રાજકોટ
News of Thursday, 19th May 2022

સ્‍ટેટ GSTદ્વારા રાજકોટ સહિત રાજયભરમાં ટયુશન કલાસમાંપાડેલા દરોડામાં ૪ર કરોડની કરચોરી ઝડપાઇઃ ૬ કરોડનો વેરો વસુલાશે

વિદ્યાર્થીઓ પાસેથી GST વસૂલી કલાસ માલીકો ટેક્ષ ભરતા ન હતાઃ ફીની પાકી પહોંચ પણ આપતા નહોતા....

રાજકોટ તા. ૧૮: સ્‍ટેટ જીએસટી વિભાગ દ્વારા સમયાંતરે જુદી-જુદી સર્વિસીસમાં સિસ્‍ટમ બેઝડ એનાલીસીસ તેમજ માર્કેટ ઇન્‍ટેલીજંસ આધારીત ટેક્ષનું યોગ્‍ય રીતે કમ્‍પલાઇંસ કરવામાં આવે છે કે કેમ તે જોવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં રાજયભરમાં કેટલાક કોચિંગ કલાસીસ સાથે સંકળાયેલ વ્‍યવસાયિકો કે જેઓ સ્‍પર્ધાત્‍મક પરીક્ષાઓની તૈયારી માટેના અને સ્‍કુલના વિદ્યાર્થીઓને કોચીંગ આપતા એકમોના સ્‍થળોએ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જુદા જુદા તબકકામાં રાજયભરમાં કુલ પ૪ સ્‍થળોએ ટેક્ષ કમ્‍પાલઇંસ બાબતે દરોડા પડાયા હતા અને તેમાં ૪ર કરોડની અધધધ કરચોરી ઝડપાયાનું જાહેર કરાયું છે.

એકમોના સ્‍થળોએ વિભાગે રાજયવ્‍યાપી તપાસની કામગીરી હાથ ધરેલ હતી. તપાસની કામગીરીમાં કરચોરીને લગતા સંખ્‍યાબંધ દસ્‍તાવેજો વિભાગ દ્વારા જપ્‍ત કરવામાં આવેલ છે. વિભાગ દ્વારા હાથ ધરવામાં આવેલ તપાસના પરિણામે કુલ રૂ. ૪ર કરોડના બિનહિસાબી અને જેના ઉપર ટેક્ષનું યોગ્‍ય રીતે કમ્‍પલાઇંસ ન કરવામાં આવેલ હોઇ તેવા વ્‍યવહારો શોધી કાઢવામાં આવેલ છે. આવા વ્‍યવહારો ઉપર અંદાજે રૂ. ૬ કરોડનો વેરો ભરવાપાત્ર થાય છે જેની સામે રૂ. ૧.૮પ કરોડની વસુલાત થયેલ છે, બાકીની રકમ અને દંડકીય વસુલાતની કાર્યવાહી વિભાગે હાથ ધરેલ છે. આ કેસોમાં વધુ તપાસ હાલ ચાલી રહેલ છે.

કરચોરીની મોડલ ઓપરેન્‍ડીઃ

પુરી પાડવામાં આવતી કોચિંગ કલાસીસની સેવાઓ ઉપર ૧૮% વેરો લેવાપાત્ર થાય છે. વિદ્યાર્થીઓ પાસેથી કોચિંગ કલાસીસની ઉઘરાવવામાં આવતી ફી હિસાબી સાહિત્‍યમાં ઓછી દર્શાવામાં આવે છે અને વિદ્યાર્થીઓને તેમને ચુકવેલ ફીની પાકી પહોંચ આપવામાં આવતી નથી અથવા તો ઓછી રકમની પાવતી આપવામાં આવે છે અને આમ કરી પુરી પાડવામાં આવતી સેવાની સામે મેળવેલ રકમ, જીએસટી પત્રકમાં ઓછી દર્શાવી જીએસટી ની ચોરી કરવામાં આવે છે.

(3:32 pm IST)