રાજકોટ
News of Wednesday, 18th May 2022

રાજીવનગરના ઇલાબેન બારોટ સાથે ભાભી અને ભાભીના ભાઇની ૧.૭૦ લાખની છેતરપીંડી

નણંદને વિશ્વાસમાં લઇ બેંકનું એટીએમ કાર્ડ મેળવી નાણા ઉપાડી લીધાઃ ભાભી મીરા રાઠોડ અને તેના ભાઇ ભાવીન જોબનપુત્રા વિરૃધ્ધ ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૧૮: બજરંગવાડી રાજીવનગરમાં રહેતાં બારોટ મહિલાને છેતરી તેના જ ભાભી અને ભાભીના ભાઇએ મળી બેંકનું એટીએમ કાર્ડ વિશ્વાસમાં લઇ મેળવી લઇ ખાતામાંથી રૃા. ૧,૭૦,૦૦૦ ઉપાડી લઇ ઠગાઇ કરતાં ગુનો દાખલ થયો છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે બજરંગવાડી રાજીવનગર-૯માં ચામુંડા કૃપા ખાતે રહેતાં ઇલાબેન જગદીશભાઇ બારોટ (ઉ.વ.૪૨)ની ફરિયાદ પરથી રાજકોટના રતનપરના રહેતાં તેણીના ભાભી મીરા સંજય રાઠોડ અને ભાભીના ભાઇ ભાવીન પ્રવિણભાઇ જોબનપુત્રા વિરૃધ્ધ આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ રૃા. ૧.૭૦ લાખની ઠગાઇનો ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ઇલાબેન બારોટે પોલીસને જણાવ્યું છે કે હું મારી ચાર દિકરીઓ અને એક દિકરા સાથે રહી ઘરકામ કરી ગુજરાન ચલાવુ છું. મારા પતિ થોડો સમય અમદાવાદ અને થોડો સમય રાજકોટમાં રહે છે અને તે કંઇ કામ કરતાં નથી. મારા નામનું બેંક એકાઉન્ટ રાજકોટ નાગરિક બેંકમાં છે. મારા ભાભી મીરા રાઠોડ (બારોટ) અગાઉ બજરંગવાડીમાં રહેતાં હતાં અને મારા ઘરે આવવા જવાનો સ઼બંધ હોઇ અમે સાથે હરવા-ફરવા જતાં હતાં. મેં બેંકમાં ખાતુ ખોલાવ્યું તે સમયે મારા ભાભી મીરા રાઠોડ મારી સાથે આવ્યા હતાં અને બેંકનું એટીએમ કાર્ડ આવ્યું ત્યારે મેં તેને એકટીવેટ કરાવવા માટે પણ આપ્યું હતું.

ગત તા. ૧૩/૧ના રોજ મારો વીવો કંપનીનો મોબાઇલ ઘરમાંથી ગૂમ થયો હતો. આ ફોનના સિમકાર્ડનો નબર મારા બેંક ખાતા સાથે કનેકટ હતો. તા. ૨૪/૩ના રોજ હું મારા ઘરે હતી ત્યારે એક બહેન આવ્યા હતાં અને તેની પાસે મારો નાગરિક બેંકના ખાતાનો ચેક હોઇ તે બાબતે મેં પુછતાં તેણીએ કહેલું કે તમારા ભાભી મીરા રાઠોડ મારી પાસેથી ઉછીની રકમ લઇ ગયા છે અને તેની સિકયુરીટી પેટે મને આ ચેક આપ્યો છે. આ પછી હું નાગરિક બેંકે  ગઇ હતી અને મારા ખાતાની માહિતી માંગતા મારા ખાતામાં રૃા. ૧,૭૨,૦૦૦ હતાં તેમાંથી ૧,૭૦,૦૦૦ ઉપાડી લેવાયાની જાણ થઇ હતી. આ રકમ મારા ભાભી મીરા રાઠોડે ઉપાડી લીધાની શંકા હોઇ મેં અગાઉ અરજી આપી હતી.

આ પછી તપાસ થતાં ખબર પડી હતી કે મારા ભાભી મીરા રાઠોડે મને વિશ્વાસમાં લઇ મારું એટીએમ કાર્ડ મેળવી તેના ભાઇ ભાવીન પ્રવિણભાઇ જોબનપુત્રા સાથે મળી મારા ખાતામાંથી ૧,૭૦,૦૦૦ ઉપાડી લઇ મારી સાથે છેતરપીંડી કરી છે. આથી મેં ફરિયાદ નોંધાવી હતી. પીઆઇ જી. એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ જે. જી. રાણા, હીરાભાઇ રબારી સહિતે વિશેષ તપાસ હાથ ધરી છે.

(3:43 pm IST)