રાજકોટ
News of Thursday, 19th May 2022

શાપર - વેરાવળમાં પ્‍લાસ્‍ટીકના દાણા બનાવવાના કારખાનામાં ભીષણ આગ : લાખોનું નુકસાન

આગ વહેલી સવારે લાગી : રાજકોટ અને ગોંડલ ફાયર બ્રિગેડ સ્‍ટાફ સ્‍થળ પર દોડી ગયો : આગમાં મશીનરી તેમજ કાચો અને પાકો માલ બળીને ખાક

જ્‍યાં આગ લાગી તે કારખાનુ નજરે પડે છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

રાજકોટ તા. ૧૮ : શાપર - વેરાવળમાં પ્‍લાસ્‍ટીકના દાણા બનાવવાના કારખાનામાં વહેલી સવારે આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતાં રાજકોટ અને ગોંડલ ફાયર બ્રિગેડ સ્‍ટાફ ઘટના સ્‍થળે દોડી ગયો હતો.  મળતી વિગત મુજબ શાપર વેરાવળમાં આવેલા લેમ્‍બટરી પ્રાઇવેટ લીમીટેડ નામના કારખાનામાં વહેલી સવારે એકાએક આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં રાજકોટ ફાયર બ્રિગેડ ત્રણ ફાયટર સાથે સ્‍થળ પર પહોંચી આગને કાબુમાં કરી હતી અને ગોંડલ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. આગ કારખાનામાં શેડમાં લાગી હતી તેમાં મશીનરી તથા પ્‍લાસ્‍ટીકના દાણાનો કાચો અને પાકો માલનો જથ્‍થામાં લાગી હતી. બનાવની જાણ થતાં કારખાનાના માલીક સ્‍થળ પર દોડી આવ્‍યા હતા. આગ કેવી રીતે લાગી અને તેમાં કેટલું નુકસાન તે જાણવા તપાસ થઇ રહી છે.

(1:18 pm IST)