રાજકોટ
News of Tuesday, 21st March 2023

વિછીયામાં પાણી પ્રશ્ને આંદોલનનું એલાન કરનારા આગેવાન પર હુમલોઃ ફાયરીંગનો આક્ષેપ ખોટો ઠર્યો

મંત્રી કુવરજીભાઇ બાવળીયાના માણસોએ હુમલો કરાવ્‍યાના આક્ષેપથી ખળભળાટ : આજે સવારે બધાએ રાજગઢ ચોકમાં એકઠા થવું એવું એલાન ગઇકાલે કર્યુ હતું: સવારે આંદોલન ચાલુ થાય એ પહેલા બે શખ્‍સે બાઇકની ઠોકરે લીધા બાદ કારમાં આવેલા શખ્‍સોએ પાઇપ-કુહાડીથી તૂટી પડયાઃ ફાયરીંગથી પગમાં ઇજા થયાનો આક્ષેપ સાથે રાજકોટ સારવાર હેઠળ

ગઇકાલે વિડીયોથી મેસેજ આપનાર આગેવાન મુકેશભાઇ રાજપરા (છેલ્લે) અને આજે એલાન મુજબ ગામના ચોકમાં તે પહોંચ્‍યા ત્‍યારે હુમલો થયા પછી તેને હોસ્‍પિટલમાં ખસેડાયા (પ્રથમ તસ્‍વીર) નજરે પડે છે. ફાયરીંગથી પગમાં ઇજા પહોંચ્‍યાનો તેણે આક્ષેપ કર્યો હોઇ પોલીસે તપાસ આરંભી છે

રાજકોટ તા. ૨૦: વિછીયામાં જસદણ રોડ પર રહેતાં અને વિછીયા કોળી વિકાસ સંગઠનના પ્રમુખ તથા લોકોના પ્રશ્નો માટે લડત કરતાં આગેવાન મુકેશભાઇ મનસુખભાઇ રાજપરા (ઉ.વ.૪૦) પર સવારે વિછીયાના આંબલી ચોકમાં કારમાં આવેલા શખ્‍સોએ કુહાડી-પાઇપથી હુમલો કરવામાં આવતાં ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે. પોતાના પર ફાયરીંગ પણ થયાનું અને તેના કારણે પગમાં ઇજા થયાનું તેણે જણાવતાં અને આ હુમલો મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના માણસોએ આ હુમલો કર્યાના આક્ષેપ હોસ્‍પિટલના બિછાનેથી તેણે કરતાં રૂરલ પોલીસ અધિકારીઓના ધાડા હોસ્‍પિટલે પહોંચ્‍યા છે અને તપાસ શરૂ કરી છે.

પ્રાપ્‍ત માહિતી મુજબ ગઇકાલે રવિવારે સાંજે સાડા આઠ કલાકે મેઇન બજાર રાજગઢ ચોક ખાતે પાણીના પ્રશ્નોને લઇને આગેવાન મુકેશભાઇ રાજપરાએ એક મીટીંગ નક્કી કરી હતી. પરંતુ વરસાદ જેવા વાતાવરણને કારણે મીટીંગ રદ કરી હતી અને અને પોતાનો એક વિડીયો બનાવીને લાગતા વળગતાને મોકલ્‍યો હતો. જેમાં મુકેશભાઇએ જણાવ્‍યું હતું કે પાણી સહિતના પ્રશ્નોને લઇને આવતીકાલે સોમવારે સવારે અગિયાર વાગ્‍યે મામલતદારશ્રીને આવેદન આપવાનું હોઇ જેથી બધાએ હાજર રહેવું તેવું એલાન કર્યુ હતું.

દરમિયાન આજે પોતે ગઇકાલે કરાયેલા એલાન મુજબ વિછીયાના રાજગઢ ચોક આંબલી ચોક પાસે સવારે સાડા દસેક વાગ્‍યે પહોંચતા હુમલો થયો હતો. તેને હાથ-પગમાં ઇજાઓ થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાવામાં આવતાં વિછીયા પોલીસને જાણ કરાઇ હતી. રાજકોટ રૂરલ એસઓજીના પીએસઆઇ ભાનુભાઇ સી. મિયાત્રા સહિતનો સ્‍ટાફ હોસ્‍પિટલે પહોંચ્‍યો હતો.

મુકેશભાઇ રાજપરાએ હોસ્‍પિટલના બીછાનેથી આક્ષેપ કર્યો હતો કે પોતાના પર મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના કહેવાથી હુમલો થયો છે. રાજેશ ધાંધલ અને અજાણ્‍યાઓએ આ હુમલો કર્યો છે. તેણે કહ્યું હતું કે સવારે હું ચોકમાં પહોંચ્‍યો ત્‍યારે પહેલા બાઇક પર બે જણા આવ્‍યા હતાં અને મને ઠોકરે લઇ પછાડી દીધો હતો. ત્‍યારબાદ આઇ-૧૦ કારમાં રાજેશ ધાંધલ અને અજાણ્‍યા આવ્‍યા હતાં. આ શખ્‍સોએ કુહાડી-પાઇપ-ધોકાથી હુમલો કર્યો હતો.    એ પછી કોઇએ બે રાઉન્‍ડ ભડાકા કરતાં પોતાને પગમાં ઇજા પહોંચી હતી.

વિછીયા પોલીસના કહેવા મુજબ હુમલો થયો છે તેની માહિતી મળી છે. ફાયરીંગ થયા હતાં કે કેમ? તેની તપાસ થઇ રહી છે. ઇજા પહોંચી છે તે ફાયરીંગની છે કે કેમ? તે જાણવા તબિબી અભિપ્રાયની રાહ જોવામાં આવી રહી છે. આ મામલે ફરિયાદ નોંધવાની તજવીજ કરવામાં આવી રહી છે. (૧૪.૧૦)

તબિબોએ અભિપ્રાય આપ્‍યોઃ ઇજા ફાયરીંગથી નથી થઇ

ઞ્જ દરમિયાન રૂરલ એસઓજી પીએસઆઇ બી. સી. મિયાત્રાએ જણાવ્‍યું હતું કે આ બનાવમાં ફાયરીંગનો આક્ષેપ થયો હોઇ રાજકોટ સિવિલ હોસ્‍પિટલના તબિબો પાસે અભિપ્રાય માંગવામાં આવ્‍યો હતો. તમામ રિપોર્ટ બાદ મોડી બપોરે રિપોર્ટ અપાયો છે. જેમાં ઇજાઓ બોથડ પદાર્થથી થયાનું જણાવાયું છે અને ફાયરીંગની ઇજાઓ નહિ હોવાનું સ્‍પષ્‍ટ કહેવાયું છે.

(3:28 pm IST)