રાજકોટ
News of Friday, 19th January 2018

પોપટપરાનો ૧૬ વર્ષનો હિતેષ કોળી ગૂમઃ અપહરણનો ગુનો નોંધાયો

સવારે કામે જવા નીકળ્યો પણ ત્યાં પહોંચ્યો જ નહિ

રાજકોટ તા. ૧૯: પોપટપરા પાસે કૃષ્ણનગર-૨માં મુકેશભાઇ ભરવાડના મકાનમાં ભાડેથી રહેતાં પ્રેમજીભાઇ શીવાભાઇ અઘેરા (કોળી) (ઉ.૪૨)નો પુત્ર હિતેષ (ઉ.૧૬) ગઇકાલે સવારે સાડા દસેક વાગ્યે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ થતાં પોલીસને જાણ કરતાં સગીર ગૂમ થવાના કિસ્સામાં પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

પ્રેમજીભાઇએ કહ્યું હતું કે હું રિક્ષા હંકારી ગુજરાન ચલાવું છું. મારા પત્નિનું નામ કંચનબેન છે. સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં મોટો હિતેષ ૧૬ વર્ષ અને ૩ માસનો છે. તે ધોરણ-૧૦ સુધી ભણ્યો છે. હાલમાં નાપાસ થતાં પોપટપરા રોડ પર શકિત પાન નામની દૂકાને કામ કરવા જાય છે. ગુરૂવારે સવારે પોણા અગિયારેક વાગ્યે હું રિક્ષા લઇ મેટોડા તરફ ભાડા કરવા ગયો હતો. ત્યારે હિતેષ જ્યાં કામે જાય છે તે દુકાનવાળા વિક્રમભાઇએ મને ફોન કરી કહેલ કે હિતેષ કેમ આવ્યો નથી? આથી મેં ઘરે ફોન કરીને પુછતાં તે ઘરેથી સવારે સાડા દસે જ નીકળી ગયાનું જાણવા મળ્યું હતું. આથી હું પરત ઘરે આવેલો અને ઠેર-ઠેર શોધખોળ કરી હતી. પરંતુ પત્તો મળ્યો ન મળતાં પોલીસને જાણ કરી હતી.

એએસઆઇ સુધાબેન ડી. પાદરીયાએ આઇપીસી ૩૬૩ મુજબ ગુનો નોંધ્યો છે. પી.એસ.આઇ. બી. પી. વેગડા અને આનંદભાઇએ વધુ તપાસ હાથ ધરી છે. (૧૪.૬)

(10:45 am IST)