રાજકોટ
News of Friday, 20th May 2022

આવતીકાલથી રામ રંગે રંગાશે રાજકોટ

રાજકોટ લોહાણા મહાજન આયોજીત રામકથામાં ઉમટી પડવા ભાવભર્યુ આમંત્રણ : માત્ર ર૦ દિવસમાં સમગ્ર ટીમે જાજરમાન આયોજન પાર પાડયું : શનિવારે સાંજે ૪:૩૦ કલાકે પંચનાથ મહાદેવ મંદિરેથી ભવ્‍ય પોથીયાત્રા : તા. ર૧ થી ર૯ સુધી ૪:૩૦ થી ૮-૩૦ સુધી કથાશ્રવણ કરવા અને ૮:૩૦ થી પ્રસાદ માટે ભાવભર્યુ આમંત્રણ

અકિલાના આંગણે શ્રી રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથાનું જાહેર જનતાને આમંત્રણ અપાયું ત્‍યારે અકિલાનાં મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે શ્રી રાજકોટ લોહાણા મહાજનનાં પ્રમુખ રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, છબીલદાસભાઇ પોબારૂ, મનીષભાઇ ખખ્‍ખર, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, ડો. હિમાંશુભાઇ ઠક્કર, ધવલભાઇ કારિયા, પુરૂષોતમભાઇ પીપળીયા તથા રાજકોટ લોહાણા મહાજનના હોદ્દેદારો તસ્‍વીરમાં નજરે પડે છે.
રાજકોટ, તા. ર૦ :  રાજકોટના આંગણે શ્રી રાજકોટ લોહાણા મહાજન આયોજીત શ્રી રામકથા તા. ર૧ થી ર૯ મી મે ર૦રર નાં યોજાઇ રહી છે. ત્‍યારે સમગ્ર શ્રી રાજકોટ લોહાણા મહાજનના કારોબારી સભ્‍યો આજે અકિલાનાં આંગણે આવ્‍યા હતા. અને આ પાવન પ્રસંગમાં સહભાગી થવા કોઇપણ જ્ઞાતિનાં ભેદભાવ વગર કથા શ્રવણ કરવા અને મહાપ્રસાદનો લાભ લેવા સમગ્ર સૌરાષ્‍ટ્ર સહિત રાજકોટના રામભકતોને ભાવભર્યુ આમંત્રણ પાઠવ્‍યું હતું.
આ અંગે શ્રી રાજકોટ લોહાણા મહાજનનાં પ્રમુખશ્રી રાજુભાઇ પોબારૂએ વિગતો આપતા જણાવ્‍યું હતું કે, આ આખી શ્રી રામ કથાનું આયોજન માત્ર ર૦ દિવસમાં નકકી થયુ અને ભવ્‍ય સુશોભિત કથામંડપ, પંખા, સ્‍પ્રિંકલર સહિત ચૌધરી હાઇસ્‍કુલ મેદાનમાં ઉભો કરાયો. આ શ્રીરામ કથામાં પૂજયશ્રી ભૂપેન્‍દ્રભાઇ પંડયાની અમૃતવાણીમાં લોકોને કથા શ્રવણ કરાવશે. સાંજે ૪:૩૦ થી ૮:૩૦ શ્રી રામ કથા અને ત્‍યારબાદ પ્રસાદની પણ ખુબ સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. કથા શ્રવણ કરવા અને પ્રસાદ લેવા પણ આમંત્રણ પાઠવ્‍યું હતું.
આવતીકાલ તા. ર૧ થી પ્રભુનામ લેવાની વેળા આવી પહોંચી છે ત્‍યારે આ ઉત્‍સવ અંગે ડો. નિશાંતભાઇ ચોટાઇએ જણાવ્‍યું હતું કે તા. ર૧ ને શનિવારનાં સાંજે ૪:૩૦ કલાકે શ્રી પંચનાથ મહાદેવ મંદિરેથી વાજતે ગાજતે ભવ્‍ય પોથીયાત્રા નીકળશે અને કથા સ્‍થળ ચૌધરી હાઇસ્‍કુલ જશે. ત્‍યારબાદ તા. રર ને રવિવારે શ્રી રામજન્‍મોત્‍સવ તા. ર૩ ને સોમવારે શ્રી સીતા-રામ વિવાહ, તા. ર૪ ને મંગળવારે વન ગમન, તા. રપ ને બુધવારે કેવટ પ્રસંગ, તા. ર૬ ને ગુરૂવારે ભરતમિલાપ, તા. ર૭ ને શ્રી હનુમાન પ્રાગટય, તા. ર૮ ને શનિવારે સુંદરકાંડ-રામેશ્વર પૂજન અને તા. ર૯ ને રવિવારે શ્રી રામ રાજયાભિષેક  તથા કથા વિરામ લેશે.
આ તકે ઉપસ્‍થિત આર.સી.સી. બેન્‍કનાં સી.આઇ.ઓ. શ્રી પુરૂષોતમભાઇ પીપળીયાએ જણાવ્‍યું હતું કે શ્રી રાજકોટ લોહાણા મહાજનની ટીમ છે તેની કાબેલિયત અને માત્ર ર૦ દિવસમાં આવુ જાજરમાન આયોજન મેં મારી જિંદગીમાં પહેલીવાર જોયું છે. શ્રી લોહાણા મહાજન અને લોહાણા જ્ઞાતીની એકતાથી જે કાર્ય કરે છે તે અદ્‌્‌ભૂત છે અને બિરદાવવાને પાત્ર છે.
કથા સ્‍થળ ‘શ્રી રામનગરી' ચૌધરી હાઇસ્‍કુલ કસ્‍તુરબા રોડ, રાજકોટ ખાતે ભવ્‍ય શ્રીરામમંદિર પણ ઉભું કરાયું છે. જેના દર્શનનો અદ્દભૂત લ્‍હાવો પણ લેવા જેવો છે. આ કથામાં દરેક ભાઇઓ, બહેનો અને વડિલો માટે પણ ખુબ સુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવે છે. તા.ર૧ થી ર૯ રાજકોટ શ્રી રામરંગે રંગાશે જેનો લાભ લેવા સહુને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્‍યું છે. આ તકે, શ્રી રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ, ડો. નિશાંતભાઇ ચોટાઇ, છબીલદાસભાઇ પોબારૂ, મનીષભાઇ ખખ્‍ખર, ડો. પરાગભાઇ દેવાણી, હિરેનભાઇ ખખ્‍ખર, ડો. હિમાંશુભાઇ ઠકકર, ધવલભાઇ કારિયા, પુરૂષોતમભાઇ પિપળીયા તથા રાજકોટ લોહાણા મહાજનના હોદ્‌ેદારો ઉપસ્‍થિત રહ્યા હતા.

 

(4:18 pm IST)