રાજકોટ
News of Friday, 23rd July 2021

સરકારે રવિવારે વેપારીઓના વેકસીન કેમ્પની જાહેરાત કરી છે પરંતુ રાજકોટમાં હજુ કાંઇ નક્કી નથી ?! : સાંજે મીટીંગ

વેકસીનના ડોઝનો સ્ટોક તપાસીને રવિવારે વેપારીઓને વેકસીન આપવી કે કેમ ? કેટલા કેન્દ્રો રાખવા? વગેરે બાબતો નક્કી કરવા મ.ન.પા.માં સાંજે બેઠક યોજાયા બાદ વેપારીઓ માટેના ખાસ કેમ્પની જાહેરાત થશે : અધિકારીઓ - પદાધિકારીઓ વેકસીન કેમ્પ બાબતે મગનું નામ મરી નથી પાડતા

રાજકોટ તા. ૨૩ : એક તરફ રાજ્ય સરકારે વેપારીઓ માટે રવિવારે ખાસ વેકસીનેશન કેમ્પની જાહેરાત કરી દીધી છે ત્યારે બીજી તરફ રાજકોટમાં વેપારીઓ માટે રવિવારે ખાસ કેમ્પ યોજયો કે કેમ ? તે બાબતે મ.ન.પા.ના અધિકારીઓ અને પદાધિકારીઓ હજુ સુધી અસમંજસમાં છે. કેમકે વેપારીઓના કેમ્પ માટે છેક સાંજે બેઠક યોજવામાં આવનાર હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

આ અંગેની વિગતો જોઇએ તો ગઇકાલે રાજ્ય સરકારે જાહેરાત કરી હતી કે સરકારની કોર કમિટિમાં રાજ્યભરના ૧૮૦૦ કેન્દ્રો ઉપર વેપારીઓ અને સેવાકીય સંસ્થાઓના કાર્યકરોને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન આપવા માટે આગામી રવિવારે ખાસ કેમ્પ યોજવાના આયોજનને મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ આખરી ઓપ આપી દેવાયો છે. દરમિયાન આ બાબતે મ.ન.પા.ના પદાધિકારીઓ અને અધિકારીઓનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે, હજુ સુધી આ બાબતે સરકારમાંથી કોઇ માર્ગદર્શન નથી આવ્યું. હાલ તો સરકારની સુચના મુજબ દર રવિવારે વેકસીનેશનની કામગીરી બંધ રહે છે તે મુજબનો આદેશ યથાવત છે પરંતુ આમ છતાં જો કોઇ માર્ગદર્શન આવે તો રવિવારે વેપારીઓ માટે ખાસ વેકસીનેશન કેમ્પ કેવી રીતે ? કેટલા કેન્દ્ર ઉપર ચાલુ રાખવા તેના આયોજન માટે સાંજે બેઠક યોજાનાર છે. જેમાં વેકસીનના સ્ટોકને ધ્યાને લઇને વેકસીન કેમ્પનું આયોજન થશે તેમ જાણવા મળ્યું છે.  અત્રે એ નોંધનીય છે કે, મ.ન.પા.ને દરરોજ અંદાજે ૧૨ હજાર જેટલા વેકસીન ડોઝ મળે છે. આથી તે મુજબ વેકસીન કેમ્પનું આયોજન થશે.

(3:18 pm IST)