રાજકોટ
News of Friday, 20th May 2022

કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકીને ૫૦ હજારનું દાન આપી સમાજમાં નવો ચીલો ચાતરતા નિવૃત મહેશ પટોળી

જીલ્લા કલેકટરનું પ્રેરણાદાયી સૂચન :દિકરીને મદદ કરી નિવૃતિ સમયને યાદગાર બનાવ્‍યો

રાજકોટ,તા.૨૦:  ‘નાબાર્ડ'ના રાજકોટના અધિકારીશ્રી મહેશ પટોળીએ નિવૃત્તિ સમયે કોરોનામાં માતા-પિતા ગુમાવનાર બાળકીને રૂપિયા ૫૦ હજારનું દાન આપી સમાજમાં નવો ચીલો ચાતર્યો છે, અને પોતાની નિવૃત્તિને યાદગાર બનાવી છે.  શ્રી મહેશ પટોળીએ નિવૃત્તિ સમયે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુની મુલાકાત લીધી હતી અને તેમણે પોતાની નિવૃત્તિને યાદગાર બનાવવા સામાજિક કલ્‍યાણના ભાગરૂપે કલેકટર પાસે માર્ગદર્શન માગ્‍યું હતું જે અન્‍વયે કલેકટરશ્રીએ તેમને સૂચન કર્યું હતું કે, કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર એક ગરીબ પરિવારની સાત વર્ષની દીકરીને તમે આર્થિક મદદ કરી શકો તો તમારી નિવૃત્તિ સાર્થક થશે, અને દીકરીને મદદરૂપ થવાનો સાત્‍વિક આનંદ મળશે. મહેશભાઇએ કલેકટરનું આ સૂચન તરત જ અમલમાં મુકયું અને ૭ વર્ષની દીકરીના ખાતામાં રૂપિયા ૫૦ હજારની રકમ દીકરીના શિક્ષણ અર્થે નિવૃત્તિના છેલ્લા દિવસે જમા કરાવી સાત્‍વિક આનંદના સહભાગી બન્‍યા. આ દીકરી ‘મુખ્‍યમંત્રી બાલ સેવા યોજના'ની લાભાર્થી છે. દાન મેળવનાર દીકરીના પરિવારજનોએ શ્રી મહેશભાઇનો ખરા હ્રદયથી આભાર માન્‍યો હતો, અને આવા માનવતાભર્યા કૃત્‍યમાં નિમિત્ત બનવા બદલ જિલ્લા કલેકટર પ્રત્‍યે કૃતજ્ઞતાની લાગણી દર્શાવી હતી. આ દાન દ્વારા સમાજને પ્રેરણા રૂપ સંદેશો મળ્‍યો છે. માતા પિતા ગુમાવનાર નાના-નાની પાસે રહેતી દીકરીને  હૂંફ અને આર્થિક સહયોગ મળ્‍યો છે. જે માટે જિલ્લા બાળ સુરક્ષા કચેરી તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દાતાનો આભાર માનવામાં આવ્‍યો છે.

(4:08 pm IST)