રાજકોટ
News of Friday, 20th May 2022

નરેન્‍દ્રભાઈને આવકારવા સમગ્ર સૌરાષ્‍ટ્રની પ્રજામાં અનેરો ઉત્‍સાહ

વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીના આગામી સૌરાષ્‍ટ્રના ગ્રામીણ વિસ્‍તારમાં શ્રેષ્‍ઠતમ આરોગ્‍યલક્ષી સુવિધાઓ વધશે અને તેનો લાભ પ્રજાને મળશેઃ રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ સૌરાષ્‍ટ્રને અનેકવિધ યોજનાઓની ભેટ આપનાર  યશસ્‍વી વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી ફરી એક વખત સૌરાષ્‍ટ્રની અને ખાસ કરીને રાજકોટ જિલ્લાના આટકોટ ખાતે સેવાકીય ટ્રસ્‍ટ દ્વારા મલ્‍ટી સ્‍પેશિયાલિટી સમકક્ષ સુવિધા ધરાવતી હોસ્‍પિટલના લોકાર્પણ માટે મુલાકાતે આવી રહ્યા છે. ત્‍યારે આ વિસ્‍તારની પ્રજા તેમના આદર સત્‍કાર માટે ઉત્‍સાહિત છે;   સૌરાષ્‍ટ્ર ભાજપના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે વિશ્વના સર્વાધિક લોકપ્રિય રાષ્‍ટ્રવડાને આવકારતા કહ્યું છે કે, વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ જ્‍યારે જ્‍યારે સૌરાષ્‍ટ્ર-ગુજરાતની મુલાકાતે આવે છે ત્‍યારે ત્‍યારે કોઈને કોઈ કલ્‍યાણકારી લોકસુવિધા ની મોટી યોજનાની ભેટ આપતા જાય છે અને આવી યોજનાઓ થકી ગુજરાતનો વિકાસ અવિરતપણે થઈ  રહયો છે.આ વખતે તેઓ આટકોટમાં હોસ્‍પિટલના લોકાર્પણ માટે આવી રહ્યા છે ત્‍યારે આ સમગ્ર વિસ્‍તારમાં આરોગ્‍યલક્ષી સુવિધાઓ વધશે અને લોકોને તેનો મહત્તમ લાભ મળશે.

 દેશના વડાપ્રધાન તરીકે તેમને અનેક પ્રકારની જવાબદારી વહન કરવાની હોય છે. શ્રી નરેન્‍દ્રભાઈ મોદી એક વૈશ્વિક નેતા છે અને તેમને આંતરરાષ્‍ટ્રીય બાબતો ઉપર પણ ધ્‍યાન કેન્‍દ્રિત કરવાનું હોય છે. અત્‍યંત વ્‍યસ્‍તતા વચ્‍ચે પણ વડાપ્રધાનના હૈયે ગુજરાતનું હિત સમાયેલું છે તેની સ્‍પષ્ટ પ્રતીતિ તાજેતરની તેમની ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે કરાવી આપી  હતી. તેઓ જામનગર આવ્‍યા હતા અને વિશ્વ આરોગ્‍ય સંસ્‍થાનું વૈકલ્‍પિક સારવાર માટેનું ગ્‍લોબલ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ સિવાય પણ તેઓએ બનાસ ડેરીના પ્‍લાન્‍ટને પણ ખુલ્લો મૂકયો હતો.

ભૂતકાળમાં તેઓએ સૌરાષ્‍ટ્રને એઈમ્‍સ, હીરાસર આંતરરાષ્‍ટ્રીય એરપોર્ટ અને ખાસ કરીને સૌની યોજનાની ભેટ આપી છે. સૌની યોજનાનો લાભ સૌરાષ્‍ટ્ર -કચ્‍છના છેવાડાના માનવીને મળ્‍યો છે. એઈમ્‍સમાં પણ ઓ.પી.ડી. શરૂ થઈ ગઈ છે અને હીરાસર એરપોર્ટમાં પણ ઝડપભેર કામ ચાલી રહ્યુ છે. આ પ્રકારના લાભોને લીધે સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં વિકાસ હરણફાળ ભરશે તેમાં બે-મત નથી.

રાજુભાઇ ધ્રુવના જણાવ્‍યા અનુસાર, આ ત્રણ દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ ૨૫ હજાર કરોડ જેટલી રકમના વિકાસ કાર્યોની ભેંટ આપી હતી.  વડાપ્રધાનની આ વખતની મુલાકાત સમયે વિવિધ દેશોના રાજદૂતો સિવાય મોરેશિયસના વડાપ્રધાન અને હુના ડાયરેક્‍ટર જનરલની ઉપસ્‍થિતિએ પણ વિશ્વનું ધ્‍યાન ગુજરાત તરફ ખેચ્‍યું હતું. આ બંને મહાનુભાવો ઉપરાંત  બ્રિટનનાં વડાપ્રધાન બોરિસ જોન્‍સન પણ ગુજરાતની મુલાકાતે આવ્‍યા હતા. ભૂતકાળમાં ગુજરાતને આટલું મહત્‍વ કયારેય મળ્‍યું નથી જેટલું અત્‍યારે મળી રહ્યું છે જે ન ભૂતો ન ભવિષ્‍યતિ તેવું અભૂતપૂર્વ અને ઐતિહાસિક છે .

 વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદીની આ વખતની સૌરાષ્‍ટ્રની મૂલાકાતથી સમગ્ર રાજ્‍યનું  ગૌરવ વધશે અને  ગુજરાતની વિકાસની ગતિ વધશે અને ગુજરાતને વધારાનું નવું બળ અને ઉર્જા મળશે. રાષ્‍ટ્રના સુકાનીની અતિ મહત્‍વની જવાબદારી સાંભળવાની સાથોસાથ સૌરાષ્‍ટ્ર-કચ્‍છ સહિતના સમગ્ર ગુજરાત પ્રત્‍યે તેઓ ખાસ લાગણી ધરાવતા વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદી આગામી તા. ૨૮મીએ આટકોટની મુલાકાતે આવી રહ્યા છે ત્‍યારે માત્ર રાજકોટ મહાનગર કે જિલ્લો જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્‍ટ્રના લોકો તેમને હૈયાના ઉમંગભેર આવકારવા માટે ઉત્‍સાહિત છે.

(4:17 pm IST)