રાજકોટ
News of Tuesday, 16th January 2018

૧લી એપ્રિલથી કાર્પેટ એરીયા મકાન વેરો લાગુ થશેઃ પાંચ પ્રકારના વેરા નાબુદ થશે

બજેટમાં જોગવાઇ માટે કમિશ્નર પાનીની કટીબધ્ધતા

રાજકોટ, તા., ૧૬: મ્યુ. કોર્પોરેશન દ્વારા હવેથી મકાનનાં કાર્પેટ એરીયા મુજબ મકાનવેરો વસુલવા નિર્ણય થયો છે. આથી મકાનવેરો નક્કી કરવાનો મૂળ ભારાંક વેરા વિભાગ દ્વારા નક્કી કરી દેવાયો છે સાથો સાથ નવા બીલમાં ચાર પ્રકારનાં વેરા જ દર્શાવામાં  આવનાર  હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.

સતાવાર સુત્રોમાં જણાવ્યા મુજબ કોર્પોરેશન દ્વારા  હાલનાં મિલ્કત વેરા બિલમાં જનરલ, શિક્ષણ, દિવાબતી, ગાર્બેજ, પાણી, ફાયર કર્ન્ઝવન્સી ડ્રેનેજ તથા સર્વિસ ચાર્જ સહિતનાં વેરા વસુલવામાં આવે છે. હવે થી કાર્પેટ એરીયા મુજબનાં બીલમાં હવે જનરલ ટેક્ષ, પાણી , શીક્ષણ તથા ગાર્બેજ સહિતનાં ચાર વેરાની વિગતો દર્શાવવામાં આવશે.આમ, ડ્રેનેજ, દીવાબતી, ફાયર, કન્ઝવરન્સી તથા સર્વિસ ચાર્જ સહિતનાં વેરા નાબુદ થશે.

આગામી નવા નાણાકીય વર્ષથી કોર્પોરેશન દ્વારા કાર્પેટ એરિયા મુજબ વેરા વસુલવા નિર્ણય કરવામાં આવ્યો છે.આ નવા બિલમાં ચાર પ્રકારનાં વેરા શહેરીજનોએ ભરવાનાં રહેશે.

દરમિયાન મ્યુ.કમિશ્નરશ્રીએ જણાવ્યુ હતુ કે, આગામી નાણાકીય વર્ષના બજેટમાં કાર્પેટ વેરાની અમલીકરણ માટે જોગવાઇ કરવા તંત્રની પુરી તૈયારી છે અને ૧લી એપ્રિલથી કરદાતાઓને કાર્પેટ એરીયા મુજબ વેરા બીલ મોકલવાની તૈયારીઓ પુર્ણ થઇ ગઇ છે.

(2:53 pm IST)