રાજકોટ
News of Friday, 20th May 2022

આકાશદિપ સોસાયટીમાં ગોપાલભાઇ સોલંકીને પત્‍નિ કંચને ગડદા પાટુ માર્યા

હોસ્‍પિટલના બિછાને પહોંચેલા શાકભાજીના ધંધાર્થીએ કહ્યું-ઘણા વર્ષોથી મારા પર પત્‍નિ દ્વારા નાની નાની વાતે ત્રાસ ગુજારાય છે

રાજકોટ તા. ૨૦: દૂધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ પાસે આકાશદિપ સોસાયટીમાં રહેતાં અને શાકભાજીનો ધંધો કરતાં ગોપાલભાઇ મગનભાઇ સોલંકી (ઉ.વ.૪૦)ને તેના પત્‍નિ કંચનબેને ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના સ્‍ટાફે થોરાળા પોલીસને જાણ કરી હતી.

ગોપાલભાઇએ કહ્યું હતું કે મારી ઘરવાળી કંચન મને ચાર પાંચ વર્ષથી નાની નાની વાતે મારકુટ કરી હેરાન પરેશાન કરે છે. અગાઉ મારા વિરૂધ્‍ધ મહિલા પોલીસમાં અરજી કરતાં ત્‍યાં પણ મારા વિરૂધ્‍ધ પગલા લેવાયા હતાં. મારે સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. બકાલુ વેંચીને હું ગુજરાન ચલાવુ છું. મને કોઇ જાતનું વ્‍યસન પણ નથી. નજીવી વાતે મારી પત્‍નિ ઝઘડા કરી ત્રાસ આપે છે. આજે પણ તેણે મને ઢીકાપાટુનો બેફામ માર મારતાં સારવાર માટે દાખલ થવું પડયું હતું. પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

મોરબી રોડ પર ઇંટોના ભઠ્ઠે સુરેશ ભોણીયા દાઝી ગયો

મોરબી રોડ જકાતનાકા પાસે શૈલેષભાઇના ઇંટોના ભઠ્ઠે સુરેશ લક્ષમણભાઇ ભોણીયા (ઉ.૩૦) નામના યુવાને સળગતા લાકડાના ભઠ્ઠામાં ભુલથી પાણીની બદલે કેરોસીન નાંખી દેતાં ભડકો થતાં દાઝી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાતાં ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

હુશેનીભાઇ ભારમલને હાથમાં કાચ લાગી ગયો

કુવાડવા રહેતાં હુશેનીભાઇ અબ્‍બાસભાઇ ભારમલ (ઉ.૪૫) કુવાડવા રોડ ગોકુલ હોસ્‍પિટલ પાછળ મુસ્‍તુફાભાઇ કાચવાલાના ગોડાઉન પર હતાં ત્‍યારે હાથમાં કાચ લાગી જતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવતાં ચોકીના સ્‍ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

(4:43 pm IST)