રાજકોટ
News of Tuesday, 19th January 2021

રાજભા ઝાલાએ પ્રજાને વફાદાર રહેવા ભા.જ.પ સાથે છેડો ફાડયોઃ ‘‘આપ''નો ચોટદાર જવાબ

રાજભા સામે અત્‍યારથીજ હાર ભાળી ગયેલા ભા.જ.પ.ના મિત્રો તર્કવિહીન નિવેદનો કરે છેઃ શિંગાળા-કામાણી

રાજકોટ તા. ૧૯ : આમ આદમી પાર્ટીના શહેરમાંથીપરેશ શીંગાળા અને ચેતન કામાણીએએક નિવેદન આપતા જણાવ્‍યું છે કે, રાજભા ઝાલાએ ભાજપની માનસિકતાથી વોર્ડ નં.ર ની જનતાને અવગત કરવા પ્રેસ નિવેદન આપ્‍યું હતું તે નિવેદનમાં કયાંય અશાંતધારો લાગુ કર્યાનો વિરોધ નથી કર્યો, પરંતુ સમગ્ર રાજકોટમાં માત્ર વોર્ડ નં.રમાં અશાંતધારો લાગુ કર્યો તે બાબતે ભાજપ સામે પ્રશ્નો કર્યો હતો અને તે વાત સ્‍વાભાવિક છે અને તે જ સુચવે છે કે, ભાજપ વોર્ડ નં. રમાં હાર ભાળી ગયું છે એટલે પોતાની પરંપરા મુજબ સંવેદનશીલ મુદ્‌ાઓ ઉછાળીને ચુંટણીના પ્રચારના મુદ્દા તરીકે અશાંતધારાના અમલને આગળ કરીને લોકોને ભોળવીને મત માંગવાની કુચેષ્‍ટાનો વિરોધ કર્યો છે.

રાજભાએ નિવેદનમાં કરેલ આક્ષેપો તર્કસંગત છે. જેના કારણો જોઇએ તો રાજભાનો આક્ષેપ એ છે કે, અશાંતધારો રાજકિય લાભ ખાટવા અને બહુમતી સમાજની લાગણીઓ જીતવા માટે જ ચુંટણી સમયે અશાંતધારો લાગુ કર્યો છે. રાજભાના આક્ષેપને સમર્થન આપતા મુદ્દાઓ જોઇએ તો વોર્ડ નં.ર માં જે પરિસ્‍થિતિ છે તેથી પણ ખરાબ પરિસ્‍થિતિ અન્‍ય વોર્ડમાં છે તે વિસ્‍તારમાં અશાંતધારો લાગુ ન કરીને માત્ર વોર્ડ નં.રમાં જ અશાંતધારો લાગુ કર્યો તે પરથી ફલિત થાય છે. કે, ભાજપ વોર્ડ નં. રમાં હાર ભાળી જતા સંવેદનશીલ મુદ્દાઓ ચગાવી રહ્યું છ.ે

શીંગાળા અને કામાણીના જણાવ્‍યા મુજબ ભાજપ તેની આદત મુજબ હાર ભાળી જતા નિમ્‍નકક્ષાની રાજનીતિ વોર્ડ નં. ર માં કરી રહ્યું હોય તે વાત પરથી ફલિત થાય છે કે, રાજભાએ અશાંતધારો લાગુ કર્યાનો વિરોધ કર્યો જ નથી. પરંતુ અશાંતધારો લાગુ કરવા પાછળની ભાજપની માનસિકતાનો પર્દાફાશ કર્યો છે એટલે ભાજપના પેટમાં તેલ રેડાયું છે અને તેના કારણે રાજભાના તર્કસંગત નિવેદ સામે તર્કવિહિન અને બાલીશ નિવેદન કર્યુ છે. તે નિવેદનમાં ભાજપના નિવદનિયા નેતાઓએ જણાવ્‍યું છે કે, રાજભા પક્ષને વફાદાર નથી રહ્યા તો પ્રજાને શું વફાદાર રહેશે. એવું કહીને પોતાની માનસિકતા છતી કરી જનતાને ગેરમાર્ગે દોરવાનો હિન પ્રયાસ કર્યો છે. નિવેદનિયા નેતાઓએ ભુલી ગયા છે કે, રાજભાએ પ્રજાને વફાદાર રહેવા માટે જ પક્ષ સાથે છેડો ફાડયો હતો. નિવેદનિયા નેતાઓએ જણાવ્‍યું છે કે, રાજભા પલાયનવાદી છે. તે આક્ષેપ પણ પાયા વિહોણો છે અને તર્કસંગત નથી. તે પરથી સાબિત થાય છે કે, રાજભા ભાજપ છોડયા પછી હંમેશા લોક પ્રશ્નોએ લડતા રહ્યા છે અને તે વાત જ ભાજપને ખૂંચે છે. જો રાજભા પલાયનવાદી હોત તો ભાજપના કુશાસન સામે અને સરમુખત્‍યારશાહી સામે અણનમ યોધ્‍ધાની જેમ લડવાને બદલે ઘર પકડીને બેસી ગયા હોત તેમ નિવેદનનાં અંતે આપનાં ઉકત બન્ને આગેવાનોએ નિવેદનનાં અંતે જણાવેલ.

(4:12 pm IST)