રાજકોટ
News of Friday, 20th May 2022

નાગપુરના વેપારીનું અપહરણ કરી મારકુટ સંબંધેના કેસમાં પોલીસ રિપોર્ટ રજુ કરવા હુકમ

રાજકોટ તા.ર૦ : મોરબીના એડી. ચીફ. જયુડી. મેજી.શ્રી વી.એલ.પરદેશીએ મોરબી પોલીસ સ્‍ટેશનના અધિકારીઓ વિરૂધ્‍ધ આઇ.પી.સી.ની કલમ ર૦૪, ર૧૭, ર૧૮, ૧૧૪, ૧૬૬, ૧૬૬(એ)(બી) મુજબની ફરિયાદ રજિસ્‍ટર લઇ ૩૦ દિવસમાં પોલીસ રિપોર્ટ મંગાવવાનો હુકમ ફરમાવેલ છે.

બનાવની ટુંક હકિકત એવી છે કે ગત તા.૭-૧૦-ર૦૧૩ના રોજ મોરબી સ્‍થિત સાવીયો સીરામીકના જીજ્ઞેશ પટેલ તથા તેના મળતીયાઓએ નાગપુર (મહારાષ્‍ટ્ર)ના રહેવાસી દિપેશ દિલીપભાઇ કાનાબારને મોકલાવેલ ખરાબ માલ અંગે તથા હીસાબની પતાવટ કરવાના બહાને મોરબી બોલાવેલ હતા અને ત્‍યારબાદ આ ઇસમોએ આ નાગપુરના વ્‍યાપારીનું અપહરણ કરી ગોંધી રાખેલ અને બેફામ માર મારેલ અને વ્‍યાપારીના પરિવારજનો પાસેથી રૂા.૬૦ લાખ તાત્‍કાલીક ચુકવી આપવાની ધાક ધમકીઓ આપેલ તે વખતે અપહૃત વેપારીને પોલીસ દ્વારા આરોપીઓના સકંજામાંથી ફિલ્‍મી ઢબે મુકત કરાવેલ.

ઉપરોકત બનાવ અંગે નાગપુરના ભોગ બનનાર વ્‍યાપારી દિપેશ દિલીપભાઇ કાનાબાર દ્વારા આરોપીઓ  સાથે ગોઠવણ કરી પોતાની સતાનો દુર ઉપયોગ કરી આરોપીઓને છાવરવા સી સમરી રીપોર્ટ ફાઇલ કરનાર પીએસઆઇ વિગેરે વિરૂધ્‍ધ ફોજદારી ફરીયાદ નોંધી ધોરણસરનીકાર્યવાહી કરવા ગુજરાત રાજયના ડી.જી.પી.શ્રીને તમામ દસ્‍તાવેજીઆધાર પુરાવાઓ સાથે આઇપીસીની કલમ ર૦૪, ર૧૭, ર૧૮, ૧૧૪, ૧૬૬, ૧૬૬-એ(બી) મુજબની ફરીયાદ આપેલ હતી. પરંતુ કોઇ કાર્યવાહી ન થતા મોરબી કોર્ટમાં આ અંગે ફરિયાદ આપવા આવેલ જે ફરિયાદ રજીસ્‍ટરે લેવાનો મોરબી કોર્ટે હુકમ કરી ૩૦ દિવસમાં પોલીસ તપાસનો રીપોર્ટ મંગવતો હુકમ ફરમાવેલ છે.

આ કામે ફરીયાદી વતી પંડિત એસોસીએટસના એડવોકેટ કલ્‍પેશ એન. મોરી, એડવોકેટ આર.આર.બસીયા, એડવોકેટ બીનીત જે.પટેલ એડવોકેટ વૈશાલી વિઠલાણી, એડવોકેટ મિથિલેશ પરમાર રોકાયેલ છે. તથા કાનુની સલાહકાર તરીકે સંજય પંડિત સેવા આપી રહેલ છે.

(11:35 am IST)