રાજકોટ
News of Wednesday, 18th May 2022

ચોરાઉ બાઇક-૧૪ ચોરાઉ મોબાઇલ સાથે મુકુંદ મારૂને ઝડપી લેતી ક્રાઇમ બ્રાન્‍ચ

કોઠારીયા ચોકડી પાસેના બ્રહ્માણી હોલ પાસેથી બાઇક ચોર્યુ'તું: વાહનની રાહ જોઇ ઉભેલા રાહદારીઓને લીફટ આપી તેમનો મોબાઇલ વાત કરવા માટે માંગી મારા માટે ફાફી લઇ આવો તેમ કહી મોબાઇલ લઇ બાઇક મારી મુકતો !

રાજકોટ, તા., ૧૮: ચોરીના બનાવ અટકાવવા મથતી ક્રાઇમ બ્રાન્‍ચની ટુકડીને મળેલી બાતમીના આધારે મૂળ રાજકોટ તાલુકાના જાળીયા ગામના વતની અને હાલ તીરૂપતી સોસાયટી શેરી નં. ૧ ઉપર રહેતા મુકુંદ મનસુખભાઇ મારૂ (ઉ.વ.૪૬)ને ઝડપી લઇ ચોરાઉ બાઇક અને ૧૪ ચોરાઉ મોબાઇલ કબ્‍જે કરવામાં આવ્‍યા છે.

પીઆઇ વાય.બી.જાડેજા અને પીઆઇ જે.વી.ધોળાની ટુકડીના એએસઆઇ સી.એમ.ચાવડા અને હેડ કોન્‍સ્‍ટેબલ ઉમેદભાઇ ગઢવીને મુકુંદ મારૂ સંદર્ભે બાતમી મળી હતી. તેને પકડી લઇ પુછપરછ કરતા તેની પાસે રહેલુ બાઇક કોઠારીયા ચોકડી પાસે બ્રહ્માણી હોલ પાસેથી ચોરી કર્યાનું કુબલ્‍યું હતું. આ ઉપરાંત તેની પાસેથી રેડ મી, વીવો, ટેકનો સ્‍પાર્ક, વન પ્‍લસ, એમઆઇ, નાર્જો, સાઉમી,ઓપો સહીતના જુદા જુદા મોડલના ૮૯૦૦૦ની કિંમતના ચોરાઉ મોબાઇલ મળી આવ્‍યા હતા. આ બારામાં તેણે કબુલ્‍યું હતું કે ગ્રીન લેન્‍ડ ચોકડી અને ગોંડલ ચોકડી ખાતે વાહનની રાહ જોઇ ઉભા રહેતા રાહદારીઓને લીફટ આપવાના બહાને બેસાડી લઇ આગળ જઇ તેમનો મોબાઇલ વાત કરવા માટે માંગતો હતો અને વાત કરે એટલી વારમાં મારી ફાકી લેતા આવો તેમ કહેતા લીફટ લેનાર ફાકી લેવા જાય એટલી વારમાં તેમનો મોબાઇલ લઇ બાઇક મારી મુકતો હતો. આવી રીતે ૧૪ મોબાઇલ ચોર્યાનું કબુલ્‍યું હતું. પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર એન.ડી.ડામોર, એએસઆઇ સી.એમ.ચાવડા, પોલીસ હેડ કોન્‍સ્‍ટેબલ ઉમેદભાઇ ગઢગી અને પ્રદીપસિંહ જાડેજાએ ૬૦ હજારની કિંમતનું હોન્‍ડા સીબી સાઇન અને ૮૯૦૦૦ મોબાઇલ મળી ૧,૪૯,૦૦૦ની કિંમતનો ચોરાઉ મુદામાલ કબ્‍જે કરી મુકુંદ મારૂની ધરપકડ કરી છે.

(3:57 pm IST)