રાજકોટ
News of Wednesday, 18th May 2022

ચેક રિટર્નની ફરિયાદમાં ક્રેડીટ સોસાયટીના ચેરમેન કોર્ટમાં હાજર નહિ રહેતા વોરંટ નીકળ્યુ

રાજકોટ,તા. ૧૮ : શાસ્ત્રીનગર (અજમેરા)માં રહેતા અને ઘરકામ કરી કુટુબનું ગુજરાન ચલાવતા વર્ષાબેન મુકેશભાઇ રાઠોડના રૃા. ૮૦,૪૫૭ની લેણી રકમ પેટે ક્રેડીટ સોસાયટીના ચેરમેન કપિલ ચુનીલાલ વંકાણીએ આપેલ ચેક પાછો ફરતા કોર્ટમાં ફરિયાદ થતા કોર્ટે ફરિયાદની ગંભીરતાથી લઇને આરોપી સામે વોરંટ કાઢેલ છે.

આ બનાવની વિગત એવી છે કે, શાસ્ત્રીનગરમાં રહેતા વર્ષાબેને શ્રીમાં ક્રેડીટ કો.-ઓ. સોસાયટી લી (મંડળી) રાજકોટ મંડળીમાં ડીપોઝીટમાં રૃા. ૫૪,૦૦૦, ૩૦૦૦, ૩૨૧૦ ની ફીક્ષ ડીપોઝીટો મળી કુલ રકમ રૃા. ૬૦,૨૧૦ મુકેલ તેમજ મંડળીમાં સેવિંગ ખાતામાં રૃા. ૨૦,૨૪૭ જમા હતા. જે મળી કુલ રકમ રૃા. ૮૦,૪૨૭/ લેણી રકમ નીકળતા. ચેરમેન પાસે રકમ માંગતા ચેરમેન કપિલ વંકાણી દ્વારા અલગ અલગ કોરા કાગળો ઉપર સહીઓ લીધેલ અને ઓછી રકમનો મંડળીના બદલે પોતાના પર્સનલ ખાતાના રૃો ૩૮૨૧૦ નેટ ચેક આપેલ. તે ચેક ફરિયાદીએ બેંકમાં નાખતા તે ચેક પરત ફરેલ છે.

વર્ષાબેન વતી વિશાલ જે.ગોસાઇએ કોર્ટમાં એવી રજુઆત કરેલ છે કે, મંડળીના દેણા પેટેની ચુકવણી પેટે આરોપીએ પર્સનલ ચેક આપેલ છે જે કાયદાના વિરૃધ્ધનો છે, તેમજ મંડળીનો ચેક આપેલ નથી અને મંડળી વતી ઓછા રૃપિયાનો ચેક આપેલ છે. કોર્ટે ફરિયાદને ગંભીરતાથી લઇને આરોપી વિરૃધ્ધ સમન્સ કાઢેલ. આરોપી હાજર ના રહેતા કોર્ટે આરોપી સામે વોરંટ કાઢવાનો હુકમ કરેલ છે.ફરિયાદી વર્ષાબેન વતી ધારાશાસ્ત્રી વિશાલ જે. ગોસાઇ રોકાયેલ હતા.

(3:28 pm IST)