રાજકોટ
News of Friday, 23rd July 2021

ચિલઝડપ કરેલા ચેઇન ગિરવે રાખનાર ફાયનાન્સ પેઢીના મેનેજરની પુછતાછ થઇ

હવે પ્ર.નગર પોલીસ ટેરેટરી મેનેજરની પુછતાછ પણ કરશે : ફાયનાન્સ કંપનીઓ, લોન આપતી ખાનગી પેઢીઓ, સોનુ લેતા વેપારીઓને સુચના કે દાગીના વેંચનારા પાસેથી બીલ, કેવાયસીનો આગ્રહ રાખવોઃ પોલીસ કમિશનરની સુચના

રાજકોટ તા. ૨૩: શહેરમાં ચોરાઉ એકટીવાનો ઉપયોગ કરી ડઝન જેટલા ચેઇનની ચિલઝડપના ગુનામાં પકડાયેલા સાધુ વાસવાણી રોડ પરની આવાસ યોજના કવાર્ટરમાં રહેતાં અઝીઝ જુસબભાઇ ઉઠાર (ઉ.વ.૪૭)ની હાલમાં પ્ર.નગર પોલીસે ત્રણ ગુનામાં ધરપકડ કરી છે. રિમાન્ડ મંજુર થતાં વિશેષ પુછતાછમાં અઝીઝે એક ગુનાનો ચેઇન આઇઆઇએફએલ ફાયનાન્સ લિ. કંપનીમાં ગિરવે મુકી લોન લીધાની કબુલાત આપી હતી. આથી પોલીસે ગુરૂપ્રસાદ ચોકની આઇઆઇએફએલ બ્રાંચના મેનેજર સાહિલ ચેતનભાઇ કામદારને બોલાવી પુછતાછ કરી હતી.

મેનેજર કામદારે કહ્યું હતું કે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન તેમજ ડિકલેરેશન ફોર્મ તેમજ કેવાયસી ડોકયુમેન્ટ, ઓનલાઇન ફોટોગ્રાફી રજૂ કરે તેને જ દાગીના પર લોન અપાય છે. કોઇપણ વ્યકિત સોના-ચાંદીના દાગીના ગિરવે મુકવા આવે તો નિયમોનું ગુજરાતીમાં અનુવાદન કરીનિયમો સમજાવયા છે. અરજદારની સહી લેવાય છે. તેમજ કંપનીના નિયમોમાં એક નિયમ એવો પણ છે કે જે જો દાગીના ચોરાઉ કે ડુપ્લીકેટ નીકળે તો સંપુર્ણ જવાબદારી અરજદાર એટલે કે ગિરવે મુકનારની રહે છે. હવે પોલીસ આ કંપનીના ટેરેટરી મેનેજરની પણ પુછતાછ કરશે.

દરમિયાન પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ અને ડીસીપી મનોહરસિંહ જાડેજા તથા પીઆઇ પી. કે. દિયોરાએ સુચના આપી છે કે કોઇપણ ફાયનાન્સ પેઢીઓ, ખાનગી લોન આપતી પેઢીઓ અને સોનુ વેંચાતુ લેતા વેપારીઓએ હવે પછી કોઇપણ વ્યકિત દાગીના ગીરવે મુકવા આવે કે વેંચવા આવે તો કેવાયસી સાથે બીલનો પણ આગ્રહ રાખવો. કોઇ શકમંદ જણાય તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી. જેથી ચિલઝડપના ગુના અટકાવી શકાય.

(3:51 pm IST)