રાજકોટ
News of Tuesday, 17th May 2022

ગુરુકુલના આંગણે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનના અમૃત મહોત્‍સવના ઉપક્રમે તા.૨૮,૨૯ના આયોજનઃઆધુનિક શિક્ષણ પુરૂ પાડવાના સંસ્‍થાના અભિયાનને વેગ અપાશે, રકતદાન કેમ્‍પ, વ્‍યસનમુકિત અભિયાન, નેત્રયજ્ઞ, ઓર્ગેનિક ખેતી વિષે માર્ગદર્શન આપશે

રાજકોટઃ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનના અમૃત મહોત્‍સવ ઉપક્રમે આગામી તા.૨૮-૨૯મે ના રોજ માતૃસંસ્‍થાનું ઋણ ચુકવવા ગુરુકુલના હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું મહાસંમેલન યોજાનાર છે. જેમાં ભારતીય સંસ્‍કારો સાથે આધુનિક શિક્ષક પુરૂં પાડવાના સંસ્‍થાના અભિયાનને વેગ આપશે હજારો હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, નિદાન કેમ્‍પ યોજાશે. ઓર્ગેનિક (પ્રાકૃતિક) ખેતી વિષયક માર્ગદર્શન આપશે.

આગેવાનોએ જણાવેલ કે ૧૯૪૭માં ભારત દેશના નાગરીકો ૧ હજાર વર્ષ પછી આઝાદીનો સૂર્યોદય જોઈ રહ્યા હતા. ત્‍યારે જ રાજકોટની પાવન ભૂમિમાં એક આર્ષદ્રષ્‍ટા મહાપુરૂષ પ.પૂ.શાષાીજી મહારાજ શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીએ ૨૧મી સદીને અનુકુળ હોય તેટલી આધુનિકતા અને સાથે ભારતીય સંસ્‍કૃતિના સંસ્‍કારો પણ જળવાઈ રહે તેવી સંસ્‍થાનો પાયો નાખ્‍યો. એ સંસ્‍થા એટલે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ પધ્‍ધતિથી જ શિક્ષણ આપવામાં આવતું હતું. પરંતુ કાળક્રમે અન્‍ય સંસ્‍કૃતિના આક્રમણથી આ વૈદિક સંસ્‍કૃતિ વિસરાઈ ગઈ અને ૨૫૦૦ વર્ષ બાદ સ્‍વામિનારાયણ સંપ્રદાયના એ મહાન સંતે ગુરુકુલની સ્‍થાપના કરી આપણી ભવ્‍ય ગુરુકુલ સંસ્‍કૃતિને પુનઃજીવિત કરી.

આજે શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ રાજકોટ સંસ્‍થાનને ભારતની આઝાદીની સાથે જ ૭૫ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે અને ડીસેમ્‍બર ૨૦૨૨માં સંસ્‍થાનો ભવ્‍ય અમૃત મહોત્‍સવ યોજાવા જઈ રહ્યો છે. ત્‍યારે આ સંસ્‍થા થકી જેઓનું જીવન ઉજજવળ બન્‍યું છે તેવા હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ સંસ્‍થાનું ઋણ ચુકવવા અને શાષાી શ્રી ધર્મજીવનદાસજી સ્‍વામીના વિરાટ વ્‍યકિતત્‍વને અંજલી અર્પણ કરવાનું બીડું ઝડપ્‍યું છે. જેના અનુસંધાને તા.૨૮-૨૯ મે ના હજારો ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાજકોટ ગુરુકુલ ખાતે પ.પૂ.ગુરુવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી તથા પ.પૂ.મહંત સ્‍વામી શ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામીના સાંનિધ્‍યમાં સંમેલન યોજાશે.

એક લાખથી વધુ વિદ્યાર્થીઓની ફોજ આ સંસ્‍થા દ્વારા તૈયાર કરી રાષ્‍ટ્રને અર્પણ કરવામાં આવી છે અને હાલ પણ ૫૦ શાખાઓમાં ૨૫ હજારથી વધુ વિદ્યાર્થીઓ વિદ્યા સાથે સદવિદ્યાના પાઠો ભણી રહ્યા છે.

સાથે સાથે સંસ્‍થા દ્વારા અનેક વિધ શૈક્ષણિક, સામાજીક, અને ધાર્મિક કાર્યો કરવામાં આવી રહયા છે. સંસ્‍થાના આ તમામ કાર્યોને વેગ મળે અને તેનો લાભ સમાજ અને રાષ્‍ટ્રને મળે તે માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ આ સંમેલનમાં ઉપસ્‍થિત રહી પોતાનું યોગદાન આપશે.

આ સંમેલનમાં રાજકોટ ગુરુકુલ તથા અન્‍ય શાખાના તમામ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ ઉપસ્‍થિત રહેવા વિદ્યાર્થીઓની આયોજન કમિટી દ્વારા અપીલ કરવામાં આવી છે. જે વિદ્યાર્થીઓ સંપર્કમાં ન હોય તેમણે આશિષભાઈ સાકરીયા મો.૯૮૨૪૨ ૮૫૫૦૦નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

તસ્‍વીરમાં સર્વશ્રી પ્રવિણ કાનાબાર, હરેશભાઈ સરધારા, હરપાલભાઈ છનિયારા અને આશીષ સાકરીયા નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)

(3:30 pm IST)