રાજકોટ
News of Saturday, 16th October 2021

રાજકોટથી સુંધામાતા (રાજસ્થાન) સુધી ડાયરેકટ એસ.ટી. સેવાનો પ્રારંભ

૫૧૦ કિ.મી.નો રૂટ : પ્રથમ દિવસે જ ફટાફટ ૫૦ % નું બુકીંગ : લોહાણા અને સુથાર સમાજમાં અનેરી ખુશી

રાજકોટ તા. ૧૬ : રાજસ્થાનના સુપ્રસિધ્ધ યાત્રાધામ શ્રી સુંધામાતા સુધી રાજકોટથી સીધી  એસ.ટી. બસ સેવાનો દશેરાથી પ્રારંભ કરવામાં આવેલ છે.

ઉલ્લેખનીય છે કે લોહાણા જ્ઞાતિના ગણાત્રા પરિવારના કુળદેવી શ્રી સુંધામાતાનું આ ધામ ઉદયપુર, નાથદ્વારાની જેમ જ સુપ્રસિધ્ધ મનાય છે.  સુથાર સમાજ પણ આ માતાજી ઉપર અપાર શ્રધ્ધા ધરાવતો હોય છે. ગુજરાતના રાજકોટથી ડાયરેકટ સુંધામાતા ધામ સુધી બસ સેવા શરૂ થવાથી લોહાણા, સુથાર સમાજના લોકોમાં અનેરા આનંદની લાગણી પ્રસરી છે.

દશેરાના દિવસે ૧૯.૩૦ કલાકે રાજકોટથી આ બસને લીલી ઝંડી અપાઇ હતી. લીંમડી, અમદાવાદ, મહેસાણા હાઇ-વે, પાલનપુર થઇ સુંધામાતા સુધીનો ૫૧૦ કિ.મી.નો આ રૂટ છે. પ્રથમ દિવસે જ ૫૦ ટકાથી વધુનું ફટાફટ બુકીંગ થઇ ગયુ હતુ.

એસ.ટી. નિગમના સતાધિશોએ જણાવ્યા મુજબ દિવાળીનો ટ્રાફીક ધ્યાને લઇ રાજકોટથી પંચનાથ, દાહોદ અને સુરત તરફ આશરે ૮૦ થી વધુ બસો દોડાવવા આયોજન થઇ રહ્યુ છે. દિવાળીના એક સપ્તાહ પહેલાથી આ એકસ્ટ્રા બસો દોડવા લાગશે.

(12:00 pm IST)