રાજકોટ
News of Friday, 20th May 2022

રાજકોટમાં ‘સડેલી' તુવેરદાળ ધાબડવાનું કૌભાંડ : વીજીલન્‍સ ત્રાટકી

ગાંધીનગરથી ગઇકાલે સાંજે ૪ અધિકારીઓની ટીમ આવી : બજરંગ વાડી - હુડકો - કોઠારીયામાં FPSને ત્‍યાંથી નમુના લીધા : આજે અન્‍ય દુકાનોમાં પણ તપાસ ચાલુ : DSO સાથે બંધ બારણે મીટીંગ : સસ્‍તા અનાજના ૧૦ દુકાનદારોની એમડીને રાવ બાદ આકરા પગલા : કોન્‍ટ્રાકટરે કોની મીલી ભગતથી ધાબડી દીધી : તુવેરદાળના કટ્ટામાંથી ૨ થી ૫ કિલો દાળ ચોરાતી હોવાની પણ રાવ : સેમ્‍પલ ફેઇલ ગયા છતાં દાળ આપી દિધાનો ધડાકો : ગરીબોના આરોગ્‍ય સાથે ચેડા

રાજકોટ તા. ૨૦ : રાજકોટમાં સસ્‍તા અનાજની અનેક દુકાનો ઉપર સેમ્‍પલ ફેઇલ ગયેલી અને સડેલી તુવેરદાળ ધાબડવાનું મસમોટુ કૌભાંડ બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.

આ અંગેની જાણ થતાં ગાંધીનગર પુરવઠામાંથી વીજીલન્‍સના ૪ અધિકારીઓની ટીમ એકાએક રાજકોટ ગઇકાલે સાંજે આવી છે અને ગઇકાલે જ ૫ વાગ્‍યા બાદ બજરંગ વાડીના સસ્‍તા અનાજના દુકાનદાર તુષાર લીડીયા ઉપરાંત કોઠારીયા અને હુડકોના અન્‍ય બે દુકાનદારને ત્‍યાંથી નમુના લઇ સેમ્‍પલીંગ મોકલ્‍યાનું બહાર આવ્‍યું છે, આજે પણ આ ૪ અધિકારીઓની ટીમ બપોરે ૧૨ાા વાગ્‍યે ડીએસઓ સાથે બંધ બારણે તપાસનો ધમધમાટ ચલાવી રહી છે, તેમજ આજે પણ ૮ થી ૧૦ દુકાનોમાં જઇ સેમ્‍પલ લેશે તેમ ટોચના વર્તુળો ઉમેરી રહ્યા છે.

રાજકોટ પુરવઠાના ટોચના સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ અંદાજે ૧ થી ૨ મહિના પહેલા રાજકોટના ૧૦થી વધુ સસ્‍તા અનાજના મોટા વેપારીઓએ પુરવઠા અને નિગમના એમ.ડી. તથા જનરલ મેનેજરને ફરીયાદ મોકલી હતી કે નિગમમાંથી સેમ્‍પલ ફેઇલ થવા છતાં દુકાનદારોને તુવેરદાળ ધાબડી દેવામાં આવી છે, મોટાભાગના દુકાનદારોને ત્‍યાં આ દાળ પાવડર થઇ ગઇ છે, આ ઉપરાંત બીજી ચોંકાવનારી ફરીયાદ એ કરી હતી કે નિગમના ગોડાઉનમાં ૫૦ કિલોની તુવેરદાળની ગુણી - કટ્ટો સસ્‍તા અનાજના દુકાને લઇ જવા નીકળે અને જે તે દુકાને પહોંચે ત્‍યારે વજન કરાય તો ૪૫ થી ૪૮ કિલો નીકળે છે. ૨ થી ૫ કિલો દાળ ચોરાઇ જાય છે.

આમ આવી બે ચોંકાવનારી ફરીયાદ બાદ ગાંધીનગર પુરવઠાની વીજીલન્‍સની ટીમ રાજકોટમાં ત્રાટકી છે, તપાસ ચલાવી રહી છે, અધિકારી સૂત્રો એ મુજબની તપાસ કરી રહ્યા છે કે, કોન્‍ટ્રાકટરે આવી દાળ મોકલી કે પછી અન્‍ય કોઇ રીતે - કોની મીલી ભગતથી ધાબડી દેવાઇ, સેમ્‍પલ ફેઇલ છતાં દુકાનોમાં દાળ આપી દઇ - ગરીબ કાર્ડ હોલ્‍ડરો સાથે તેમના આરોગ્‍ય સાથે ગંભીર ચેડા થઇ રહ્યા છે, આ આખા કૌભાંડ અંગે અત્‍યંત આકરા પગલા લેવાય તેવી શક્‍યતા છે.

(3:29 pm IST)