રાજકોટ
News of Tuesday, 17th May 2022

દેશી બનાવટની પીસ્‍ટલ અને કાર્ટીઝસાથે પકડાયેલ આરોપીનો છૂટકારો

રાજકોટ તા.૧૭: અત્રે દેશી બનાવટની પીસ્‍ટલ તથા કાર્ટીઝ સાથે પકડાયેલ આરોપીનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ છે.

આ કેસની હકીકત એવી છે કે સેલ્‍વીઝ કાંતિલાલ રામોલીયા, રહે. રાજકોટવાળાને ગાંધીગ્રામ પોલીસ સ્‍ટેશનના અધિકારીએ કોઇ લાયસન્‍સ આધાર વગર ગેરકાયદેસર  પોતાના કબજામાં દેશી બનાવટની લોખંડની પીસ્‍ટલ મેગઝીન વાળી તથા પીતળના ધાતુના આઠ કાર્ટીઝ સાથે મળી આવતા અટક કરી આર્મ્‍સ એકટની કલમ-રપ(૧-બી)એ ૨૯ મુજબનો ગુન્‍હો દાખલ કરેલ.

આ કામમાં તમામ પોલીસ અધિકારી તથા પંચો વિગેરેને પ્રોસીક્‍યુશન દ્વારા તપાસવામાં આવેલ પરંતુ ફરીયાદ પક્ષ તરફે રજુ થયેલ તમામ મોૈખિક તથા દસ્‍તાવેજી પુરાવો જોતા સ્‍ટેશન ડાયરીમાં મેન્‍ડેટરી જોગવાઇ મુજબ જરૂરી નોંધ કરી હોય તેવું રેકર્ડ ઉપર આવેલ નથી તેમજ સ્‍ટેશન ડાયરીમાં નોંધ કરેલ નથી. બાતમીદારનું નામ જણાવેલ નથી. કોઇ સ્‍વતંત્ર સાહેદોના નિવેદનો લેવામાં આવેલ નથી. મુદ્દામાલ પીસ્‍ટલ ઉપર ખરેખર ફીગર પ્રીન્‍ટ આરોપીની હતી કે અન્‍ય કોઇની હતી તેવું પુરાવો જોતા સ્‍પષ્‍ટ થતું નથી.  ફરીયાદી તથા તપાસ કરનાર તરીકે એક જ વ્‍યકિત છે તે પણ તપાસ દુષીત થાય છે, પીસ્‍ટલ તથા કાર્ટીઝ કબજે થયેલ છે તે અંગેના સમર્થનમાં જરૂરી પંચોનો પુરાવો રેકર્ડ ઉપર આવી શકેલ નથી, ફકત પોલીસ સાહેદોની જુબાની ઉપર આધાર રાખી શકાય નહીં. મુદ્દામાલ પીસ્‍ટલ તથા કાર્ટીઝ સાથે આરોપીને અટક કરેલ છે તે હકીકત પણ શંકાસ્‍પદ છે. ફરિયાદ પક્ષે જિલ્લા મેજીસ્‍ટ્રેટની પૂર્વ મંજુરી લીધેલ નથી તે સંજોગોમાં આરોપી સામે ગુન્‍હો પુરવાર થતો ન હોય આરોપીને સજા થઇ શકે નહી તેવુ ઠરાવી એડી.ચીફ જયુડી.મેજી.સાહેબશ્રી રાજકોટના એ આરોપી સેલ્‍વીઝ કાંતિલાલ રામોલીયાને આર્મ્‍સ એકટની કલમ-૨૫(૧-બી) એ.૨૯ મુજબ ગુન્‍હામાં નિર્દોષ ઠરાવી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં સેલ્‍વીઝ કાંતિલાલ રામોલીયા  વતી રાજકોટના એડવોકેટ રાજેશ કે. દલ, નિલેશ આર. શેઠ, શ્‍યામલ જી. રાઠોડ, આકાશ એમ. ચોૈહાણ તથા ખ્‍યાતીબેન કે. દાવડા રોકાયેલા હતાં.

(3:11 pm IST)