રાજકોટ
News of Monday, 23rd May 2022

બ્રેઇન ડેડ ભાવેશભાઇ બાલીયાના પરિવારનો અંગદાનનો સ્‍તુત્‍ય નિર્ણય

ત્રણ વ્‍યક્‍તિને જીવન અને બે વ્‍યક્‍તિને દ્રષ્‍ટિ મળી

રાજકોટ તા. ૨૩ : કાલાવડ રોડ પર બાઇક અકસ્‍માતમાં ગંભીર રીતે ઘવાયેલ ભાવેશભાઇ બાલિયા (ગઢવી) (ઉ.વ.૪૨) ને પ્રથમ સીવીલ હોસ્‍પિટલમાં અને બાદમાં ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતા તેઓએ બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્‍યા હતા.

દરમિયાન ડો. શ્રેનુજ મારવાણીયા અને ડો. હાર્દ વસાવડાની સમજાવટથી ભાવેશભાઇ બાલિયાના પરિવારજનો ભાઇઓ રાજેશભાઇ, રૂદ્રભાઇ, નિકુંજભાઇ, માતુશ્રી રમાબેન, ભાભીઓ ભારતીબેન અને છાયાબેન, કઝીન બ્રધર હેમલભાઇ, કુલદીપભાઇ, હેમાંગભાઇ તથા મિત્રો ગૌરવ મહેતા, ઇર્શાદભાઇ વગેરેએ સાથે મળી અંગદાન માટે સહમતી દર્શાવી હતી.

તુરંત જ ઓર્ગન ડોનેશન ફાઉન્‍ડેશન રાજકોટને જાણ કરવામાં આવી અને સંસ્‍થાના ડો. દિવ્‍યેશ વિરોજા, ડો. સંકલ્‍પ વણજારા, શ્રીમતી ભાવનાબેન મંડલી, હર્ષિતભાઇ કાવર, મિતલભાઇ ખેતાણી, નીતિનભાઇ ઘાટલીયા, એઇમ્‍સના ડો. મોદી અને તેમની ટીમે ‘સોટ્ટો' સાથે સંકલન કરી અંગદાનનું ઓપરેશન પાર પાડયુ હતુ.

ક્રાઇસ્‍ટ હોસ્‍પિટલના ડાયરેકટર ફાધર થોમસ, આસીસ્‍ટન્‍ટ ડાયરેકટર ફાધર અનીશ, મેડીકલ સુપ્રિન્‍ટેન્‍ડેન્‍ટ ડો. દુધાગરા, નોડલ ઓફીસર ડો. શાહીદ ખત્રી અને આઇસીસીયુ ટીમ તથા મેનેજમેન્‍ટ ટીમનો પણ પૂર્ણ સહયોગ રહ્યો હતો.

બ્રેઇન ડેડ ડીકલેર અંગેની પ્રક્રીયામાં ડો. હાર્દ વસાવડા, ડો. કલ્‍પેશ સનારીયા, ડો. તેજશ ચૌધરી, ડો. શ્રેનુજ મારવાણીયાનો સહયોગ રહેલ.

ગ્રીન કોરીડોર કરવા માટે પોલીસ કમિશ્‍નર ખુરશીદ અહેમદ, ટ્રાફીક એ.સી.પી. મલ્‍હોત્રા, સ્‍પેશ્‍યલ બ્રાન્‍ચના પી.આઇ. વી. આર. પટેલ, સહીતની ટીમે સફળ કામગીરી બજાવી હતી.

આમ ભાવેશભાઇ બલિયા (ગઢવી) ના અંગદાનથી ત્રણ વ્‍યક્‍તિને નવી જીંદગી અને બે વ્‍યક્‍તિને નવી દ્રસ્‍ટી મળી હતી.

(3:13 pm IST)