રાજકોટ
News of Tuesday, 17th May 2022

હરીપર પાળ પાસે પ્‍લાસ્‍ટીકના કારખાનામાં ભીષણ આગઃ ર કરોડનું નુકશાન

કારખાનાના શેડમાં લાગેલી આગમાં મશીનરી, ૬પ ટન પ્‍લાસ્‍ટીકનો કાચો માલ તથા શેડ બળીને ખાકઃ ૬ કલાક બાદ આગ કાબુમાં આવીઃ શોટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ

રાજકોટ તા. ૧૬ :.. કાલાવડ રોડ પર હરીપર પાળ પાસે આવેલ ‘શીવ પ્‍લાસ્‍ટીક ઇન્‍ડસ્‍ટ્રીઝ' નામના કારખાનામાં ભીષણ આગ લાગતા નાસભાગ મચી ગઇ હતી. જાણ થતા ફાયર બ્રિગેડ સ્‍ટાફે તાકીદે ઘટના સ્‍થળે પહોંચી છ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.

મળતી વિગત મુજબ કાલાવડ રોડ પર આવેલા હરીપર પાળ ગામ પાસે આવેલા ‘શિવ પ્‍લાસ્‍ટીક' નામના કારખાનામાં રાત્રે એકાએક આગ લાગતા કારખાનામાં કામ કરતા કર્મચારીઓમાં નાસભાગ મચી ગઇ હતી. બાદ કારખાનાનાં એક કર્મચારીએ તાકીદે જાણ કરતા કારખાનાના માલીક હિતેશભાઇ પરમાર (રહે. ઇન્‍દીરા સર્કલ પાસે) તાકીદે સ્‍થળ પર પહોંચી ગયા હતાં. આગ બુઝાવવા માટે કારખાનાના કર્મચારીઓએ ફાયર સેફટીના સાધનો મારફતે આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આગે વિકરાળ સ્‍વરૂપ ધારણ કરતા કારખાનાના માલીક હિતેશભાઇએ રાજકોટ અને મેટોડા ફાયર બ્રિગેડમાં જાણ કરતા રાજકોટ ફાયર બ્રિગેડનો સ્‍ટાફ ત્રણ ફાયર ફાઇટર સાથે ઘટના સ્‍થળે પહોંચી પાણી અને ફોર્મનો મારો ચલાવી છ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. આગમાં મેટોડા જીઆઇડીસી ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી.

આગ કારખાનાના શેડમાં લાગી હતી. તેમાં પડેલ પ્‍લાસ્‍ટીકની શીટ બનાવવાનું મશીન તેમજ બાજુમાં ૬પ ટન જેટલો પ્‍લાસ્‍ટીકનો કાચો માલ બળીને ખાક થઇ ગયો હતો. આગના લીધે શેડ તથા દીવાલોમાં પણ નુકસાની થઇ હતી. કારખાનામાં શોટ સર્કિટ થવાના લીધે આગ લાગી હોવાનું અને તેમાં અંદાજે બે કરોડનું નુકસાન થયુ હોવાનું કારખાનાના માલીકે જણાવ્‍યું હતું જો કે આ બનાવમાં કોઇ જાનહાની થઇ નથી. આ બનાવની લોધીકા પોલીસને પણ જાણ કરવામાં આવી હતી.

(11:29 am IST)