રાજકોટ
News of Wednesday, 18th May 2022

ખેતરની ઓરડીમાં પાણી છાંટવા બાબતે હુમલો કરવાના ગુનામાં આરોપીને દોષિત ઠરાવતી કોર્ટ

દોષિત ઠરાવ્યા બાદ આરોપીને પ્રોબેશનનો લાભ અપાયો

રાજકોટ, તા. ૧૮ : ખેતરની ઓરડી ઉપર પાણી છાંટવા બાબતે મારામારી કરી પાઇપથી હુમલો કર્યાના ગુનામાં કોર્ટે મનુભાઈ કેશાભાઈ સોલંકી (રહે. વિજયનગર, શેરી નં.૧૦/૮નો ખૂણો, ભાવનગર રોડ)ને દોષિત ઠરાવ્યો છે.

આ કેસની હકીકત એવી છે કે, તા.૫/૭/૨૦૧૧ના રોજ ફરિયાદી રામજીભાઈ પોતાના ખેતરે ઓરડી ઉપર પાણી છાંટતા હતા તે સમયે આરોપીઓ ત્યાં આવેલા અને અમારા ખેતરમાં ઓરડી પર કેમ પાણી છાંટે છે? તેમ કહી બોલાચાલી કરેલી, ફરિયાદીએ કહ્યું કે ખેતર તમારું હોય તો કાગળિયા બતાવો. એટલું કહેતા જ ઉશ્કેરાયેલા આરોપીઓએ મારામારી કરેલી, પાઇપથી હુમલો કરતા ફરિયાદીને હાથમાં ફેકચર થઈ ગયું હતું. કુવાડવા પોલીસ સ્ટેશને રામજીભાઈએ આરોપી મનુ સોલંકી અને રાજેશ્વર ઉર્ફે લાલો મનુ સોલંકી સામે એક બીજાએ મદદગારી કરી માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ બાદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું.

આ કેસ ચાલવા ઉપર આવતા બન્ને પક્ષોએ દલીલો કરેલી. ફરિયાદી પક્ષે નિઃશંકપણે ફરિયાદ પુરવાર કરી હતી. ન્યાયમૂર્તિ એચ.એમ. પવારે બન્ને પક્ષની દલીલો ધ્યાને લઇ આરોપી મનુ સોલંકીને તકસીરવાર ઠરાવ્યો હતો. ઉપરાંત એક વર્ષના સમય ગાળા માટે રૃ.૨૦ હજારના જામીન અને તેટલી જ રકમન જાત મુચરકા રજૂ કર્યે અને પ્રોબેશનનો લાભ આપ્યો હતો પરંતુ આ સમયગાળામાં સુલેહ શાંતિ જાળવી રાખવા હુકમ કર્યો છે જો હુકમની અવગણના કરે તો ૬ માસની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.

આ કામે સરકાર તરફે સરકારી વકીલ બિનલબેન એ. રવેશીયા તેમજ મૂળ ફરિયાદી તરફે શ્વેતાબેન પરમાર રોકાયેલ હતા.

(3:16 pm IST)