ સ્ટેશનો હેઠળના તમામ મુખ્ય પોઇન્ટ્સ પર આ કામગીરી વધુ કડક બનાવવામાં આવશે. રાતે દસ વાગ્યે બેરીકેડથી રસ્તાઓ બંધ કરી દેવાશે અને એ બાદ કોઇ નીકળશે તો પુરતી ખાત્રી કરી નામ સરનામા મોબાઇલ નંબરની નોંધ કરી પછી જ જવા દેવામાં આવશે. લોકો કર્ફયુ પહેલા જ ઘરે પહોંચી જાય તે યોગ્ય ગણાશે. તેમ એસીપ પી. કે. દિયોરાએ જણાવ્યું છે. 

(3:53 pm IST)