રાજકોટ
News of Saturday, 21st May 2022

મેંગો માર્કેટ નજીકથી વહેલી સવારે યુવાનને વાડીમાં લઇ જઇ બે શખ્‍સે બળજબરી આચરી!

બંનેએ ૧૦૦-૧૦૦ રૂપિયાની લાલચ આપી, ના પાડી તો પરાણે બાઇકમાં બેસાડી લઇ ગયાનો આક્ષેપ : હોસ્‍પિટલમાં નોકરી કરતાં યુવાનનો ચોંકાવનારો આક્ષેપઃ બંનેએ સૃષ્‍ટિ વિરૂધ્‍ધનું કૃત્‍ય આચર્યુ ને માથે જતાં મારકુટ કરીઃ લોકો ભેગા થઇ જતાં બંનેએ કહ્યું-આ ચોરીના ઇરાદે આવ્‍યો એટલે મારકુટ કરીએ છીએઃ યુવાન હોસ્‍પિટલના બિછાને

રાજકોટ તા. ૨૧: શહેરના કુવાડવા રોડ પર ગ્રીનલેન્‍ડ ચોકડી નજીક મેંગો માર્કેટ પાસે વહેલી સવારે એક વિચીત્ર ઘટના બની હતી. જેમાં ૨૩ વર્ષના એક યુવાનને બાઇક પર આવેલા બે શખ્‍સોએ ‘ચાલ અમારી સાથે ૧૦૦-૧૦૦ આપશું' તેમ કહેતાં તેણે સાથે જવાની ના પાડવા છતાં બંને શખ્‍સ તેને બાઇકની વચ્‍ચે બેસાડી નજીકના વાડી વિસ્‍તારમાં લઇ ગયા બાદ બળજબરીથી બંનેએ દૂષ્‍કર્મ આચરી લીધું હતું. ઘાયલ યુવાન સિવિલ હોસ્‍પિટલમાં પહોંચ્‍યો હતો અને પોતાની વિતક વર્ણવી હતી. જો કે પોલીસ તેની ફરિયાદ-નિવેદન નોંધવા પહોંચી ત્‍યારે તેણે ફરિયાદ કરવાનો ઇન્‍કાર કરી દીધો હતો.

પ્રાપ્‍ત માહિતી મુજબ કુવાડવા રોડ વિસ્‍તારમાં રહેતો અને હોસ્‍પિટલની લેબમાં નોકરી કરતો ૨૩ વર્ષનો એક યુવાન આજે સવારે ઘાયલ હાલતમાં સિવિલ હોસ્‍પિટલમાં પહોંચ્‍યો હતો અને પોતાને સવારે સાડા ચારેક વાગ્‍યે કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસે હતો ત્‍યારે બે અજાણ્‍યા શખ્‍સોએ બાઇકમાં બેસાડી વાડીમાં લઇ જઇ મારકુટ કર્યાનું કહેતાં તે મુજબની નોંધ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં કરાવી હતી. પોલીસ આ યુવાનનું નિવેદન, ફરિયાદ નોંધવા પહોંચી હતી. પરંતુ તેણે પોતાને કંઇ ફરિયાદ કરવી નહિ હોવાનું કહ્યું હતું.

જો કે યુવાને એ પહેલા પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે હું વહેલી સવારે મેંગો માર્કેટ પાસે ઉભો હતો એ વખતે બાઇક પર બે શખ્‍સ આવ્‍યા હતાં. તેણે મને અમારી સાથે આવ તને ૧૦૦-૧૦૦ રૂપિયા આપશું તેમ કહેતાં મેં તેને મારે ક્‍યાંય નથી આવવું તેમ જણાવ્‍યું હતું. આમ છતાં આ બંને મને ખેંચીને બાઇકમાં વચ્‍ચે બેસાડી લઇ ગયા હતાં. નજીકના કોઇ વાડી વિસ્‍તારમાં લઇ ગયા બાદ બંનેએ મારી સાથે બળજબરી આચરી હતી. એ પછી મને પૈસા પણ ન આપી લાકડી અને ઢીકાપાટુનો માર માર્યો હતો. દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને શું કામ મારકુટ કરો છો? તેમ પુછતાં આ બંનેએ આ શખ્‍સ ચોરી કરવા આવ્‍યો હતો અને પકડાયો છે એટલે મારકુટ કરીએ છીએ એવું ખોટુ કહી દીધુ હતું અને બાદમાં સવારે સાડા છએક વાગ્‍યે મને રોડ પર છોડીને ભાગી ગયા હતાં.

યુવાન સારવાર માટે દાખલ થતાં તબિબે પોલીસ કેસ જાહેર કર્યો હતો. તબિબની પ્રાથમિક પુછતાછમાં પણ યુવાને વિગતો જણાવી હતી. જો કે બાદમાં ફરિયાદ નોંધાવવાનો કોઇ કારણોસર ઇન્‍કાર કરી દેતાં પોલીસે તે મુજબની નોંધ કરી હતી.

(12:36 pm IST)