રાજકોટ
News of Sunday, 22nd May 2022

પ્રજાને ચોમાસામાં હાલાકી ન પડવી જોઇએ : પ્રદીપ ડવ

કોર્પોરેશનમાં અધિકારીઓ સાથે પ્રિ-મોનસુન બેઠક યોજતા મેયર : ડ્રેનેજ કુંડી રીપેરીંગ - લેવલ, પેચવર્ક, પેવર કામ, વાલ્‍વ ચેમ્‍બરની સફાઇ, પાણી ભરાવાની ફરિયાદવાળા વિસ્‍તારમાં સ્‍ટોર્મ વોટર લાઇન સફાઇ, વોકળાની સફાઇ, વૃક્ષોની નડતરરૂપ ડાળીઓ કાપવા તથા ફાયર બ્રિગેડનો કંટ્રોલ રૂમ શરૂ કરવા સુચના

રાજકોટ તા. ૨૧ : આગામી ચોમાસાની ઋતુ દરમ્‍યાન શહેરના નગરજનોને હાલાકી ન પડે તે માટે મેયર ડો.પ્રદિપ ડવના અધ્‍યક્ષ સ્‍થાને મિટીંગનું આયોજન કરવામાં આવેલ.

આ મિટીંગમાં શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા, ડે.કમિશ્નર એ.આર.સિંહ, સિટી એન્‍જીિનયર કે.એસ.ગોહિલ, પી.ડી.અઢીયા, એચ.એમ.કોટક, ટાઉન પ્‍લાનર એમ.ડી.સાગઠિયા, ચીફ ફાયર ઓફિસર આઈ.વી.ખેર, ગાર્ડન વિભાગના ડાયરેક્‍ટર એલ.જે.ચૌહાણ, પર્યાવરણ અધિકારી નિલેષ પરમાર, નાયબ પર્યાવરણ અધિકારી પ્રજેશ સોલંકી,તમામ વોર્ડના એન્‍જીિનયર, એ.ટી.પી.ઓ, એસ.આઈ. વગેરે ઉપસ્‍થિત રહેલ.

પ્રી-મોન્‍સુન અંતર્ગત તમામ વોર્ડના ડ્રેનેજના મેઈન હોલની સફાઈ,જયાં જયાં ડ્રેનેજની કુંડી બેસી ગયેલ હોય તેવી કુંડીઓને રોડ લેવલ કરવા, તૂટી ગયેલ ઢાંકણા બદલાવવા, તમામ વોર્ડમાં પેચ વર્કની કામગીરી, ડામર પેવરના કામો, વાલ્‍વ ચેમ્‍બરની સફાઈ, તમામ વોર્ડના જે વિસ્‍તારોમાં પાણી ભરાવવાની ફરિયાદો અંગે સ્‍ટોર્મ વોટર મેઈન લાઈનની સફાઈ, શહેરના વોકળાઓની સફાઈ, શહેરના નાના મોટા વોકળાઓના દબાણ દુર કરવા, વૃક્ષની નડતરરૂપ ડાળીઓ કાપવા આ ઉપરાંત ફાયર બ્રિગેડ દ્વારા તમામ સાધનો સજ્જતા સાથે કંટ્રોલરૂમ શરૂ કરવા વગેરે બાબતે સઘન ચર્ચા કરી સંબંધિત અધિકારીઓને જરૂરી સુચના આપવામાં આવેલ.

ઈસ્‍ટ ઝોનના વોર્ડમાં મેટલીંગ કામની તેમજ રી-કાર્પેટના કામો ૧૦ જુનની આસપાસ પૂર્ણ કરાશે. આ ઉપરાંત તમામ વોર્ડમાં વાલ્‍વ ચેમ્‍બરની સફાઈ તેમજ ડ્રેનેજ મેઈન હોલની સફાઈની કામગીરી હાથ ધરવામાં આવેલ છે.પેચ વર્કની કામગીરી હાલ ચાલુ છે. ઈસ્‍ટ ઝોનમાં જુદાજુદા ૨૨ થી ૨૪ લોકેશનો ઉપર વરસાદી પાણી ભરાઈ છે તેવા વિસ્‍તારોનું પાણી ડાયવર્ટ કરવાની કામગીરી હાલ ચાલુ છે.

સેન્‍ટ્રલ ઝોનમાં ત્રણ રસ્‍તાઓનું પેવર કામ તેમજ પેચવર્કના કામ ચાલુ છે. જે પૂર્ણ થઈ જશે.ડ્રેનેજ, સ્‍ટોર્મ વોટર વગેરેની સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. ૨૦૦૦ જેટલી વાલ્‍વ ચેમ્‍બરોની સફાઈ કરવામાં આવી રહી છે. સેન્‍ટ્રલ ઝોનમાં જે વિસ્‍તારોમાં પાણી ભરાય છે તેવા વિસ્‍તારોનો સર્વે કરવામાં આવેલ છે. આવા વિસ્‍તારોમાં પાણીની નિકાલ થાય તેવું આયોજન કરવામાં આવેલ છે.

વેસ્‍ટ ઝોનમાં આશરે ૨૬ કી.મી. જેટલી સ્‍ટોર્મ વોટરની કામગીરી કરેલ છે. તેમજ ડામર પેવરના કામો ચોમાસા પહેલા પૂર્ણ થઈ જશે. પેચ વર્કની કામગીરી હાલ ચાલુ છે. વેસ્‍ટ ઝોનમાં જે વિસ્‍તારોમાં પાણી ભરાય છે તેવા વિસ્‍તારોમાં વરસાદ બંધ થતા તેના નિકાલના સમયમાં ઘટાડો થાય તેવું આયોજન કરેલ છે.

સોલિડ વેસ્‍ટ મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા વોકળાની સફાઈની કામગીરી મોટા ભાગે પૂર્ણ કરેલ છે તેમજ જે જે વોકળામાં નાના મોટા દબાણ નડતરરૂપ છે તેમાં ટી.પી.વિભાગને સાથે રાખી કામગીરી અંગે આયોજન હાથ ધરવામાં આવેલ છે.

ગાર્ડન વિભાગ દ્વારા શહેના મુખ્‍ય રસ્‍તા પર નડતરરૂપ ડાળીઓ કાપવાની કામગીરી ચાલુ છે. તેમજ ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા પણ પ્રી-મોન્‍સુનનું આગોતરું આયોજન કરવામાં આવેલ છે.

ઉપરોક્‍ત સમગ્ર ચર્ચાના અંતે મેયર ડો.પ્રદિપ ડવે જણાવેલ કે,આખું વર્ષ શહેરના વિકાસમાં મહાનગરપાલિકા દ્વારા સઘન કાર્યવાહી કરેલ હોય પરંતુ ચોમાસા દરમ્‍યાન લોકોને હાલાકીના કારણે કોર્પોરેશનને રોષનો બોગ બનવું પડે છે. જેથી લોકોને મુશ્‍કેલી ઓછી પડે તે માટે અત્‍યારથી જ આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરેલ.

આ ઉપરાંત હજુ ચોમાસાનો ૨૦ થી ૨૫ દિવસનો સમય હાથમાં હોય નાના મોટા કામો તાત્‍કાલિક પૂર્ણ કરવા, જે વિસ્‍તારોમાં પાણી ભરાવાની સમસ્‍યા છે તે વિસ્‍તારોમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી થાય તેની ખાસ તકેદારી સાથે કામ કરવા, આ ઉપરાંત કોર્પોરેશનમાં નોંધાયેલ વોકળા સિવાય ઘણા નેચરલ વોકળા પણ હોય છે જેનો સર્વે કરી તેની સફાઈ કરવી, ઢેબર રોડ અને ગોંડલ રોડ વચ્‍ચે રેલ્‍વે ક્રોસિંગના નાલાની સફાઈ કરવી, નેશનલ હાઈવેના સર્વિસ રોડનું પણ મરામત થાય તે માટે નેશનલ હાઈવે ઓથોરીટી સાથે પરામર્શ કરી કામગીરી હાથ ધરવી.

વોર્ડના તમામ આસિસ્‍ટન્‍ટ ટાઉન પ્‍લાનરોએ મહાનગરપાલિકાના પ્‍લોટમાં દબાણો ન થાય તે માટે સતત જાગૃત રહેવું. તમામ અધિકારીઓ અને કર્મચારીઓ બહોળો અનુભવ ધરાવે છે જેથી ચોમાસાની ઋતુમાં શહેરીજનોને હાલાકી ન ભોગવવી પડે તે માટે મેયર ડો.પ્રદિપ ડવે અનુરોધ કરેલ. શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવાએ પણ નેચરલ વોકળાઓ, રસ્‍તાના કામો વગેરે બાબતે જરૂરી સૂચન કરેલ હતા.

(3:24 pm IST)