રાજકોટ
News of Tuesday, 17th May 2022

ગત વર્ષે મનપામાં સૌથી વધુ ૬ હજાર લગ્ન નોંધણી

મ્‍યુ.કોર્પોરેશનનાં ચોપડે વર્ષ ૨૦૦૮થી ૨૦૨૧ સુધીમાં ૬૨,૬૯૫ લગ્ન નોંધાયાઃ જાન્‍યુઆરીથી મે ૨૦૨૨ સુધીમાં ૩૦૭૭ રજીસ્‍ટ્રેશન થયુ : ૨૦૨૦ એપ્રિલ-મે માસમાં શુન્‍યઃ દોઢ વર્ષમાં રૂા. ૪૭ લાખની આવક

રાજકોટ તા. ૧૭ : કાયદાકીય આધાર પુરાવા માટે લગ્નની નોંધણી જરૂરી હોય અને આ અંગે લોકોમાં જાગૃતિ આવી હોય વીસ - ત્રીસ વર્ષ પહેલા લગ્ન કરનારા તે નોંધાવવાનું ટાળતા તેના બદલે હવે લગ્ન નોંધણી લગ્ન પછી થોડા દિવસમાં જ કરાવી લેવાતી હોય છે ત્‍યારે રાજકોટ મ્‍યુ. કોર્પોરેશનનાં લગ્ન નોંધણી વિભાગમાં વર્ષ ૨૦૦૮ થી ૨૦૨૧ સુધીમાં ૬૨,૬૯૫ લગ્ન નોંધણી થવા પામી છે. જ્‍યારે વર્ષ ૨૦૨૧ એટલે કે ગત વર્ષે સૌથી વધુ ૬ હજાર લગ્ન નોંધાયા હતા.
આ અંગે મનપાના આરોગ્‍ય શાખાના લગ્ન નોંધણી વિભાગના ચોપડે વર્ષ ૨૦૦૮થી ૨૦૨૧ સુધીમાં ૬૨,૬૯૫ લગ્ન નોંધણી થઇ છે. જેમાં સૌથી વધુ વર્ષ ૨૦૨૧માં ૬૩૨૦ લગ્ન નોંધાતા તંત્રને રૂા. ૩,૧૨,૩૨૦ની આવક થવા પામી છે. થોડા વર્ષોથી લોકોમાં જાગૃતિ આવતા લગ્ન નોંધણી વિભાગમાં દરરોજ નવદંપતીઓ અને લોકોની લાઇનો જોવા મળી રહી છે. રોજ ૬૦ થી ૭૦ લગ્નોની નોંધ થાય છે. જેમાં સોગંદનામા સહિત ૧૨ દસ્‍તાવેજો જરૂરી હોય છે. એક અરજદારને લગ્ન સર્ટીફીકેટની ૩ કોપી મળી છે. વર્ષ ૨૦૨૧માં કુલ ૬૩૨૦ લગ્ન નોંધણી કરવામાં આવી છે. જેમાં જાન્‍યુઆરીમાં ૭૧૮, ફેબ્રુઆરીમાં ૬૭૦, માર્ચમાં ૭૮૫, એપ્રિલમાં ૩૦૨, મે ૨૩૧, જુનમાં ૫૯૪, જુલાઇમાં ૬૨૭, ઓગસ્‍ટ ૫૮૪, સપ્‍ટેમ્‍બર ૪૨૧, ઓકટોબર ૪૨૭, નવેમ્‍બરમાં ૩૦૯ તથા ડિસેમ્‍બરમાં ૬૫૨ લગ્ન નોંધાયા છે.
તંત્રને વર્ષ ૨૦૨૧ તથા ૨૦૨૨ એપ્રિલ સુધીમાં ૯૩૯૭ નોંધણી થતાં તંત્રને રૂા. ૪૭ લાખની આવક થવા પામી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવતા સરકારે લોકડાઉન સહિતના પગલા ઉઠાવ્‍યા હતા. દરમિયાન આ સમયગાળામાં એટલે કે વર્ષ ૨૦૨૦ એપ્રિલ અને મે માસમાં એક પણ લગ્ન નોંધાયા નથી.
ઓનલાઇન લગ્ન નોંધણીની તજવીજ
રાજકોટ : મહાપાલિકાએ બજેટમાં બે વર્ષ પહેલા જોગવાઇ કરી, જાહેરાત કરી અને મનપાનો કોમ્‍પ્‍યુટર વિભાગ આ માટે પૂરતો સજ્જ છતાં હજુ સુધી લગ્ન નોંધણી ઓનલાઇન નહીં કરાતા શહેરમાં સેંકડો દંપતિઓએ લગ્ન નોંધણી પ્રમાણપત્ર માટે ભારે પરેશાની વેઠવી પડે છે. હવે રાજ્‍ય સરકાર દ્વારા જન્‍મ - મરણ નોંધણીની જેમ રાજ્‍યભરમાં લગ્ન નોંધણી ઓનલાઇન માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના પગલે મનપાએ આ એકમાત્ર સર્વિસ ઓનલાઇન કરવાનું માંડી વાળ્‍યું છે.  

 

(2:57 pm IST)