રાજકોટ
News of Friday, 23rd July 2021

ગુરૂ મેરી પૂજા ગુરૂ ગોવિંદ, ગુરૂ મેરા પારબ્રહ્મ ગુરૂભગવંત

સંસ્કૃત ભવન, નાલંદા ઉપાશ્રય, આશારામજી આશ્રમે આજે ગુરૂપૂર્ણીમાની ઉજવણી : રામકૃષ્ણ આશ્રમ, સદ્દગુરૂ આશ્રમ, ગીતા વિદ્યાલય સહિતના ધર્મસ્થાનો પર કાલે ગુરૂપૂજા : કોરોના સંક્રમણ ધ્યાને લઇ મોટાભાગના સ્થળોએ મહાપ્રસાદ બંધ : આરતી દર્શનનો લાભ લઇ શકાશે : વર્ચ્યુઅલ દર્શનની પણ વ્યવસ્થા

જય ગુરૂદેવ : અષાઢ સુદ પૂનમના ગુરૂપૂર્ણીમા ઉજવવામાં આવે છે. ગુરૂપૂજા  અને દર્શન કરી લોકો ધન્યતા અનુભવે છે. ત્યારે અહીંના પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમે કાલે ગુરૂપૂર્ણીમા નિમિતે વિશેષ પૂજા અર્ચન અને દર્શનનું આયોજન થયુ છે. સમગ્ર આશ્રમ પરિસરને ફુલોના અનેરા શણગાર કરાયા છે. લાઇટીંગ ડેકોરેશન કરાયુ છે. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૨૩ : ''અજ્ઞાનતિમિરાંધાનાં, જ્ઞાનાંજનશલાકયા, નેત્રમુન્મિસિંતં યેન, તસ્મૈ શ્રી ગુરવે નમઃ''

અજ્ઞાનના અંધકાર દુર કરી જ્ઞાનના અજવાળા પાથરે એવા સમર્થ ગુરુજનોને વંદન કરવાના આજે મહામુલા અવસર ગુરૂપૂર્ણીમા નિમિતે ઠેરઠેર  ગુરૂવંદના સત્સંગ સહીતના ધર્મમય કાર્યક્રમો આયોજીત થયા હતા. આ વખતે પુનમ બે ભાગમાં હોય કેટલાક સ્થળોએ આજે તો કેટલાક સ્થળોએ કાલે ગુરૂપૂર્ણીમાં ઉવજવાશે.

શહેરમાં આવેલ સંસ્કૃત પ્રણવાનંદ ભવન ખાતે તેમજ નાલંદા ઉપાશ્રય, આશારામજી આશ્રમ સહીતના સ્થળોએ આજે ગુરૂપૂર્ણીમાંની ઉજવણી કરાઇ હતી. તો રામકૃષ્ણ આશ્રમ, શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ, ગીતા વિદ્યાલય સહીતના સ્થળોએ કાલે ગુરૂપૂજનના કાર્યક્રમો આયોજીત થયા છે. શહેરભરમાં આયોજીત ગુરૂપૂર્ણીમા ઉજવણીના કાર્યક્રમોની સંકલિત યાદીઓ અહીં પ્રસ્તુત છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ

ડો. યાજ્ઞીક રોડ પર આવેલ શ્રી રામકૃષ્ણ આશ્રમ ખાતે કાલે તા. ૨૪ ના શનિવારે ગુરૂપૂર્ણીમા ઉત્સવ રાખેલ છે. ભાવિકોની મર્યાદીત હાજરીમાં કાર્યક્રમ થશે. જેનું ઓનલાઇન પ્રસારણ કરાશે. ભાવિકો ઘરે બેઠા લાઇવ દર્શનનો લાભ લઇ શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાલે સવારે પ વાગ્યે મંગળા આરતી, વેદપાઠ સ્ત્તોત્ર, ૭ વાગ્યે વિશેષ પૂજા, ૯ વાગ્યે ભજન કીર્તન, ૧૦.૩૦ વાગ્યે હવન, બપોરે ૧૨ વાગ્યે ભોગ આરતી, ૧૨.૩૦ વાગ્યે પ્રસાદ વિતરણ, સાંજે ૬.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણનાનમ સંકીર્તન, સાંજે ૭.૩૦ વાગ્યે સંધ્યા આરતી અને ૮.૩૦ થી ૯ ગુરૂની શકિત અને તેનો મહીમા વિષે વિશેષ સત્સંગ પ્રવચન પૂ. સ્વામી નિખિલેશ્વરામનંદજી મહારાજ દ્વારા ઓનલાઇન પ્રસારીત થશે. મંદિરમાં સવારે ૬ થી ૧૨.૩૦ અને સાંજે ૪ થી ૮.૩૦ દર્શનનો લાભ લઇ શકાશે. સરકારી ગાઇડ લાઇનના નિયમોના પાલન માટે અનુરોધ કરાયો છે.

પૂનિત સદગુરૂ ભજન મંડળ

શ્રી પૂનિત સદ્દગુરૂ ભજન મંડળ દ્વારા કાલે તા. ૨૪ ના શનિવારે રાત્રે ૯.૩૦ થી ૧૦.૩૦ સંત પુનિતના ચરણ પાદુકાનુ પૂજન તથા ધુન ભજન આરતી જયેશભાઇ નાનજીભાઇ નથવાણીને ત્યાં માતૃ કૃપા, ૧૬ જંકશન પ્લોટ ખાતે ઘરના સભ્યો પુરતુ સિમિત રાખેલ છે. અન્ય ભાવિકો પોત પોતાના નિવાસ સ્થાને પૂજન અર્ચન કરશે.

પ્રણવાનંદ સંસ્કૃત ભવન

પ્રણવાનંદ સંસ્કૃત પ્રચાર ટ્રસ્ટ દ્વારા કાલે તા. ૨૩ ના શુક્રવારે સાંજે ૬ થી ૭ દરમિયાન શ્રી પ્રણવાનંદજી મહારાજની પ્રતિમાનું સોડશોપચાર પૂજન આરતી અને ગુરૂ મહિમા વિષે વ્યાખ્યાન રાખવામાં આવેલ છે.

આશારામજી આશ્રમ

સંતશ્રી આશારામજી આશ્રમ, ન્યારી ડેમ પાસે, કાલાવાડ રોડ, ખાતે આજે શુક્રવારે ગુરૂ-પુર્ણિમાં મહોત્સવનું આયોજન થયેલ છે. સરકારની કોવિડ-૧૯ ગાઇડ લાઇનનું ચુસ્તપણે પાલન કરીને સવારે ૯ વાગ્યાથી માનસ પુજા, સ્તોત્ર પાઠ, ગુરૂ પાદુકા પૂજન, શ્રી આસારામાયણના પાઠ, પૂજય બાપુનો ગુરૂ-પૂર્ણિમા નિમિતે વિશેષ વિડીયો સત્સંગ, ભજન-કીર્તન વિગેરે કાર્યક્રમો થયા હતા.

ગીતા વિદ્યાલય

શહેરના જંકશન પ્લોટ ખાતે આવેલ શ્રી મનહરલાલજી મહારાજ સ્થાપિત સેવા સંસ્થા ગીતા વિદ્યાલય ટ્રસ્ટ દ્વારા શનિવાર તા. ૨૪ ના સાંજે ૬ થી ૭.૩૦ ભાવસભર વાતાવરણમાં ગુરૂપૂર્ણીમા મહોત્વ ઉજવાશે.

રણછોડદાસજીબાપુ આશ્રમ

પૂ. શ્રી રણછોડદાસજી બાપુ આશ્રમ સદ્દગુરૂ સદન ખાતે કાલે તા. ૨૪ ના શનિવારે ગુરૂપૂર્ણીમા ઉજવાશે. મહાપ્રસાદ બંધ રાખેલ છે. પૂજા આરતી દર્શન ચરણ પાદુકા દર્શનનો લાભ લઇ શકાશે. સવારે ૫.૩૦ વાગ્યે મંગળા આરતી બાદ ર વાગ્યા સુધી દર્શની ઝાંખી કરાવાશે. બપોરે ૩ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. ચરણપાદુકાના દર્શન સવારે ૧૧ થી ર અને સાંજે ૩ થી રાત્રી ૧૦ સુધી કરી શકાશે. સમગ્ર મહોત્સવનું ડેન પર જીવંત પ્રસારણ કરાશે. જેથી ભાવિકો ઘરે બેઠા દર્શનનો લાભ લઇ શકે.

વિવેકાનંદ યુથ કલબ

વિવેકાનંદ યુથ કલબ દ્વારા કાલે શનિવારે ગુરૂપૂર્ણીમા નિમિતે સવારે ૯ થી ૧૨ ગુરૂ વંદના થશે. પાંચ ગુરૂનું અભિવાદન કરાશે. જેમાં ગુલાબભાઇ જાની, નિવૃત્ત જિલ્લા શિક્ષણાધિકારી ડો. નટુભાઇ હરીયાણી, ગુરૂકુળના નિવૃત્ત પ્રિન્સીપાલ વિઠલભાઇ વઘાસીયા, કાન્તા સ્ત્રી વિકાસ ગૃહના નિવૃત્ત પ્રિન્સીપાલ પન્નાબેન પંડયા, નિવૃત્ત આચાર્ય સુરભીબેન જનાર્દનભાઇ આચાર્યનું કુમકુમ તિલક કરી શ્રીફળ સાકરનો પડો, વિવેકાનંદનો ફોટો, પુસ્તક આપી ખેસ પહેરાવી, શાલ ઓઢાડી સન્માન કરાશે.

બ્રહ્મસેના

બ્રહ્મસેના દ્વારા ગુરૂપૂર્ણીમા નિમિતે આજે શુક્રવારે જગદ્દગુરૂ ભગવાન શ્રી કૃષ્ણની ગીતાજીનું પૂજન કરાશે. ઠેરઠેર પૂજા આરતી થશે. કાલે શનિવારે સવારે ૮ વાગ્યે પંચનાથ મંદિરે પૂજા રાખેલ છે. સાથે બ્રાહ્મણ વિઝન ૨૦૨૫ નો આરંભ કરાવાશે. તેમ જગદીશ રાવલની યાદીમાં જણાવાયુ છે.

કોટેશ્વર મહાદેવ

કોઠારીયા કોલોનીમાં આવેલ શ્રી કોટેશ્વર મહાદેવ મંદિરે કાલે શનિવારે સવારે ૯ વાગ્યે પૂ. બજરંગદાસ બાપાની મઢુલીમાં ધ્વજા પૂજન કરી ધ્વજારોહણ કરાશે. પૂ. બાપાનું ગુરૂ પૂજન કરાશે. બપોરે ૧૨ વાગ્યે વિશેષ મહાઆરતી થશે. સાંજે ૭.૧૫ વાગ્યે સાયંકાલીન મહાઆરતી થશે. તેમ પુજારી રસીકગીરીબાપુની યાદીમાં જણાવાયુ છુે.

ગાયત્રી શકિત પીઠ

વૈશાલીનગર ૭ ખાતે આવેલ ગાયત્રી શકિતપીઠમાં કાલે ગુરૂપૂર્ણીમા નિમિતે વ્યાસપૂજન કરાશે. સરકારની ગાઇડ લાઇનને અનુસરી ગુરૂપૂજન, પાદુકા પૂજન થશે.

રાજકોટ, તા. ૨૩ :. શાસ્ત્રોકત રીતે આજે શુક્રવારથી કાલે શનિવાર સવાર સુધી ગુરૂપૂનમ પર્વ મનાવાય રહ્યો છે.

અષાઢ સુદ ચૌદશને તારીખ ૨૩ને શુક્રવારે ચૌદશની તિથિ સવારે ૧૦.૪૫ કલાક સુધી છે અને ત્યાર બાદ પૂનમની તિથિ બેસી જશે. જ્યારે શનિવારે ૨૪મીએ સવારે ૮.૦૯ સુધી પૂનમની તિથિ છે. આથી બધા જ પંચાંગમાં ગુરૂપૂર્ણિમા શુક્રવારે જ મનાવાશે. ગુરૂનું ઋણ અદા કરવાનો અવસર શહેરના મોટા મંદિરો, ધાર્મિક સંસ્થાઓમાં મનાવાશે.

આ દિવસે ભાવિકો પોતાના ગુરૂનું પૂજન કરે છે. શહેરની જુદી જુદી ધાર્મિક સંસ્થાઓ આ દિવસે ગુરૂપૂર્ણિમા મહોત્સવ પણ ઉજવે છે. કેટલીક ધાર્મિક સંસ્થાઓ અને મંદિરો શુક્રવારે તો કેટલાક શનિવારે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરશે. મોટાભાગે સંસ્થાઓ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ઓનલાઈન ઉજવણી કરશે.

(2:56 pm IST)