રાજકોટ
News of Friday, 20th May 2022

આઉટસોર્સિંગ સામે બેંક ઓફ બરોડાના કર્મચારીઓનું એલાન-એ-જંગ રાજકોટ ઝોનલ ઓફીસ બહાર ધરણા કાર્યક્રમ યોજાયો

બેંક ઓફ બરોડાએ તાજેતરમાં તેમની ઝોનલ ઓફીસને સૂચના આપેલ છે કે બેકનું સફાઇનું તેમજ હાઉસકીપીંગનું કામ જે કાયમી પ્રકારનું કામ છે તે બહારની એજન્‍સીને આપી કરારી કર્મચારીઓ મારફત કરાવવાની સૂચના આપેલ છે. ઈન્‍ડીયન બેંક એસોસીએશન અને બેંક કર્મચારી સંગઠન (AIBEA)સાથે થયેલ સમાધાનમાં સ્‍પષ્ટ જોગવાય છે કે સફાઈનું અને હાઉસકીપીંગનું કામ બેંકના કાયમી કર્મચારીઓ મારફત કરાવવું. બેંક આ કામ માટે કાયમી કર્મચારીઓની નિમણુંક કરે છે અને તે કર્મચારીઓને દરેક પ્રકારના જેવા કે રજા, પી.એફ. , ગ્રચ્‍યુઈટી જેવા લાભો મળવાપાત્ર છે . બેંક આ કામ સમાધાનનો ભંગ કરી અને બહારની સંસ્‍થાના કરારી કર્મચારી પાસે કરાવવા માંગે છે જે સમાધાનનો સ્‍પષ્ટ ભંગ છે. આવી એજન્‍સી બેંક પાસેથી તગડી રકમ વસુલી તેના કર્મચારીને ક્ષુલક વેતન આપે છે. આઉટ સોર્સીંગને કારણે બેંકમાં સફાઈ અને હાઉસકીપીંગનું કામ કરવા માટે નિમાતા કાયમી કર્મચારીઓની ભરતી બંધ થશે અને તેઓને બદલી પણ નહી મળી શકે. બેંક આ કામ કરાર મારફત કરાવવા માંગે છે. આવતીકાલે કલાર્કનું કામ પણ આ જ રીતે બહારની સંસ્‍થા મારફત કરાવશે. હાલમાં ઓફીસરને હંગામી પગારથી બાંધી મુદત માટે નોકરીએ રાખેલ છે. આ એક પ્રકારનું શોષણ છે. કાયમી પ્રકારનું કામ જે શાશ્વત છે તે બહારની સંસ્‍થા મારફત કરાવવાથી બેંકોમાં ભરતી બંધ થશે અને બાંધ્‍યા પગારના કરારી કર્મચારીઓની ફોજ ઉભી થશે જેનું ભવિષ્‍ય ધુંધળુ થઈ જશે. કર્મચારીઓને બદલી અને બઢતી પણ ભવિષ્‍યમાં નહી મળે. દેશની દરેક ઝોનલ ઓફીસ સમક્ષ ચાર કર્મચારી સંગઠનના બનેલા યુએફબીયુના આદેશ અનુસાર ધરણા યોજવામાં આવ્‍યા હતાં. રાજકોટમાં આજે બેંક ઓફ બરોડાની ઝોનલ ઓફીસ જે પોસ્‍ટઓફીસ પાસે છે ત્‍યાં સૌરાષ્‍ટ્રના જુદા-જુદા જીલ્લાના ૨૫ પ્રતિનિધીઓએ ધરણામાં ભાગ લીધો છે. ધરણાં સવારે ૧૦ થી સાંજે ૫ વાગ્‍યા સુધી કોવિડની માર્ગદર્શિકા અને સરકારના આદેશ મુજબ ધ્‍યાનમાં લઇ યોજવામાં આવ્‍યા હતા.

(4:28 pm IST)