રાજકોટ
News of Sunday, 14th January 2018

સદરની પતંગ બજારમાં ખિસ્સા કાપતાં અજય અને તેની પત્નિ રતન પકડાયા

રાજકોટઃ સદર બજારમાં શનિવાર રાતે જાણે દિવસ ઉગ્યો હોય તેવો માહોલ સર્જાયો હતો. પતંગ દોરાની ખરીદી કરવા લોકો ઉમટી પડ્યા હતાં. આવી ગિરદીનો લાભ લેવા ખિસ્સાકાતરૂઓ પણ ઉતરી આવ્યા હતાં. પ્ર.નગર પોલીસે આવા એક દંપતિને ઝડપી લીધું હતું.

ગોંડલ રોડ હાઇવે ટોયેટા શો રૂમની પાછળ રહેતો ચિરાગ પ્રદિપભાઇ જેસ્વાલ (ઉ.૨૮) સદર બજાર નાલા પાસે જે. કે. સિઝન સ્ટરો સામે પતંગ-દોરા લેવા ઉભો હોઇ તેની નજર ચુકવી એક યુવક-યુવતિએ રૂ.. ૭ હજારનો રેડમી નોટ મોબાઇલ ફોન ચોરી લીધો હતો. તેમજ અન્ય એક યુવક પરેશભાઇનો પણ રેડમી નોટ-૩ રૂ.. ૬૦૦૦નો ફોન સેરવી લીધો હતો.

ફરજ પર રહેલા પ્ર.નગર પોલીસ મથકના પી.આઇ. બી. એમ. કાતરીયા, પી.એસ.આઇ. એસ. બી. પારદીયા, એચ. એમ. રાણા સહિતની ટીમે આ બંનેને સકંજામાં લીધા હતાં. પુછતાછમાં બંનેએ પોતાના નામ અજય થોલાભાઇ કાનજીયા (ઉ.૨૧) અને રતનબેન અજય કાનજીયા (ઉ.૨૦) (રહે. બંને કુવાડવા રોડ નવાગામ મામાવાડી પાસે) જણાવ્યા હતાં. બંને સામે આઇપીસી ૩૭૯, ૧૧૪ મુજબ ચોરીનો ગુનો નોંધી આકરી પુછતાછ કરવામાં આવી હતી.

(10:31 am IST)