રાજકોટ
News of Wednesday, 18th May 2022

બિલ્‍ડીંગ મટીરીયલ્‍સના વેપારી સામેલોધીકા કોર્ટમાં થયેલ ફોજદારી ફરિયાદ

રાજકોટ તા. ૧૮: કાલાવડ રોડ પર મેટોડા ખાતે ગોહીલરાજ પેટ્રોલીયમ ધરાવતા અનિરૂધ્‍ધસિંહ ભીખુભા ગોહીલએ શ્‍યામ એન્‍ટરપ્રાઇઝના રમેશભાઇ ખીમાણીયા તથા માધવ ઇન્‍ફાસ્‍ટ્રકચરના ભાનુભાઇ ખીમાણીયા સામે ચેક રીર્ટન થતા ફોજદારી ફરીયાદ લોધીકા અદાલતમાં દાખલ કરેલ છે અને અદાલત દ્વારા સદરહું ફરિયાદ રજીસ્‍ટરે લઇ આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.

આ ફરીયાદની હકીકત એવી છે કે ફરીયાદી મેટોડા ખાતે ગોહીલરાજ પેટ્રોલીયમના નામે પેટ્રોલ પંપ ધરાવે છે અને આ કામે રમેશભાઇ ખીમાણીયા તથા ભાનુભાઇ ખીમાણીયા બિલ્‍ડીંગ મટીરીયલ અને વોટર સપ્‍લાયનું કામકાજ મુકામ વિરડા વાજડી, તા. લોધીકા ખાતે કરતા હોય ફરીયાદીના પેટ્રોલ પંપેથી જુદા જુદા વાહનોમાં નિયમીત રીતે પેટ્રોલ તથા ડિઝલ પુરાવતા હતા અને જે અંગે લાખો રૂપિયાનો હિસાબ બાકી હોય ફરીયાદીએ આ કામના આરોપીઓ પાસે હિસાબ મુજબની રકમની માંગણી કરતા આરોપીઓએ રૂા. ૪૩,૪૦,૧૬પ/- તથા રૂા. ૭,૦૧,૩ર૪/- ના અલગ અલગ પેઢીના ચેકો ફરીયાદીને આપેલ હતા અને એવું વચન અને વિશ્‍વાસ આપેલ કે સદરહું ચેકો બેંકમાં અમારી સુચના મુજબ રજુ રાખશો એટલે તમારી લેણી નીકળતી રકમ મળી જશે.

આમ આરોપીની સુચના અનુસાર ચેક રજુ રાખતા સદરહું ચેક વસુલાત મેળવવા ફરીયાદીએ તેના બેંક એકાઉન્‍ટમાં રજુ રાખતા સદરહું ચેકો ‘‘ફંડસ ઇનસ્‍યફીસ્‍યન્‍ટ''ના કારણોસર પરત થયેલ. જે બાબતે આરોપીને રજીસ્‍ટર એ.ડી.થી લીગલ નોટીસ મોકલાવેલ હતી અને આરોપીએ ચેકોની રકમ ચુકવવા દરકાર ન કરતા આ કામના ફરીયાદીએ લોધીકાની કોર્ટમાં નેગોશ્‍યેબલ ઇન્‍સ્‍ટ્રુમેન્‍ટ એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ છે અને કોર્ટ દ્વારા કેસની ગંભીરતા અને ફરીયાદીની હકીકતને ધ્‍યાને રાખી ફોજદારી કેસ તરીકે રજીસ્‍ટરે લેવા હુકમ કરેલ છે. અને આગળની કાર્યવાહી કરવા હુકમ કરેલ છે.

આ કામમાં ફરીયાદી ગોહીલરાજ પેટ્રોલીયમના અનિરૂધ્‍ધસિંહ ભીખુભા ગોહીલ વતી યુવા એડવોકેટ ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, રવિરાજસિંહ જાડેજા, દીપ વ્‍યાસ, જયપાલસિંહ સોલંકી એડવોકેટ તરીકે રોકાયેલા છે.

(12:05 pm IST)