રાજકોટ
News of Wednesday, 18th May 2022

૨૦૦થી વધુ રોકાણકારોના ૨.૩૭ કરોડ ચાઉં કરનાર ૩ સામે જામજોધપુરમાં ફરિયાદ

એચયુએફ પેઢી તથા તન્જીલા ટ્રેડીંગ કંપની ઉભી કરીને મોટી રકમનું વળતર આપવાનુ કહીને લોકોને ફસાવ્યા'તા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૧૮: ર૦૦ થી વધુ રોકાણકારોના રૃા. ર.૩૭ કરોડ ચાઉં કરનાર ૩ આરોપી સામે જામજોધપુર પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.

જામનગર જામજોધપુરમાં રહેતા હિમાંશુ ચંદુલાલ મહેતા ઉ.વ. ૪૩ એ ફરીયાદી નોંધાવી છે કે, એપ્રીલર૦૧૯ થી આજ દિન સુધી આ કામેના આરોપીઓ ભાવેશ પ્રવિણચંદ્ર મહેતા, નિઝાર સદરૃદીન ખોજા, દોલતભાઈ દેવાનદાસ આહુજા તથા તેના સાથે સંકળાયેલા ઈસમોએ એચ.યુ.એફ. પેઢી તથા તન્જીલા ટ્રેડીંગ કંપની ઉભી કરી માર્કેટમાં સારૃ એવું જ્ઞાન હોય તેવું જણાવી રોકાણકારોને સારૃ વળતર જેમાં દર મહિને ત્રણ થી સાડા ચાર ટકા જેટલું ચોકકસ વળતર આપવાની ખાત્રી અને વિશ્વાસ આપી રોકાણ કરાવ્યુ હતુ.

લોકોને વિશ્વાસ આપી રોકાણકારોએ કરેલ રોકાણ અંગેનું સ્ટેમ્પ પેપર પર લખાણ કરી ચેકો લખી આપી રોકાણ કરાતા લોકોને પૈસા રોકવાની સ્કીમો ચલાવી બીજા રોકાણકારોને નાણા રોકવા માટે પ્રેરવા સારૃ આકર્ષક સ્કીમો આપી પ્રસિઘ્ધી કરતા ફરીયાદીએ પોતાના તથા પરિચિતોની રકમ મળી કુલ રૃા. ર,૩૭,પ૦,૦૦૦ (બે કરોડ સાડત્રીસ લાખ પચ્ચાસ હજાર) તદઉપરાંત ર૦૦ થી વધુ વ્યકિતઓએ આ સ્કીમમાં રકમનું રોકાણ કરતા જે રોકાણ કરેલ રકમ કે તે રકમનું વળતર પરત ન આપી આરોપીઓએ પોતાના અંગત ઉપયોગમાં વાપરી નાખી ઓળવી જઈ ફરીયાદી તથા રોકાણ કરેલ રોકાણકારો સાથે વિશ્વાસઘાત અને છેતરપીંડી કરી તમામ આરોપીઓએ પૂર્વઆયોજીત કાવત્રુ રચી એકબીજાને મદદગારી કરી ગુન્હો કરેલ છે જેથી પોલીસે ૧ર૦બી, ૪૦૬, ૪ર૦, ૧૧૪ તથા ગુજરાત પ્રોટેકશન ઓફ ઈન્ટરેસ્ટ ઓફ ડીપોઝીટ (ઈન ફાયનાન્સીયલ ઈસ્ટેબ્લીશમેન્ટસ) એકટ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

(4:41 pm IST)