રાજકોટ
News of Wednesday, 18th May 2022

જિલ્લા પંચાયતના ઠપ્‍પ કામો શરૂ કરો : તંત્રને ઢંઢોળતા વિપક્ષી નેતા ખાટરિયા

સિંચાઇ શાખામાં ૮૦ ટકા સ્‍ટાફની ઘટ રસ્‍તાના મંજુર થયેલા કામો અધૂરા : અડધુ વર્ષ વિતી ગયું છતાં ડાયરીના ઠેકાણા નથી

રાજકોટ, તા. ૧૮ :  જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા અને કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અર્જુન ખાટરિયાએ જિલ્લા વિકાસ અધિકારીને આવેદન આપી કરેલ રજૂઆતમાં શાસકો વિકાસ કામો કરવામાં નિષ્‍ફળ ગયાનો આક્ષેપ કર્યો છે. તેમણે સિંચાઇ, માર્ગ, આરોગ્‍ય વગેરેના અધૂરા કામો ઝડપથી પુરા કરવા માંગણી કરી છે.

અર્જુન ખાટરિયાએ રજૂઆતમાં જણાવ્‍યું છે કે જિલ્લા પંચાયતમાં ભાજપ સતારૂઢ થયા પછી વિકાસના કામોની ગતિ અપેક્ષા મુજબની નથી. પંચાયત અને રાજયમાં ભાજપનું શાસન હોવા છતાં લોકોની આશા ફરી નથી. મે લોકોના પ્રશ્ને અવારનવાર રજૂઆત કરી છે પરંતુ શાસકો તેનો જવાબ આપવામાં નિષ્‍ફળ ગયા છે. સામાન્‍ય સભામાં મારા પ્રશ્નને રોકવા અને શાસકો જવાબદારીમાંથી ભાગવાનું વલણ બતાવે છે. સિંચાઇમાં ૮૦ ટકા સ્‍ટાફની ઘટ છે. સિંચાઇની ફાળવેલી ગ્રાન્‍ટનો ઉપયોગ થઇ શકે તેવા એંધાણ નથી. જિલ્લાના રોડના મંજુર થયેલા કામ ઝડપથી પૂર્ણ થાય તેવું દેખાતુ નથી. ખરાબ રસ્‍તાઓની મરામત કરવામાં તંત્ર નિષ્‍ફળ છે. ર૦રર-ર૩ નું અડધુ વર્ષ વિતી ગયા હોવા છતાં કારોબારીમાં ભાજપના ચેરમને હોવા છતાં હજુ ડાયરીના ઠેકાણા નથી. આરોગ્‍ય કેન્‍દ્ર તૈયાર હોવા છતાં ચૂંટણી ટાણે ઉદ્‌્‌ઘાટન કરવાની લાલચે કેન્‍દ્ર શરૂ થતા નથી. શાસક પક્ષમાં રોજ આંતરીક ઝડઘાઓ સામે આવે છે. ભાજપના શાસકો પોતાના પક્ષમાં સંકલન કરવામાં પણ નિષ્‍ફળ ગયા છે. ત્‍યારે વિકાસ શું કરશે ?

(3:57 pm IST)