રાજકોટ
News of Friday, 15th October 2021

મોચી બજારના કરિયાણાના વેપારી પારસ બેડીયાએ વસ્‍તુ લેવા આવતી સગીરાને ફસાવીઃ ગેસ્‍ટહાઉસમાં અને ઘરમાં બળાત્‍કાર

પહેલા ડેરીમિલ્‍ક ચોકલેટ ખવડાવી, પછી ફોન નંબર આપ્‍યા...છેલ્લે બળજબરી આચરી : સગીરાના માતાને વાતની ખબર પડતાં ઠપકો આપતાં પારસે કહ્યું-સારું છે તમારી દિકરીને છોડી દીધી, નહિતર મારા ઘરમાં પણ બેસાડી લઉં!: એ-ડિવીઝન પોલીસે બળાત્‍કાર-પોક્‍સો હેઠળ કાર્યવાહી કરી સકંજામાં લીધો

રાજકોટ તા. ૧૫: શહેરના મોચી બજારમાં કરિયાણાની દૂકાન ધરાવતાં પરસાણા નગરના પરિણીત ઢગાએ પોતાને ત્‍યાં ચીજવસ્‍તુ લેવા આવતી ૧૫ વર્ષની બાળાને ડેરી મિલ્‍ક ચોકલેટ આપી બાદમાં પોતાનો મોબાઇલ નંબર આપી કંઇપણ કામ હોય  તો જણાવજે, હું મદદ કરીશ તેમ કહી ઝાળમાં ફસાવ્‍યા બાદ એક વર્ષ પહેલા એક ગેસ્‍ટ હાઉસમાં લઇ જઇ ભાઇ-પિતાને મારી નાંખવાની ધમકી આપી બળાત્‍કાર ગુજારી તેમજ બાદમાં મોચી બજારના ઘરમાં બોલાવી પાંચેક વખત બળાત્‍કાર ગુજારી લેતાં તેમજ બાળાના વાલી તેને સમજાવવા જતાં તેણે ‘સારુ છે તમારી દિકરીને છોડી દીધી, નહિતર હું તો ઘરમાં પણ બેસાડી લઉ' તેમ કહી ધમકી દેતાં ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવમાં પોલીસે ભોગ બનનાર સગીરાના માતાની ફરિયાદ પરથી જામનગર રોડ પર પરસાણાનગરમાં રહેતાં પારસ ભરતભાઇ બેડીયા નામના એક પુત્રીના પિતા એવા ૩૬ વર્ષના ઢગા વિરૂધ્‍ધ આઇપીસી ૩૭૬ (૨), (એન), ૫૦૬ (૨) તથા પોક્‍સો એક્‍ટની કલમ ૫ (એલ) ૬ મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.
ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્‍યું છે કે હું સફાઇ કામદાર તરીકે કામ કરુ છું. મારે ત્રણ સંતાન છે. જેમાં એક દિકરી ૧૫ વર્ષની છે. જે ધોરણ-૧૧માં અભ્‍યાસ કરે છે. સાસુ સસરા અમારાથી અલગ રહેતાં હોઇ અમે નોકરીએ જઇએ ત્‍યારે ઘરે સગીર દિકરી એકલી હોય છે. અમારી બાજુમાં પરસાણાનગરમાં રહેતાં અમારા જુના સંબંધી પારસ બેડીયાના બે મકાન છે અને એક દૂકાન છે. પારસ આ મકાન ભાડેથી આપતો હોઇ જેથી એક મકાન અમે અમારા સગા માટે ભાડે રખાવ્‍યું છે. પારસ તેની મોચીબજારમાં આવેલી ખોડિયાર પ્રોવિઝન નામની દૂકાને બેસી ધંધો કરે છે.
એફઆઇઆરમાં આગળ જણાવાયું છે કે ગત તા.૭/૧૦ના હું, મારા પતિ કામે ગયા હતાં. બપોરે બારેક વાગ્‍યે હું કામેથી ઘરે આવી ત્‍યારે મારી સગીર દિકરી સુતી હોઇ જેથી રસોઇ મેં બનાવી હતી. પછી તેણીને જમવા ઉઠાડતાં તેણે જમવું નથી તેમ કહ્યું હતું. ત્‍યારપછી તે સતત ચાર-પાંચ દિવસ સૂનમુન રહી હતી. તેણીને મજા ન હોય તો દવા લઇ આવીએ એવું કહી આશ્વાસન આપી પુછતાછ કરતાં તેણે વાત કરેલી કે પારસ બેડીયાની દૂકાને હું વારંવાર ખરીદી કરવા જતી હોઇ જેથી તેણે મને તેનો મોબાઇલ નંબર આપ્‍યો હતો અને કહેલું કે કાંઇપણ કામ હોય તો કહેજે. અભ્‍યાસના ચોપડા કે બીજી વસ્‍તુની જરૂર પડે તો પણ પોતે લઇ આપશે તેવી વાત કરી હતી.
હું તેની દૂકાને જાવ ત્‍યારે તે ડેરી મિલ્‍ક ચોકલેટ આપતો અને વારંવાર ફોન કરીને કહેતો કે તું મને બહુ જ ગમે છે, હું તને પ્રેમ કરુ છું, તારી સાથે લગ્ન કરવા છે. ગયા વર્ષે તા. ૧૦/૧૦/૨૦ના રોજ હું બપોરે બે વાગ્‍યા આસપાસ ટયુશનમાં જતી હતી ત્‍યારે પારસ હોન્‍ડા લઇ પાછળ આવ્‍યો હતો અને હોન્‍ડામાં બેસી જવા કહ્યું હતું. હું ન બેસતાં મને ધમકાવીને કહેલું કે છાનીમાની બેસી જા નહિતર તારા ભાઇ અને પપ્‍પાને જીવતા નહિ રહેવા દઉં. આથી હું ડરી જતાં  તેના હોન્‍ડા પાછળ બેસી ગઇ હતી. એ પછી તે મને એક ગેસ્‍ટ હાઉસમાં લઇ ગયો હતો અને નિર્વષા કરી બળાત્‍કાર ગુજારી  ધમકી આપી હતી કે કોઇને કહીશ તો તારા ભાઇ, પપ્‍પાને જીવતા નહિ રહેવા દઉં. એ પછી સાંજે સાડા ચારેક વાગ્‍યે તે મને હોન્‍ડા પર બેસાડી પરત મુકી ગયો હતો.
ત્‍યારબાદ પારસના સગા બહાર જાય તે ઘરની ચાવી આપણે ત્‍યાં મુકી જતાં હોઇ   પારસ પાણીની મોટર ચાલુ કરવાના બહાને મને બોલાવતો હતો અને એ રીતે પાંચેક વખત તેણે ઘરે બોલાવી બળાત્‍કાર કર્યો હતો. દર વખતે તે ધમકી આપતો હતો.
આ વાત ફરિયાદીને તેની ભોગ બનેલી દિકરીએ કરી હતી. એ પછી પારસને બોલાવી આ બાબતે વાત કરતાં તેણે મને પણ ધમકી આપી કહેલું કે સારું છે તમારી દિકરીને મેં છોડી દીધી, નહિતર હું મારા ઘરમાં પણ બેસાડી લઉ. તેમ કહી મને પણ ધમકી આપી હતી. જેથી અમે પરિવારજનોએ ભેગા થઇ ફરિયાદ કરવાનું નક્કી કર્યુ હતું.
પીઆઇ સી. જી. જોષી,  શૈલેષભાઇ ભીસડીયા અને જગદીશભાઇએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી છે. તે પરિણીત છે અને તેને એક દિકરી છે.


 

(11:19 am IST)