રાજકોટ
News of Wednesday, 18th May 2022

શાસ્ત્રી મેદાનનું દિવાલનું કામ પૂર્ણતાના આરે : મેદાનમાં ઉભી રહેતી ખાનગી બસો સામે હવે કાર્યવાહી : દિવાલ બન્યે મેદાન સીલ કરી દેવાશે

મેદાન ડેવલપ અંગે આખો પ્લાન તૈયાર : ચિલ્ડ્રન પાર્ક - વોકીંગ - રનીંગ પાર્ક - મીની થિયેટર સહિતની સુવિધા માટે મંજૂરીની જોવાતી રાહ

રાજકોટ તા. ૧૮ : શહેરના વિકાસ કામોને વધુ વેગવાન કરવાની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. જે અંતર્ગત કલેકટર તંત્ર હસ્તકના શાસ્ત્રી મેદાનમાં પણ બ્યુટી ફીકેશન - ડેવલોપમેન્ટ કરાશેનું આજે કલેકટર અરૃણ મહેશ બાબુએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

કલેકટર અરૃણ મહેશ બાબુએ શાસ્ત્રી મેદાન અંગેના પ્લાનની વિસ્તૃત માહિતી આપતા જણાવેલ કે, શહેરના હાર્દસમા આવેલ શાસ્ત્રી મેદાન ફરતે દીવાલ ચણવાની કામગીરી મોટા ભાગની પુરી થઇ ગઇ છે. બાકીનું કાર્ય પણ આર એન્ડ બી વિભાગ દ્વારા ચાલી રહ્યું છે. દિવાલના કામ બાદ ગ્રાન્ટ આવ્યે ટેન્ડર પ્રક્રિયા દ્વારા ડેવલોપમેન્ટ શરૃ કરાશે, તેમજ ફરતી દિવાલ થયે મેદાનમાં કચરો - પ્રદૂષણ - દબાણ ન થાય તે માટે મેદાન સીલ કરી દેવાશે.

વધુમાં કલેકટરે પ્લાન અંગે જણાવેલ કે, અંદરના ભાગે ચિલ્ડ્રન પ્લે એરીયા, વોકીંગ ટ્રેક, રનીંગ ટ્રેક અને નાના કાર્યક્રમો માટે ઓડીટોરીયમ પણ નિર્માણ કરવામાં આવશે. ઉપરાંત વિવિધ ફુલ-છોડ પણ ઉછેરવામાં આવશે.

અંતમાં તેમણે જણાવેલ કે, હાલ શાસ્ત્રી મેદાનમાં જે ખાનગી ટ્રાવેલ્સની બસો અને અન્ય ખાનગી વાહનો પાર્ક કરવામાં આવે છે તેને ખસેડવામાં આવશે અને જરૃર પડયે તેમની સામે પગલા પણ લેવામાં આવશે. દિવાલનું કામ પૂર્ણ થયા બાદ શાસ્ત્રી મેદાનમાં દરવાજા નાખી તેમાં તાળા મારી બંધ કરી દેવામાં આવશે.

શહેરવાસીઓને આ વર્ષના અંતે અથવા આવતા વર્ષમાં વધુ એક ફરવાનું સ્થળ મળશે તે નક્કી છે.

(3:35 pm IST)