રાજકોટ
News of Wednesday, 18th May 2022

મોદીના કાર્યક્રમ માટે ઉત્‍સાહ, ર લાખની મેદનીનો લક્ષ્યાંક

વડાપ્રધાનને અનુરૂપ જાજરમાન કાર્યક્રમ કરવા પ્રદેશ પ્રમુખનો અનુરોધ : સ્‍ટેજ, પાર્કિંગ, ભોજન, સમીયાણો વગેરેની માહિતી મેળવી : રાજકોટમાં સંગઠનની બેઠકમાં પૂર્વ તૈયારીની સમીક્ષા કરતા પાટીલ : શહેર-જિલ્લાને લક્ષ્યાંક અપાયા


રાજકોટ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે સવારે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચતા શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, પ્રદેશ ઉપાધ્‍યક્ષ ભરત બોઘરા, મેયર પ્રદીપ ડવ, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ પ્રશાંત કોરાટ વગેરેએ સ્‍વાગત કર્યું હતું (તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)
રાજકોટ, તા. ૧૭ : ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ આજે અહીંની મુલાકાતે છે. સવારે સામાજિક પ્રસંગમાં હાજરી આપ્‍યા બાદ બપોરે  તેમણે સર્કીટ હાઉસ ખાતે રાજકોટ શહેર-જિલ્લા અને સૌરાષ્‍ટ્રના નજીકના જિલ્લાઓના મુખ્‍ય હોદ્દેદારો તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે બેઠક યોજેલ. જેમાં પાર્ટીએ વડાપ્રધાનના આટકોટના કાર્યક્રમ માટે બે લાખ લોકોને ભેગા કરવાનો લક્ષ્યાંક રાખી તેને અનુરૂપ વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી રહી છે. પાર્ટીના આયોજન મુજબ ઓછામાં ઓછા દોઢ થી બે લાખ લોકો ઉપસ્‍થિત રહે તેવી આશા છે. પ્રદેશ પ્રમુખ શ્રી પાટીલે કાર્યકરોને ઉત્‍સાહભેર તૈયારીઓ કરવા અને વડાપ્રધાનના કાર્યક્રમે છાજે તેવી સફળતા અપાવવા અનુરોધ કર્યો હતો.
આજની બેઠકનો મુખ્‍ય હેતુ વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીનો હતો. શ્રી નરેન્‍દ્રભાઇ મોદી તા. ર૮ મીએ આટકોટમાં પાટીદાર સમાજ દ્વારા બનાવાયેલ હોસ્‍પિટલના ઉદ્‌્‌ઘાટન માટે આવી રહ્યા છે. ઉદ્‌્‌ઘાટન નિમિત્તની તેમની સભામાં જંગી જનમેદની એકત્ર કરવાનો મુદ્દો આજની બેઠકમાં અગ્રક્રમે હતો. સંગઠનને જિલ્લાવાર લક્ષ્યાંક અપાયેલ છે. રાજકોટ શહેરનો ૧૦ હજાર અને જિલ્લાઓ રપ હજારનો લક્ષ્યાંક છે.  
મોરબી, રાજકોટ, બોટાદ, અમરેલી, સુરેન્‍દ્રનગર વગેરે જિલ્લાના આગેવાનોને બોલાવાયા હતા.
શ્રી પાટીલની હાજરીમાં યોજાયેલ બેઠકમાં શહેર-જિલ્લાના પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્‍યો, સાંસદો અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્‍થિત હતા.
શ્રી પાટીલે આગેવાનો પાસેથી સુચનો માગેલ તેમજ કાર્યક્રમને અનુરૂપ તૈયારીઓની માહિતી મેળવી હતી. તેમણે મંચ, પાર્કિંગ, સમીયાણો, ભોજન, પૂર્વ પ્રચાર વગેરે મુદ્દા ચર્ચામાં આવરી લઇ માર્ગદર્શન આપ્‍યું હતું.
રાજકોટ જિલ્લામાં લાંબા સમય બાદ વડાપ્રધાન આવી રહ્યા હોવાથી કાર્યક્રમને પ્રભાવી બનાવવા ભાજપ સંગઠન અને સમારંભના આયોજકો કાર્યરત છે. બેઠકમાં વડાપ્રધાનના કાર્યક્રમ ઉપરથી સંગઠન પેઇઝ પ્રમુખ સહિત ચૂંટણીમાં ઉપયોગી થઇ શકે તેવા અન્‍ય મુદ્દા પણ ચર્ચામાં આવ્‍યા હતા.  

 

(3:24 pm IST)