રાજકોટ
News of Friday, 20th May 2022

એસટી બસપોર્ટ પાસે ભરબપોરે મોબાઇલ ફોન લૂંટવાનો પ્રયાસઃ મહિલાના માથામાં છરી ઝીંકાઇ

સગાની રાહ જોઇને ઉભેલા શિયાણીનગરના હમીદાબેન ઘાંચી સાથે બનાવઃ તેણીએ હિમ્‍મત દાખવી મોબાઇલ પાછો ખેંચી લેતાં એક શખ્‍સે છરી મારી દીધી

રાજકોટ તા. ૨૦: ઢેબર રોડ પર એસટી બસપોર્ટ પાસે ભરબપોરે એક મહિલાના હાથમાંથી મોબાઇલ ફોન લૂંટી લેવાનો પ્રયાસ થયો હતો. એક્‍ટીવા પર આવેલા શખ્‍સોએ મોબાઇલની ઝોંટ મારી લેતાં આ મહિલાએ મોબાઇલ પાછો ખેંચી લેતાં તેના માથામાં છરી ઝીંકી બંને શખ્‍સ ભાગી ગયા હતાં. બનાવને પગલે લોહીલુહાણ થઇ ગયેલા મહિલાને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં.

જાણવા મળ્‍યા મુજબ કોઠારીયા રોડ પર શિયાણીનગરમાં રહેતાંહમીદાબેન આસીફભાઇ ઘાંચી (ઉ.વ.૩૧) તેમના સગા બહારગામથી આવી રહ્યા હોઇ તેની રાહ જોઇને એસટી બસ પોર્ટ બહાર બપોરે બે વાગ્‍યા આસપાસ ઉભા હતાં. આ વખતે અચાનક એક્‍ટીવા પર બે શખ્‍સ આવ્‍યા હતાં અને તે પૈકી એક શખ્‍સે હમીદાબેનના હાથમાંથી મોબાઇલ ફોન ઝૂંટવી લીધો હતો. હમીદાબેને હિમ્‍મત દાખવી પોતાનો મોબાઇલ લૂંટારાના હાથમાંથી પાછો ખેંચી લીધો હતો. તે વખતે એક્‍ટીવા પાછળ બેઠેલા શખ્‍સે છરી ઝીંકી દીધી હતી અને બંને ભાગી ગયા હતાં.

મહિલાઅને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડવામાં આવતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે એ-ડિવીઝનમાં જાણ કરવા તજવીજ કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવા અને આરોપીઓ કોણ હતાં? ખરેખર ઘટના શું બની? તે જાણવા તપાસ હાથ ધરી છે.

(4:16 pm IST)