રાજકોટ
News of Saturday, 16th October 2021

અમુલ સર્કલ પાસે પાનના ધંધાર્થી ઘોઘાને બે શખ્સે છરી ઝીંકીઃ રોકડ લૂંટ્યાનો આક્ષેપ

લક્કીરાજ ફાર્મ પાછળ રહેતો યુવાન રાતે પાન-બીડીનો માલ લઇ જતો'તો ત્યારે બનાવઃ હુમલાખોરમાં એક ચુનારાવાડનો કાળુ હોવાનું લોકોએ કહ્યું

રાજકોટ તા. ૧૬: રાજકોટ ભાવનગર હાઇવે પર મહિકા પાટીયા નજીક લક્કીરાજ ફાર્મ પાછળ રહેતાં અને આજીડેમ ચોકડી નજીક પાનની દૂકાન ચલાવતાં ઘોઘા ઉર્ફ ઘનશ્યામ નાથાભાઇ જેસાણી (કોળી) (ઉ.૩૦)ને રાતે આજીડેમ ચોકડી અમુલ સર્કલથી ચુનારાવાડ તરફ જતાં રોડ પર બે શખ્સે માર મારી આંખ નીચે છરી જેવા હથીયારથી ઇજા કરી તેની પાસેની રોકડ પડાવી લેતાં સારવાર માટે દાખલ થયો છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે આ અંગે થોરાળા પોલીસને જાણ કરી હતી. ઘનશ્યામ ઉર્ફ ઘોઘાએ કહ્યું હતું કે હું મારી દૂકાનનો પાન બીડીનો માલ લેવા ભાવનગર રોડ પર આવ્યો હતો. પરત ઘર તરફ જતો હતો ત્યારે અમુલ સર્કલ પાસે મારા એકટીવા સાથે બીજુ એકટીવા અથડાયું હતું. તેના પર બેઠેલા બે શખ્સે મને ગાળો દેતાં તેને ગાળો બોલવાની ના પાડતાં મને સાઇડમાં લઇ ગયા હતાં. બંનેએ નશો કર્યો હોય તેવું લાગતું હતું. બીજા લોકો પણ ત્યાં ઉભા હોઇ મને જતાં રહેવા કહેતાં હું ભાગવા જતાં એક શખ્સે છરીથી હુમલો કરી ઇજા કરી પછાડી દીધો હતો. મારી પાસે વકરાના ૩૬ હજાર રોકડા હતાં એ રકમ આ બંને લૂંટીને ભાગી ગયા હતાં.

એ પછી કોઇએ ૧૦૮ બોલાવતાં મને હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં એકઠા થયેલા લોકોમાંથી કોઇએ કહ્યું હતું કે બે હુમલાખોર પૈકી એક ચુનારાવાડનો કાળુ કોળી હતો. તે અવાર-નવાર દારૂ પી ખેલ કરતો રહે છે. થોરાળા પોલીસે આક્ષેપો અંગે તપાસ હાથ ધરી છે.

(4:16 pm IST)