રાજકોટ
News of Friday, 23rd July 2021

શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ દ્વારા ૧૦૮ કરોડ રામનામ મંત્રલેખનનો કાલે ગુરૂપૂર્ણિમાંથી પ્રારંભ

મંત્ર-જાપ લેખન બુકનું મંદિર બનાવવામાં આવશે

રાજકોટ તા. ર૩ :.. પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા કાલે તા. ર૪ ના શનિવાર શ્રી ગુરૂપૂર્ણિમાનાં પાવન અને મંગલકારી દિવસથી ૧૦૮ કરોડ શ્રી રામનામ મંત્ર-જાપ લેખનનો પ્રારંભ કરવામાં આવશે. શ્રી રામનામ મંત્ર લેખન ચોપડીનું મંદિર બનાવવાની વર્ષો પહેલા પ.પૂ. શ્રી સદ્ગુરૂદેવ ભગવાનશ્રીએ ઇચ્છા વ્યકત કરેલ હતી એ નિમિતે પ.પૂ. શ્રી રણછોડદાસજીબાપુ આશ્રમ (શ્રી સદ્ગુરૂ સદન ટ્રસ્ટ), રાજકોટ દ્વારા ૧૦૮ કરોડ રામનામ મંત્ર-જાપ લખેલ ચોપડીઓનું તેઓશ્રીની ઇચ્છા અનુસાર મંદિર બનાવવામાં આવશે.

આ ૧૦૮ કરોડ મંત્ર-જાપ લેખનનો પ્રારંભ તા. ર૪-૭-ર૦ર૧, અષાઢ સુદ-૧પ, શ્રી ગુરૂપૂર્ણિમાં શુભ દિવસથી પ્રારંભ કરવામાં આવશે.

સૌ ધર્મપ્રેમીભાઇ-બહેનો તથા ગુરૂભાઇ - બહેનો આ અતિ પાવન અને મંગલકારી આ ૧૦૮ કરોડ મંત્ર-જાપ લેખનમાં એક રામનામની ગુરૂદેવનાં ફોટા સાથેની ર૭૦૦૦ હજાર મંત્ર લખાઇ શકે તેવી બુક આપવામાં આવશે. શ્રી રામનામ મંત્ર-જાપથી લેખનથી આપણા સઘળા સંચિત કર્મો નષ્ટ થઇ જાય છે, અને આપણને ઇચ્છીત ફળ મળે છે.

સર્વ ધર્મપ્રેમી ભાઇ-બહેનોને ડોનેશન વિભાગમાંથી જ સ્પેશીયલ રામનામ મંત્ર લેખ બુક આપવામાં આવશે, જે નામ, નંબર સહિત નોંધાવી ડોનેશન વિભાગમાંથી લઇ જવા નિમંત્રક સદ્ગુરૂ સદન ટ્રસ્ટ, મો. ૯પ૮૬૩ ૦૮૧૭૮ ની યાદીમાં જણાવેલ છે. 

(3:03 pm IST)