રાજકોટ
News of Friday, 19th August 2022

રાજકોટ, જુનાગઢ, જામનગરના દારૂના ત્રણ ગુનામાં ફરાર મુંબઇનો સલિમ ઉર્ફ બાબરને એલસીબી ઝોન-૧ ટીમે પકડયો

પીએસઆઇ આર. એચ. કોડીયાતર અને ટીમની કાર્યવાહીઃ સત્‍યજીતસિંહ અને દિવ્‍યરાજસિંહ જાડેજાની બાતમી

રાજકોટઃ વિદેશી દારૂના ત્રણ ગુનામાં ફરાર શખ્‍સને લોકલ ક્રાઇમ બ્રાંચ ઝોન-૧ ટીમે ગોંડલ રોડ ચોકડીએથી પકડી લીધો છે. આ શખ્‍સ રાજકોટ, જામનગર અને જુનાગઢ પોલીસના ત્રણ ગુનામાં ફરાર હતો.

એલસીબી ઝોન-૧ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે સત્‍યજીતસિંહ જાડેજા, દિવ્‍યરાજસિંહ જાડેજાને બાતમી મળી હતી કે દારૂના ગુનામાં ફરાર સલિમ ઉર્ફ બાબર ઇસ્‍માઇલભાઇ ખુરેશી (ઉ.૪૦-રહે. શ્રી સાઇ એપાર્ટમેન્‍ટ રૂમ નં. ૨૦૧, મુંબઇ વેસ્‍ટ, મુળ સંઘાડીયા બજાર, ચિસ્‍તીયા મસ્‍જીદની બાજુમાં ધોરાજી) રાજકોટ ગોંડલ રોડ ચોકડી તરફથી પસાર થવાનો છે. તેના આધારે વોચ રાખતાં સલિમ ઉર્ફ બાબર નીકળતાં તેને દબોચી લેવાયો હતો. રાજકોટ બી-ડિવીઝન, જુનાગઢ તાલુકા પોલીસ અને જામનગર બી-ડિવીઝનના દારૂના ત્રણ ગુનામાં તે ફરાર હતો.

આ શખ્‍સ વિરૂધ્‍ધ અગાઉ ધોરાજી, જામનગર, માંગરોળ, જુનાગઢમાં રાયોટીંગ, જાહેરનામા ભંગ, મારામારી, દારૂ સહિતના ૮ ગુના નોંધાયા હતાં. ડીસીપી પ્રવિણકુમાર મીણાની રાહબરીમાં એલસીબી ઝોન-૧ના પીએસઆઇ આર. એચ. કોડીયાતર, હેડકોન્‍સ. વિજેન્‍દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, કોન્‍સ. દિવ્‍યરાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, રવિરાજભાઇ પટગીર અને જીતુભા ઝાલાએ આ કામગીરી કરી હતી.

(12:55 pm IST)