રાજકોટ
News of Wednesday, 16th September 2020

કોરોનાથી મૃત્યુ પામેલા રાજકોટના ત્રણ સફાઇ કામદારોના વારસદારોને સરકાર રપ-રપ લાખ આપશેઃ કાર્યવાહી શરૂ

ભૂગર્ભ ગટરની સફાઇ વખતે ગુંગળામણથી મૃત્યુ પામનાર કામદારોના વારસદારોને ૧૦ લાખની સહાય અપાશેઃ સામાજીક ન્યાય અધિકારીતા વિભાગે એક કરોડનું બજેટ મંજુર કર્યું

રાજકોટ તા.૧૬ : શહેરને કોરોનાથી બચાવવા માટે દિવસ-રાત સ્વચ્છતાની કામગીરી કરનારા ખરા અર્થના કોરોના વોરિયર્સ એવા સફાઇ કામદારોનું મૃત્યુ કોરોનાને કારણે થાય તો તેના વારસદારોને રૂ.રપ લાખની સહાય મુખ્યમંત્રી રાહતનીધિ ફંડમાંથી આપવાની યોજના હેઠળ રાજકોટ મ.ન.પા.ના ત્રણ મૃતક સફાઇ કામદારોના વારસદારોને રૂ.રપ-રપ લાખની સહાય આપવાની કાર્યવાહી શરૂ થઇ ગઇ છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગત મુજબ કોરોનાથી મૃત્યુ પામનાર સફાઇ કામદારોના વારસદારોને રપ લાખની આર્થિક સહાયની યોજનાં હેઠળ રા. મ.ન.પા. દ્વારા તાજેતરમાં ચાલુ કરજે કોરોનાથી મૃત્યુ પામનારા ત્રણ જેટલા સફાઇ કામદારોના વારસદારોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. રપ-રપ લાખ ની સહાય આપવા માટે કાર્યવાહી શરૂ થઇ ગઇ છે. અને આ માટે સિવિલ હોસ્પિટલનો અભિપ્રાય મેળવવા માટે ફાઇલો પણ મોકલી દેવામાં આવી છે. સિવિલ કોવિડ હોસ્પિટલનો મૃતકોના કોરોના પોઝિટીવ અંગેનો અભિપ્રાય મેળવી અને ત્યારબાદ કોરોનાથી મૃત્યુ પામનાર સફાઇ કામદારોનાં વારસદારોની સહાય મંજુર કરવામાં આવશે.

ભૂગર્ભ ગટરમાં ગુંગળામણથી મૃત્યુ થાય તો ૧૦ લાખ

રાજયમાં સફાઈ કામદારોના વારસદારોને વળતર પેટે રૂપિયા ૧૦ લાખ આપવા સરકારે વહીવટી મંજૂરી આપી છે રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્રારા સુપ્રીમ કોર્ટના ચુકાદા અન્વયે મૃતક સફાઇ કામદારોના વારસદારોને વળતર પેટે રૂપિયા ૧૦ લાખ ચુકવવા અંગે ૨૦૨૦/૨૧ના વર્ષ માટે રૂપિયા એક કરોડની રકમ શરતોનું પાલન કરવાની શરતે વહીવટી મંજુરી આપી છે. આ સહાયની રકમનું ચુકવણું ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમે કરવાનું રહેશે. વ્યકિતગત કે સોસાયટી કે પછી કોન્ટ્રાકટર દ્રારા સોંપાયેલી કામગીરી દરમિયાન જો સફાઇ કામદારનું મુત્યુ નિપજે તો રકમ ચુકવવાની રહેશે નહીં તેવી સ્પષ્ટતા કરી છે.

સામાજિક ન્યાય અધિકારીતા વિભાગે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે, ગટર ગુંગળામણથી થયેલા અવસાનના કિસ્સામાં જ આ સહાય મળવાપાત્ર રહેશે. સફાઇ કર્મચારીના મુત્યુ સંદર્ભે સ્થાનિક મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિ. કમિશ્નર અથવા નગરપાલિકાના ચીફ ઓફિસરનું સર્ટિફિકેટ અથવા પોલીસ પંચનામાના આધારે ગુંગળામણ/ ડૂબી જવાથી મત્યુ થયાનું જણાય તો જ આ લાભ મળશે. અવસાન પામેલા સફાઇ કર્મચારીઓનો પોસ્ટમોર્ટમનો રિપોર્ટ મેળવવાનો રહેશે

અવસાન પામેલા સફાઇ કર્મચારીના આકિસ્મક મૃત્યુ અંગે એફ.આઇ.આર.માં એમ.એસ. એકટ ૨૦૧૩ હેઠળ ગુનો નોંધાયેલો હોવો જોઇએ. આ ઉપરાંત સુપ્રીમ કોર્ટના ૨૭/૩/૨૦૧૪ના ચુકાદા અન્વયે ચુકવવાની થતી વળતરની રકમ ચુકવણું માત્ર આર.ટી.જી.એસ./ઓનલાઇન વ્યવસ્થા મારફતે મૃતક સફાઇ કામદારના કુંટુંબના કાયદેસરના વારસદારને ખરાઇ કરી ચુકવવાનું રહેશે.

વધુમાં એમ પણ જણાવ્યું છે કે, અવસાન પામેલા સફાઇ કર્મચારીને મહાનગરપાલિકા/નગરપાલિકા/ પંચાયતે જાતે અથવા અન્ય ખાનગી કોન્ટ્રાકટ/ પેટા કોન્ટ્રાકટર રોકીને ગટર સફાઇનું કામ સોંપેલું હોય તો તેવા કિસ્સામાં જે તે મહાનગરપાલિકા/નગરપાલિકા તેમ જ પંચાયતે સુપ્રીમ કોર્ટના ચુકાદાના ૨૭/૩/૨૦૧૪દ્ગક્ન ચુકાદા અન્વયે મૃતક સફાઇ કામદારોના વારસદારોને ૧૦ લાખની ચુકવણી કરવાની રહેશે. આવા કિસ્સામાં યોજનાનો લાભ આપવાનો રહેશે નહીં.વધુમાં એમ પણ જણાવ્યું છે કે, જો આવસાન પામનાર સફાઇ કામદારને વ્યકિતગત રીતે એટલે કે સોસાયટી/વ્યકિતગત મિલકતની ગટર સફાઇની કામગીરી માટે ઉતાર્યા હોય અને સ્થાનિક સ્વરાજયની સંસ્થાની કોઇ જવાબદારી ઉપસ્થિત થતી ના હોવાથી આવા કિસ્સામાં સોસાયટીના વહીવટદાર/મેનેજર/વ્યકિતગત સુપ્રીમ કોર્ટના ૨૦૧૪દ્ગક્ન ચુકાદા અન્વયે ૧૦ લાખનું ચુકવણું કરવાનું રહેશે.

(3:03 pm IST)