રાજકોટ
News of Friday, 23rd July 2021

માર્કેટ યાર્ડની ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયાસ : જયેશ રાદડિયા

રાજકોટ તા. ૨૩ : ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ બેડી માર્કેટયાર્ડની ૧૬ બેઠકો માટે ૫ ઓકટોબરે ચૂંટણી યોજાનાર છે. તે પૂર્વે વહીવટી અને રાજકીય ગતિવિધિ શરૂ થઇ ગઇ છે. સહકારી ક્ષેત્રની સ્થાનિક ચૂંટણીઓમાં જેની ભૂમિકા નિર્ણાયક મનાય છે તે જિલ્લા બેંકના ચેરમેન જયેશ રાદડિયાએ ચૂંટણી બિનહરીફ કરાવવાના પ્રયાસો કરવાનું જાહેર કર્યું છે. રા.લો. સંઘની ચૂંટણીની જેમ ભાજપના જ બે જુથોને સામસામા આવતા રોકવા પ્રયાસ હોવાનું તેમના કહેવા પરથી જણાય છે. જો કે હજુ તેમણે ધારાસભ્ય તરફી મનાતા જુથના મીટીંગ યોજવાના પ્રયાસોને પ્રતિસાદ આપ્યો નથી.

દરમિયાન આજે રાજકોટ ડેરીની સામાન્ય સભા પ્રસંગે જયેશ રાદડિયાએ પત્રકારોને જણાવેલ કે, રાજકોટ યાર્ડની ચૂંટણી બાબતે હજુ સુધી કોઇ બેઠક થઇ નથી. સહકારી ક્ષેત્રમાં ચૂંટણી સમરસ થાય તે ઇચ્છનીય છે. રાજકોટ યાર્ડમાં ચૂંટણીના બદલે બેઠકો બિનહરીફ થાય તેવા મારા પ્રયાસો રહેશે

(3:02 pm IST)