રાજકોટ
News of Friday, 15th December 2017

લગ્નમાં વણનોતર્યા મહેમાન બની દાગીના બઠ્ઠાવી જતી ગેંગ ઝડપાઇઃ ૧૦ાા લાખના દાગીના કબ્જે

એક વર્ષ દરમિયાન રાજકોટ, સુરેન્દ્રનગર, રાજસ્થાન, ખેડા, અમદાવાદમાં ૧૬ ગુના આચર્યા છે :શહેર ક્રાઇમ બ્રાંચે મહત્વની બાતમી પરથી રાજસ્થાન અલવારથી સુનિતા ઉર્ફ સુનિયા, કબીર બનવારી અને સગીરની ધરપકડ

તસ્વીરમાં ટોળકીની માહિતી આપતાં જેસીપી ડી.એસ. ભટ્ટ, ડીસીપી બલરામ મીના, કરણરાજ વાઘેલા, પીએસઆઇ કાનમીયા, ઉનડકટ અને ટીમ તથા પકડાયેલી મહિલા તથા યુવાન અને કબ્જે થયેલા દાગીના જોઇ શકાય છે (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૧૫: લગ્નપ્રસંગોમાં વણનોતર્યા મહેમાન બની તક મળતાં જ કન્યાદાનના દાગીના-રોકડ ચોરી જતી ટોળકીને ઝડપી લેવામાં શહેર ક્રાઇમ બ્રાંચને સફળતા મળી છે. શહેરના કાલાવડ રોડ પર કરણ પાર્ટી પ્લોટ ખાતે આવો બનાવ બન્યો હતો. સીસીટીવીમાં દેખાયેલો ટાબરીયો  અગાઉ સુરેન્દ્રનગર તથા અન્ય શહેરોમાં બનેલી આવી ચોરીની ઘટનામાં પણ સીસીટીવીમાં દેખાયો હોઇ અને આ ટાબરીયા સાથેની મહિલા તથા યુવાન પણ એક સરખા જ હોઇ તપાસ કરતાં આ ટોળકી મધ્યપ્રદેશ તરફથી આવ્યાની માહિતી મળી હતી. પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગહલોૈત અને જેસીપી ડી.એસ. ભટ્ટ તથા ડીસીપી બલરામ મીના, ડીસીપી કરણરાજ વાઘેલા અને એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ ખાસ ટૂકડીને રાજસ્થાન-મધ્યપ્રદેશ મોકલતાં એક મહિલા અને યુવાન તથા સગીરને પકડી લેવામાં સફળતા મળી છે. તેની પાસેથી રૂ. ૧૦,૪૭,૯૭૧ના દાગીના કબ્જે લેવાયા છે. આ ટોળકીએ આવા ૧૬ જેટલા ગુના અગાઉ આચર્યા છે.

પી.એસ.આઇ. આર. સી. કાનમીયા, હેડકોન્સ. મહાવીરસિંહ જાડેજા, મયુરભાઇ પાલરીયા, કોન્સ. સંજય રૂપાપરા, સંતોષ મોરી, કુલદીપસિંહ જાડેજા, અમીન ભલુર, હનીફભાઇ અને મહિલા કોન્સ. પુનમબેન તપાસમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ રવાના થયા હતાં. દરમિયાન ત્રણ સભ્યોને રાજસ્થાનના અલવાર ખાતેથી પકડી લેવાયા છે. જેમાં સુનિતા ઉર્ફ સુનિયા રામબાબુ દલ્લોબાબુ ઉર્ફ દિલીપ સાસી સિસોદીયા (ઉ.૪૪-રહે. કડીયા ગામ થાના બોડા, તા. પાંચોર જી. રાજગઢ-મધ્યપ્રદેશ) તથા કબીર બનવારી મુન્સી સાસી સિસોદીયા (ઉ.૨૦-રહે ગામ કડીયા થાના બોડા તા. પાંચોર-મધ્યપ્રદેશ) તથા એક સગીરનો સમાવેશ થાય છે. આ ત્રણેય પાસેથી સોનાનો હાર, કંદોરો, સોનાના બે હાર, ચાંદીના સાંકળા, કડા, બંગડીનો સેટ, મળી કુલ રૂ. ૧૦,૩૫,૩૭૧ના સોનાના દાગીના, ચાંદીના રૂ. ૭૮૦૦ના દાગીના તથા રોકડા ૩૭૬૦ મળી કુલ રૂ. ૧૦,૪૭,૯૭૧ની મત્તા કબ્જે લેવાઇ છે. આ મત્તા ગુણવંતભાઇ તાળા (પટેલ)ની દિકરીના કરણ પાર્ટી પ્લોટમાં લગ્ન હોઇ ત્યાંથી ચોરી કર્યાનું કબુલ્યું છે. આ તમામ મુદ્દામાલ કબ્જે થયો છે.

મોડેસ ઓપરેન્ડી

આ ટોળકી ટ્રેન કે બસ મારફત જે તે શહેરમાં પહોંચી ત્યાં જ રોકાતા અને વિસ્તારમાં નીકળી લગ્ન સ્થળ આસપાસ રેકી કરી લેતાં હતાં. બીજા દિવસે ગેંગનો સાગ્રીત અને ટાબરીયો લગ્ન સ્થળે જતાં. અંદર સાગ્રીત રેકી કરી ટાબરીયાને દાગીનાની થેલી જે મહિલા પાસે હોઇ તેની આસપાસ મોકલી દેતો. તક મળતાં જ એ ટેણીયો થેલી ઉઠાવી લેતો અને બહાર નીકળી જતાં. બાદમાં ગેંગની મહિલા સભ્યો રેલ્વે કે બસ સ્ટેશને હોઇ ત્યાં પહોંચી જઇ તેને મુદ્દામાલ આપી દઇ તાકીદે બસ કે ટ્રેન મારફત શહેર છોડી દેતાં હતાં.રાજકોટમાં ૨૨-૧૧ના રોજ આ રીતે કરણ પાર્ટી પ્લોટમાં, બીજા દિવસે સુરેન્દ્રનગરમાં એક પાર્ટી પ્લોટમાં, ત્યારબાદ રાજસ્થાનના અલવર, હિન્ડોલ, દોશા ખાતે, ખેડાના નડીયાદમાં, અમદાવાદ શહેરમાં ચોરીઓ કરી હતી. છેલ્લા એક વર્ષમાં આ રીતે ૧૬ આવા ગુનાઓને અંજામ આપ્યો છે. એસીપી જે.એચ. સરવૈયા, પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ આર. સી. કાનમીયા, ડી. પી. ઉનડકટ, જગમાલભાઇ, મહાવીરસિંહ જાડેજા, મયુરભાઇ, કૃપાલસિંહ, જયસુખભાઇ હુંબલ, રવિરાજસિંહ, મહિલા કોન્સ. પૂનમબેન, કુલદીપસિંહ જાડેજા, સંતોષભાઇ, અમીનભાઇ સંજયભાઇ સહિતે આ કાર્યવાહી કરી હતી.

રાજસ્થાનમાં પોલીસે ૧૫ પાર્ટી પ્લોટમાં મહેમાન, રસોઇયા, કેટરર્સ કર્મચારી  બની વોચ ગોઠવી ને સફળતા મળી

. રાજકોટથી તપાસ માટે ગયેલી ક્રાઇમ બ્રાંચની ટીમે રાજસ્થાનના અલવરમાં ૧૫ જેટલા પાર્ટી પ્લોટમાં મહેમાનના સ્વાંગમાં જઇને તપાસ કરી હતી. કેટરર્સ, બેન્ડવાજા, રસોઇયા અને ઇલેકટ્રીશીયનનો સ્વાંગ પણ પોલીસ કર્મચારીઓએ રચીને વોચ રાખી હતી.

 

ગુનો ડિટેકટ થતાં પોલીસ કમિશ્નર અને ક્રાઇમ બ્રાંચની ટીમનું સન્માનઃ કરણ પાર્ટી પ્લોટમાંથી જે પટેલ પરિવારની જે દિકરીના કન્યાદાનના ૧૦ાા લાખના દાગીના ચોરાઇ ગયા હતાં તે ગુનો ડિટેકટ થતાં ભાજપ આગેવાન હરિભાઇ ડાંગર, શૈલેષભાઇ ડાંગર તથા જેના દાગીના ચોરાયા હતાં તે દિકરીએ પોલીસ કમિશ્નર શ્રી ગહલોૈત અને ક્રાઇમ બ્રાંચની ટીમનું સન્માન કર્યુ હતું.

(3:47 pm IST)