રાજકોટ
News of Thursday, 17th September 2020

કાલથી પવિત્ર પુરૂષોતમ મહિનાનો પ્રારંભ

મહિલાઓ દ્વારા શ્રી રાધાકૃષ્ણ ભગવાનની પૂજાનું મહત્વઃ કથા શ્રવણ જપ-તપ સહિતનાં ધાર્મિક કાર્યક્રમોનો મહિમાઃ શુભારંભ કાર્યક્રમોને બ્રેક

રાજકોટ તા.૧૭ :.. આજે છેલ્લુ શ્રાધ્ધ છે. આ સાથે શ્રાધ્ધા પક્ષ પુર્ણ થયો છે અને કાલે તા.૧૮ ને શુક્રવારથી પવિત્ર પુરૂષોતમ મહિનાનો પ્રારંભ થશે.

પુરૂષોતમ મહિનામાં મહિલાઓ સવાર-સાંજ સત્સંગ કરે છે અને શ્રી રાધાકૃષ્ણ ભગવાનની પુજાનું વિશેષ મહત્વ આ મહિનામાં છે. કથા શ્રવણ, જપ-તપ સહીતના કાર્યક્રમો શુભ કાર્યક્રમોને એક મહિનો બ્રેક લાગી જશે.

પરસોતમ મહિનો એ આમ જોવા જઇએ તો વિજ્ઞાનનો એક ભાગ છે. પૃથ્વી પોતાની ધરી પર પરીભ્રમણ કરે છે ત્યારે ૩૬પ દિવસ લે છે. જો ભારતીય કેલેન્ડર અનુસાર કારતકથી આસો મહિનાના દિવસો ૩૦-૩૦ લેખે હોય છે આ ઉપરાંત તીથી વધઘટમાં કેટલાક દિવસ જાય છે. બાકી રહેતા દિવસને એડજેસ્ટ કરવા દર ત્રણ વર્ષેે એક મહિનો ઉમેરવામાં આવે છે. આ મહીનો અધિક માસ કે પુરૂષોતમ માસ તરીકે ઓળખાય છે.

હિંદુ ધર્મ પ્રમાણે પુરૂષોતમ મહીનાને અતિ પવિત્ર માનવામાં આવે છે. આજે પણ ભારતના અનેક શહેરોમાં અને ગામડાઓમાં મહિલાઓ પુરૂષેતમ મહિનો કરે છે. આ દિવસોમાં સ્ત્રીઓ વહેલી સવારે ઉઠીને પવિત્ર જળથી સ્નાન કરીને વ્રત કરે છે. પુરૂષોતમ માસની કથા વાર્તા સાંભળે છે. એકટાણુ કરે છે. કોઇ પ્રદોષ કરે છે તો એક દિવસ એકટાણુ અને એક દિવસ ઉપવાસ કરે છે. રોજ બરોજ જપ કરે છે. યમ નિયમ પાળે છે. કયાંક ભજનનો મહિમા હોય છે. કયા કયાંક ભાગવતનો મહિમા હોય છે. તો કયાંક ગીતા વાંચન કે ગીતા સંદેશ પર પ્રવચનો હોય છે. આ મહિનામાં મુખ્યત્વે કર્મફળનો સંદેશ આપવામાં આવે છે બને એટલા સારા કર્મ કરવા પ્રેરે છે. આ મહિનામાં શ્રી હરી વિષ્ણુનો મહિમા ગવાય છે. વિષ્ણુની આરાધના થાય છે. કોઇ વિષ્ણુ સહસ્ત્ર નામનો નિત્ય પાઠ કે જાપ કરે છે. તો કોઇ વિષ્ણુ સહસ્ત્ર નામોનો નિત્ય પાઠ કે જાપ કરે છે તો કોઇ વિષ્ણુ મંત્રોનો જાપ કરે છે. મહિનાને અંતે યથાશકિત દાન-પુણ્ય કરીને ઉજવણી કરે છે. બ્રહ્મભોજન કરાવે છે.  વ્યકિત જીવનમાં કર્મ અનુસાર ફળની પ્રાપ્તી કરે છે. જો વ્યકિત સુખી કે દુઃખી હોય તો તેની પાછળ તેના સારા નરસા કર્મો જ જવાબદાર હોય છે. ભગવાન વિષ્ણુને કર્મના દેવતા તરીકે માનવામાં આવે છે. પુરૂષોતમ મહિનો એ કર્મફળનું મહત્વ રજૂ કરે છે. તેથી જ આ મહિનામાં વિષ્ણુની આરાધના વિશેષ રૂપે કરવામાં આવે છે.  અધિક માસ કે પછી પુરૂષોતમ માસમાં શાસ્ત્રો મુજબ શુભ કાર્ય વર્જિત થાય છે. પણ આ સંપૂર્ણ મહિનામાં દાન-પુણ્યની ખૂબ પરંપરા છે. વ્રત-ઉપવાસ પણ કરવામાં આવે છે. અને આખો માસ દેવ-દર્શનમાં વિતાવવાની સલાહ આપવામાં આવે છે. અધિક માસ જેને આપણે પુરૂષોતમ માસ પણ કહીએ છીએ એ ૧૭  સપ્ટેમ્બરથી શરૂ થઇ રહ્યો છે. અધિક માસના હિંદુ ધર્મમાં ખાસ કરીને વૈષ્ણવ સંપ્રદાયમાં ખૂબ મહત્વ છે. પુરૂષોતમ માસ કે અધિક માસ આમ તો ખગોળીય ઘટનાના આધાર પર મનાવવામાં આવે છે. ખગોળીય ગણના મુજબ દરેક ત્રીજા વર્ષે એક વર્ષમાં એક મહિનો વધુ હોય છે.

અધિક મહિનામાં કરેલા દાન -પુણ્યનું ફળ પણ અધિક મળે

રાજકોટ તા. ૧૭ :.. પુરૂષોતમ મહિનાને અધિક માસ પણ કહેવામાં આવે છે. જેથી આ મહિનામાં કરેલા દાન-પુણ્યનું ફળ પણ અધિક એટલે કે વધારે મળે છે.

પુરૂષોતમ માસમાં ભકિતભાવપૂર્વક ભાગવતપુરાણ સાંભળવાથી, બ્રહ્મહત્યા જેવા પાપોનો નાશ થાય છે. પિતૃગણ મોક્ષને પ્રાપ્ત કરે છે. તથા દરરોજ અશ્વમેઘ યજ્ઞ કર્યાનું ફળ મળે છે. નિષ્કામ ભાવે શ્રવણ કરવાથી જીવ મુકત બની જાય છે.

પુરૂષોતમ માસમાં ભાવિકો આખો માસ વ્રત કે ઉપવાસ કરે છે. જે લોકો આખો માસ ન રહી શકે તેઓ માત્ર પુનમ, એકાદશી, આઠમ કે અમાસના રોજ વ્રતનું પાલન કરે તો પણ વ્રતની પ્રાપ્તી કરી શકે છે. આ માસની બન્ને એકાદશી શ્રધ્ધાપૂર્વક કરવામાં આવે તો ભગવાન પુરૂષોતમની કૃપા અવશ્ય ઉતરે છે. અધિક માસના વ્રતને લીધે મન શુધ્ધિ તથા ચિત્ત શુધ્ધિ પણ થાય છે.

પુરૂષોતમ માસઃ ક્ષયતિથીઓના કારણે તહેવારો સમયસર આવે તે માટે જયોતિષ વ્યવસ્થા

રાજકોટ તા. ૧૭ :.. કાલથી પવિત્ર પુરૂષોતમ મહિનાનો પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે રાણસીકીના યુવા કથાકાર શાસ્ત્રી કૌશિકભાઇ ભટ્ટે  જણાવ્યુ હતું કે, આ પવિત્ર પુરૂષોતમ મહિનામાં ગોરપૂજન અને ગોર્વર્ધન પૂજા તથા શ્રી રાધાકૃષ્ણ ભગવાનની પૂજાનું વિશેષ મહત્વ છે.

પુરૂષોતમ મહિનો ત્રણ વર્ષે આવે છે. આ મહિનાની અંદર વિશેષ ઉપાસના, સત્સંગ, કથા શ્રવણનો વિશેષ મહિમા છે.

 આ મહિનામાં દાનનો પણ મહિમા છે. ગામડાઓમાં અને શહેરોમાં મહિલાઓ પૂજન, અર્ચન કરે છે. ત્રણ વર્ષ દરમિયાન જે ક્ષયતિથીઓ હોય છે તેનું એકત્રીકરણ કરીને આ મહિનામા તેના અંશ હોય છે તેથી આ મહિનામાં તમામ દિવસે દાન સહિતના કાર્ય માટે મહત્વપૂર્ણ છે. વધુમાં જણાવ્યુ કે હકિકતમાં પુરૂષોતમ મહિનોએ જયોતિષની આખી એક વ્યવસ્થા છે.

જે જે ક્ષયતિથીઓ આવતી હોયતેને એકત્ર કરીને એક મહિનો અલગથી આવે છે તહેવારો અને ઉત્સવો જે તે સમયે જ રહે તે માટે જયોતિષની એક વ્યવસ્થા છે.

(11:56 am IST)